નેશનલ

10 ફૂટના મગરે રેલિંગ પર ચઢવાનો પ્રયાસ કર્યો પછી…..

તમારી પાસે અચાનક 10 ફૂટ લાંબો મગર આવી જાય તો શું થાય? આ સવાલ પૂછવાનું કારણ એટલું જ કે હાલમાં જ ઉત્તર પ્રદેશમાં આવી ઘટના જોવા મળી હતી. ઉત્તર પ્રદેશના એક શહેરમાં બુધવારે દસ ફૂટનો મગર કેનાલમાંથી બહાર નીકળીને નજીકના વિસ્તારમાં ફરવા માંડ્યો ત્યારે આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ભયભીત લોકો દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં મોટો મગર કેનાલની નજીકની રેલિંગ પર ચઢવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

યુપીના બુલંદશહેરમાં નરોરા ઘાટ પાસે ગંગા નહેરમાંથી આ મગર બહાર નીકળ્યો હતો. મગરને બહાર આવેલો જોઇને સ્થાનિક લોકોએ ડરના માર્યા પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી જેઓ મગરને પકડવા સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ મગરને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે મગર પાણીમાં પાછા ફરવાના પ્રયાસમાં લોખંડની રેલિંગ પર ચઢવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. આમ કરવામાં નિષ્ફળ જતાં મગર પાછો જમીન પર ઉતરે છે અને દૂર ભાગવાનો પ્રયાસ કરે છે.


મગરને પકડવા માટે વન વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વન અધિકારીઓએ તેનું માથું કપડામાં ઢાંકી દીધું હતું અને તેના અંગો બાંધવાનો પ્રયાસ કર્યો હતો જેથી મગર વન વિભાગની ટીમ પર હુમલો ન કરે. ત્યાર બાદ મગરના પગ અને માથું દોરડાથી પકડી રાખ્યું હતું. બે અધિકારીઓએ મગરની પૂંછડી ઉપાડી હતી જ્યારે અન્ય લોકોએ તેના મોં પર દોરડું બાંધ્યું હતું. મગરને થોડા કલાકોની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો હતો અને કેનાલમાં પાછો છોડવામાં આવ્યો હતો.
મગર કેનાલમાં પાછો જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button