મીરા દાતાર દરગાહ ઉનાવામાં માનસિક બીમારીવાળાને સારું થાય છે એવી માન્યતા છે
તસવીરની આરપાર – ભાટી એન.
ગુજરાતમાં પવિત્ર તિર્થધામો ઘણા આવેલ છે. પણ મુસ્લિમ સમાજ અને અન્ય સમાજના લોકો શ્રદ્ધાથી માને છે. અને તેમની મનોકામના પૂર્ણ કરતાં ‘મીરા દાતાર’ ઉનાવા ગામ ગુજરાત રાજ્યના મહેસાણાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે. જે મુસ્લિમ બિરાદરોનું પવિત્ર યાત્રાધામ છે. જે ‘મીરા દાતાર’ તરીકે જાણીતું છે. ઉંઝાથી મહેસાણા જતા હાઈવેથી એક કિ.મી. અંદરના ભાગે ઉનાવા ગામ આવેલ છે. સૈયદ અલી મીરા દાતર રહેમતુલ્લાહ અલૈહની વિશાળ દરગાહ બેનમૂન પ્રાચીન છે. ગુજરાતના એક પ્રસિદ્ધ પીર ઉનાવા પુષ્પાવતી નદીના કાંઠે મીરા દાતાર સૈયદ અલીની કલાત્મક દરગાહ છે.
મીરા દાતારના પિતાનું નામ ડોસુમિયાં હતું તેમને બે પુત્રો હતા. મોટો પુત્ર અબુમહંમદ અને નાનો પુત્ર સૈયદ અલી. સૈયદ અલીનો જન્મ ઈ.સ 474 રમઝાન માસ ૨૯ મા ચાંદ જુમેરાત (ગુરુવાર)ના રોજ થયો હતો. મીરા દાતાર સૈયદ અલીનું ખાનદાન ઈસ્લામના પયગમ્બર હઝરત મહંમદ સાથે જોડાયેલું છે. મીરા દાતારના દાદા હઝરત અલી હઝરત મહંમદ પયગમ્બર તેમના નાના થાય. મીરા દાતાર નાનપણથી જ નેક અને પરહેજગાર (સંયમી) હતા. હંમેશાં ખુદાની ઈબાદતમાં રત રહેતા તેઓ હઝરત ઈમામ હુસેનને ખૂબ માનતા. નાનપણથી જ નિયમિત કુરાને શરીફનું પઠન કરતા અને હઝરત ઈમામ હુસેનને બક્ષતા (અર્પતા) અને ખુદા પાસે હંમેશાં એકજ દુઆ (પ્રાર્થના) કરતા.
એ ખુદા જેવી રીતે હઝરત ઈમામ હુસેન અલ્લાહના રાહમાં શહીદ થયા હતા એમ જ હું પણ અલ્લાહની રાહમાં માનવ સમાજની હિફાજત કરતાં કરતાં શહીદ થાઉં. મીરા દાતારના દાદા ઈલમુદિન ગુજરાતમાં આવ્યા અને અહમદશાહ બાદશાહે તેમને ગુજરાતમાં રહેવાની સગવડ કરી આપીને લીલાપુર- પાટણમાં ડાકુઓ સામે લડવા મોકલ્યાને ડાકુઓને જેર કર્યા અને પ્રજામાં શાંતિ અને સલામતી સ્થાપી. બાદશાહ અહમદશાહના અવસાન પછી થોડા વર્ષો બાદ મહેમૂદ બેગડો (ઈ.સ.1459-1511) સત્તા પર આવ્યો એ સમયે માંડુના રાજા સામે લડાઈ થઈ તેમાં લશ્કરમાં સૈયદ અલી દાતાર (મીરા દાતાર) ના દાદા ઈલમુદીન પણ સૈનિક તરીકે ગયા હતા. માંડુના રાજાની લશ્કરી તાકાત સામે મહેમૂદ બેગડાનું લશ્કર વર્ષો સુધી લડ્યું પણ વિજય ન મળ્યો. એક દિવસ મહેમૂદ બેગડો નમાજ પઢતા ઈલમુદીનને જોઈ ગયો અને આ તેજસ્વી ઈલમુદીનને પૂછ્યું કે માંડુના રાજાને હરાવાની તરકીબ બતાવો. ઈલમુદીને કહ્યું મારા પૌત્ર સૈયદ અલીને બોલાવો તેના હાથે માંડુના રાજાનો પરાજય થશે. સૈયદ અલીને તાબડતોબ યુદ્ધમાં લડવા બોલાવ્યાં ને સૈયદ અલી (મીરા દાતાર) આ યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડી મીરા દાતાર શહીદ થયા. ઈ.સ. 1492 ઉનાવા ગામમાં તેમને દફનાવામાં આવ્યા. આજે એજ સ્થાન પર તેમની દરગાહ છે. એવી દૃઢ માન્યતા હિન્દુ-મુસ્લિમ બંને સમાજમાં પ્રવર્તે છે. ખાસ કરીને આસપાસના માનસિક બીમારીવાળા લોકોને અહીં લાવે છે અને તેમને સારું થાય છે એવી માન્યતા છે.
આવું મીરા દાતાર મુસ્લિમોનું યાત્રાધામે ઉર્ષ પણ ભરાય છે.