લ્યો બોલો, સરકારી નોકરી મેળવવા રૂ.૬૦/- લાખ વેડફી માર્યા!
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ
તુષાર ધોળકિયા, વિનોદ રાવ, વત્સલા વાસુદેવ
ગુજરાતમાં બેકારી ખૂબ વધી ગઇ છે.ગુજરાત સરકારની આઉટ સોર્સિંગથી નોકરી આપવાની પદ્ધતિને કારણે
સરકારી જગ્યાઓ ભરાતી નથી. તેને પરિણામે ગ્રામ વિસ્તારમાં રહેતા બેકાર યુવાનો નોકરી મેળવવા ફાંફાં
મારતાં રહે છે.અહીં એક બીજું વિષચક્ર એવું ઊભું થયું છે.”લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત અનુસાર બેકાર (અને નોકરી મેળવવા બેબાકળા
બનેલા) યુવાનોની લાચારીનો લાભ લઈ તેમને સરકારી નોકરી લાગવગથી અપાવવાની લાલચ આપીને તેમની પાસે પૈસા ખંખેરવાનું કામ કરતી અનેક હરામી ઠગ ટોળકીઓ પાટનગરમાં ઊભી થઇ છે. જે શિકાર શોધ્યા કરે છે.
આ સંદર્ભે છેતરપિંડીના ઘણા કિસ્સા અવારનવાર બહાર આવે છે પણ જે તે છેતરપિંડીની રકમ ૨-૪ લાખ રૂપિયા હોય છે પણ હમણાં આચરાયેલી એક છેતરપિંડીએ તો તમામ રકમનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
નોકરી અપાવવાને બહાને રૂ.૬૦/- લાખની છેતરપિંડી કરવામાં આવી છે અને કમનસીબે તેનો ભોગ એક પત્રકાર બન્યા છે! વાત જાણે એમ બની કે અમરેલીના પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં ફરજ બજાવતા હરેશ ભીખાભાઈ ટાંકને ગાંધીનગરના જૂના સચિવાલયમાં વિનોદ મંગળદાસ પટેલ સાથે પરિચય થયો.
વિનોદ પટેલે હરેશ ટાંકને પોતાને સરકારમાં બહુ મોટા અધિકારીઓ સાથે ઓળખાણ છે એમ કહી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અને સરકારી નોકરી મેળવવા માટે જરૂરી એવી તમામ પ્રક્રિયા બનાવટી સ્વરૂપે કરાવીને રૂ.૬૦/-લાખ પડાવી લીધા.
અધધધ કહી શકાય એવી આ રકમની આપ-લે સૂચવે છે કે ગુજરાતમાં બેકારી કેવી ભયંકર છે અને સફેદ
ઠગો કેટલા બધા વધી ગયા છે. અલબત્ત, આ અંગે
લોકોનું ભોળપણ (ઉર્ફે મુર્ખાઇ) પણ એટલા જ જવાબદાર છે હોં!
ગુજરાતના ત્રણ સનદી અધિકારીઓની અજાયબી
આઈ.એ.એસ અધિકારીઓની બદલી દર ત્રણ વર્ષે થતી હોય છે.આ પરંપરા ગુજરાત સરકાર પણ જાળવે છે. પરંતુ ગુજરાત સરકારના ૩ સનદી અધિકારીઓ એમાં અપવાદ છે કે જેઓની બદલી સરકારે છેલ્લાં પાંચ કે એથી પણ વધુ વર્ષોથી કરી નથી! આ અધિકારીઓમાં (૧) ડૉ.વિનોદ રામચંદ્ર રાવ ૨૦૦૦ની કેડરના સનદી અધિકારી છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ તરીકે ફરજ બજાવતા રાવ તા.૨૦/૦૭/ ૧૮થી આ હોદ્દા પર બેઠા છે. એ પછીનાં ક્રમે (૨) વત્સલા વાસુદેવા ૧૯૯૫ની બેચના સનદી અધિકારી છે. ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ પાવર કુ. લિ., વડોદરાના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતાં વત્સલા આ હોદ્દા પર તા.૨૦/ ૦૮/૧૮થી ગોઠવાઇ ગયાં છે. જ્યારે (૩) તુષાર ધોળકિયા ૨૦૦૯ની બેચના સનદી અધિકારી ગુજરાત રાજ્યના નાગરિક અને પુરવઠા નિગમના મેનેજિંગ ડિરેક્ટર તા.૦૪/૦૯/ ૨૦૧૯થી ફરજ બજાવે છે. આ ત્રણેય અધિકારીઓ કેમ તેમના સ્થાન પર ચીટકી ગયા છે? એવા પ્રશ્ર્નનો જવાબ એવો મળે છે કે ત્રણેય અધિકારીઓ તેમના આગવા કારણોસર જે તે જગ્યાએ લાંબા સમયથી બેઠા છે. વિનોદ રાવ વિશે એવું કહેવાય છે કે સરકારને શિક્ષણ માટે રાવ બહુ યોગ્ય વ્યક્તિ લાગ્યા છે એટલે સરકાર જ એમની બદલતી નથી.વત્સલા વાસુદેવાને વડોદરા બહુ ફાવી ગયું છે એટલે તેઓ સરકારને વારંવાર વિનંતી કરીને વડોદરા રહેવાનું ગોઠવી લે છે.એવું પણ કહેવાય છે કે વત્સલાની પહોંચ છેક દિલ્હી સુધી હોવાથી તેઓનું કોઈ નામ લેતું નથી.તુષાર ધોળકિયાએ પુરવઠા જેવા સંવેદનશીલ ખાતાંમાં કોઈ વિવાદ ઊભો થવા દીધા વગર કામ કર્યું હોવાથી સરકાર તેમને બદલતી નથી.કારણ ગમે તે હોય પણ ક્રિકેટની ભાષામાં કહીએ તો આ અધિકારીઓ એક જ પિચ પર લાંબી ઈનિંગ રમી રહ્યા છે એ તો નક્કી છે હોં!
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડની કેટલીક બહાર ન આવેલી વાતો
રાજકોટના નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે ભયાનક આગ ફાટી નીકળતા જે ગોઝારો અકસ્માત થયો તેનાથી આખું ગુજરાત સ્તબ્ધ છે અને ખિન્ન છે.
આ અગ્નિકાંડના સંદર્ભે રાજકોટના સ્થાનિક લોકોમાં જે વાતો થાય છે એ જરાય સાચી માનવાનું મન ન થાય એવી હોવા છતાં એ અવગણવાનું પણ સહેલું તો નથી જ. શું કહે છે સ્થાનિક લોકો? એ પ્રશ્ર્નનો જવાબ એવો મળે છે કે (૧):- આ આગમાં અવસાન પામનારાઓની સંખ્યા સત્તાવાર રીતે ભલે ૨૮ દર્શાવાતી હોય પણ ખરેખર તે આંકડો ૧૦૦થી પણ ઉપર હોવાની સંભાવના છે. (૨):- એવું કહેવાય છે કે આગ લાગ્યાની જાણ થયા પછી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે જરૂરિયાત કરતાં મોડી પહોંચી હતી (૩):-ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને રાજકોટના એક બહુ મોટા રાજકીય માથાંની ઓથ હોવાનું પણ કહેવાય છે. (૪):-છાસવારે ગમે વિષય પર નિવેદન ફટકારતા સત્તાધારી પક્ષના એકેય નેતા એક પણ શબ્દ આ પ્રકરણ અંગે ઉચ્ચારતા નથી! (૫):-ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે ત્યાંથી બચી બહાર નીકળી ગયેલા એક બાળકે ઓન કેમેરા એવું કહ્યું કે ગેમ ઝોનના સ્ટાફ પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કોઈ આવડત હોય એવું જણાયું નહોતું! અને છેલ્લે (૬):-ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની આ ઘટના પછી લોકોને એવું લાગવા માંડ્યું છે કે સરકારનું કોઈ ખાતું સિસ્ટમ કે નિયમથી નથી ચાલતું!
ગુજરાતનું રાજકારણ હાલ ઠંડુગાર બની ગયું છે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન ગત તા.૭મી મેના દિવસે પૂર્ણ થયા બાદ એમ હતું કે ગુજરાત સચિવાલય અને ગુજરાતનું રાજકારણ ચેતનવંતુ બની જશે.પરંતુ એ આશા ફળીભૂત થઈ નથી.
તેનું કારણ એ છે કે આચારસંહિતાને કારણે હજુ પોતાનું કામ નહીં થાય એ ડરથી અરજદારો સચિવાલયમાં રજૂઆત કરવા આવતા નથી. રાજકારણ ઠંડુગાર એ માટે છે કે ભા.જ.પ.ની અને કૉંગ્રેસની શિર્ષસ્થ નેતાગીરી બીજાં રાજ્યોમાં પ્રચાર અર્થે ઉપડી ગઈ છે. વળી, રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના પછી ભા.જ.પ.ના પદાધિકારીઓ જનતા અને પત્રકારોથી મોઢું સંતાડતા ફરે છે. એવું લાગે છે કે આગામી તા. ૪થી જૂને લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં પછી ગુજરાતનું રાજકારણ અને સચિવાલય ધમધમતા થશે.