ભગવાન રામના વિરોધીઓને ક્યારેય શાંતિ મળી નથી: યોગી આદિત્યનાથ
ગોરખપુર (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ અયોધ્યામાં રામ મંદિરના મુદ્દે પોતાનું ભાન ગુમાવી બેઠા છે અને ભગવાન રામના વિરોધીઓને ક્યારેય સ્થાયી શાંતી મળી નથી.
ગોરખપુરમાં ચૂંટણી રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ કહે છે કે રામ મંદિરના નિર્માણથી આખી દુનિયામાં ખોટો સંદેશ ગયો છે અને તેને બાંધવું જોઈતું નહોતું, જ્યારે સમાજવાદી પાર્ટી રામ મંદિરને નકામું માને છે. બંને પક્ષના લોકોએ પોતાનું ભાન ગુમાવી દીધું હોય એવું લાગી રહ્યું છે.
રામ ભક્તોએ મહર્ષિ વાલ્મિકીના નામ પર અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાંધ્યું છે, ભગવાન શ્રી રામના મિત્ર નિષાદ રાજના નામે વિશ્રામગૃહ બાંધવામાં આવ્યું છે, માતા શબરીના નામે ખાદ્યગૃહ બાંધવામાં આવ્યું છે. તેમણે પ્રયાગરાજમાં નિષાદરાજના માનમાં 56 ફૂટ ઊંચી પ્રતિમા બાંધી છે. નિષાદરાજના કોઈપણ અનુયાયીઓ રામ દ્રોહીઓની સાથે જઈ જ શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભગવાન રામના વિરોધીઓના કદ કે સત્તા ગમે તેટલા હોય તેમનું પતન અવશ્ય થયું છે.
જ્યારે રામના આશીર્વાદ વિકાસ અને પ્રગતિ કરાવે છે. આજે રામ ભક્તો દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે. રોડને બે લેનથી 12 લેન સુધી પહોળા કરીને, એઈમ્સ બાંધીને, મેડિકલ કોલેજો, આઈઆઈટી, આઈઆઈએમનું નિર્માણ કરીને અને એરપોટર્સ બાંધીને. ઘરે ઘરે નળમાં પાણી પહોંચાડીને તેમ જ ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપીને દેશનો વિકાસ કરવામાં આવી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
રામ ભક્ત જ દિલ્હીમાં શાસન કરી શકે છે. તેમણે લોકોને હાકલ કરી હતી કે તુષ્ટિકરણની રાજનીતિ કરનારી કૉંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને ધુળ ચટાડી દેવી.
ભાજપના નેતાએ એમ પણ કહ્યું હતું કે રામ દ્રોહીઓ એ છે જેમણે ભગવાન રામના અસ્તિત્વને નકારી કાઢ્યું, રામભક્તો પર હુમલા કરાવ્યા હતા, જ્યારે રામ ભક્ત એ છે જેમણે ભક્તોની 500 વર્ષના સપનાને પૂર્ણ કરાવીને રામ લલ્લાને મંદિરમાં સ્થાપિત કર્યા. (પીટીઆઈ)