ગોરેગામમાં પ્લાસ્ટિકની બૅગમાંથી મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો: ગુમ પતિ પર શંકા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં ભાડેના ઘરમાં રહેતી મહિલાનો મૃતદેહ પ્લાસ્ટિકની બૅગમાંથી મળી આવ્યો હતો. ઘટના બાદથી ગુમ મહિલાના પતિની શંકાને આધારે પોલીસે શોધ હાથ ધરી હતી.
વનરાઈ પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ દિબ્યા ટોપો (29) તરીકે થઈ હતી. દિબ્યા તેના પતિ જયરામ લકડા (30) સાથે ગોરેગામ પૂર્વમાં અશોક નગર સ્થિત એક દુકાનના ઉપરના માળિયા પર રહેતી હતી. મૂળ ઓરિસ્સાનું દંપતી છેલ્લાં બે વર્ષથી ભાડેની રૂમમાં રહેતું હતું અને રોજંદારીનાં કામ કરતું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર છેલ્લા કેટલાક દિવસથી દુકાનમાલિકને તેના મકાનમાંથી દુર્ગંધ આવતી હતી. શરૂઆતમાં મકાનમાલિકે દુર્ગંધ પ્રત્યે ધ્યાન આપ્યું નહોતું. જોકે મંગળવારે અતિશય દુર્ગંધને કારણે તે ઉપરના માળિયે તપાસ કરવા ગયો હતો. માળિયાની રૂમના દરવાજાને બહારથી તાળું લગાવેલું હતું.
આ પણ વાંચો: ચારિત્ર્ય પર શંકાને પગલે પતિએ પત્ની, બે સાળા અને સસરાને મોતને ઘાટ ઉતાર્યા
શંકા જતાં મકાનમાલિકે પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી વનરાઈ પોલીસે તાળું તોડી ઘરમાં પ્રવેશ કરતાં મહિલાનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. નાયલોનની રસ્સીથી ગળું દબાવી હત્યા કર્યા પછી મહિલાના મૃતદેહને ચાદરમાં વીંટાળી પ્લાસ્ટિકની બૅગમાં ભરવામાં આવ્યો હતો. તેના પગ બાંધેલા હતા.
ઘટના બાદથી ગુમ મહિલાના પતિ જયરામનો મોબાઈલ ફોન સ્વિચ ઑફ્ફ આવી રહ્યો છે. મુખ્ય શંકાસ્પદ તરીકે તેની શોધ ચલાવાઈ રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.