પાલઘરમાં ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટઃ મુંબઈ-સુરત ટ્રેન વ્યવહાર ખોરવાયો
મુંબઈઃ પશ્ચિમ રેલવેમાં પાલઘર રેલવે સ્ટેશન નજીક ગુડસ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે લોકલ સહિત લાંબા અંતરની મેલ-એક્સપ્રેસના ટ્રેન-વ્યવહારને અસર થઈ હતી. સુરત-મુંબઈ અપ લાઈનના ટ્રેન વ્યવહાર પર અસર થવાથી પ્રવાસીઓને આજે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડી હતી.
પાલઘર યાર્ડ નજીક ગૂડ્સ ટ્રેનના અનેક વેગન્સ રેલવેના પાટા પરથી ખડી પડવાને કારણે સુરત-મુંબઈની અપ લાઈનની ટ્રેનસેવા પર અસર પડી હતી. મંગળવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે મુંબઈ-ગુજરાતના ટ્રેન વ્યવહાર પર અસર થઈ હતી, એમ રેલવેએ જણાવ્યું હતું.
સાતથી આઠ વેગન્સ ટ્રેક પરથી ખડી પડવાને કારણે રેલવેના પાટાને સૌથી વધુ નુકસાન થયું હતું. યુદ્ધના ધોરણે મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી હતી, એમ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મધ્ય રેલવેમાં આ સ્ટેશન નજીક ગૂડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટ, ટ્રેનોનું શિડ્યુલ જાણી લેજો!
પાલઘરમાં ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે મુંબઈથી ગુજરાત-સુરત-અમદાવાદ અવરજવર કરનારી ટ્રેનસેવા પર અસર થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ નહીં થઈ હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો. ગૂડસ ટ્રેનમાં સ્ટીલની કોઈલ હતી.
સ્ટેશનમાં એન્ટ્રી થઈ રહી હતી ત્યારે ટ્રેનના વેગન અચાનક ટ્રેક પરથી ખડી પડ્યા હતા, જેથી લૂપ લાઈન (સ્લાઈડિંગ ટ્રેક) પર કોઈલ પડી હતી. મેઈન સહિત સબર્બનની ટ્રેનોને અસર થવાથી ટ્રેનો મોડી દોડી શકે છે, એમ પણ એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
ડિરેલમેન્ટને કારણે સુરત-મુંબઈ ઈન્ટરસિટીને વાપી ટર્મિનેટ કરવામાં આવી હતી. ગાંધીધામ-એસબીસી એક્સપ્રેસ, નિઝામુદ્દીન રાજધાની ત્રિવેન્દ્ર એક્સપ્રેસ, ભાવનગર-કોચુવેલી એક્સપ્રેસને સુરત-ઉધના-જળગાંવ-કલ્યાણ ડાઈવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, એક દહાણુ લોકલ રદ કરવામાં આવી હતી, જ્યારે બીજી ડાઉન ડિરેક્શનની દહાણુ લોકલને વિરારમાં શોર્ટ ટર્મિનેટ કરી હતી.
આ ઉપરાંત, લાંબા અંતરની સાતેક ટ્રેનોને નજીકના સ્ટેશન શોર્ટ-ટર્મિનેટ કરવામાં આવી હતી. વલસાડ-બાંદ્રા ટર્મિનસને ઉમરગાંવ, કાનપુર-મુંબઈ સેન્ટ્રલને સચિન, ઉધના-બાંદ્રા ટર્મિનસને ભિલાડ, નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસને વલસાડ અને સુરત-વિરાર એક્સપ્રેસને બિલિમોરા અને સુરત-વિરાર (09180)ને ઉધનામાં શોર્ટ ટર્મિનેટ કરી હતી. અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવાને કારણે મુંબઈ આવનારા હજારો પ્રવાસીઓ રખડી પડ્યા હતા.