આપણું ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ: મૃતકનાં પરિજનોએ રૂપાલાને આડેહાથ લીધા, કર્યા આકરા સવાલો

રાજકોટ: રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024 અને શનિવારના રોજ ભીષણ આગ લાગતા 28 લોકોના મોત થયા હતા. આ અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશભરમાં પડ્યા છે. તંત્રની કામગીરી સામે પણ લોકોમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ લોકસભા ચૂંટણી યોજાઈ છે અને તેના પ્રચાર દરમિયાન સતત દેખાતા નેતાઓ અને પેજ પ્રમુખો હવે અચાનક જ ગુમ થઈ ગયા હોવાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજકોટ પર ઘાત આવી તે સમયે પણ રૂપાલા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એક દિવસ માટે રાજકોટ આવી પશ્ચિમ બંગાળ પરત ગયા હોવાની માહિતી છે, ત્યારે સોશિયલ મીડિયામાં રૂપાલા સામે ટીકા શરૂ થઇ છે.

સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે અગ્નિકાંડના ત્રણ દિવસ બાદ રાજકોટ સીટથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રાજકોટ સિવિલની મુલાકાતે પહોંચ્યા હતા. રૂપાલાને જોઈ લોકો ગુસ્સે થયા હતા અને જનતાએ તેમને ઘેર્યા હતા અને સવાલોનો મારો ચલાવ્યો હતો. ચૂંટણી દરમિયાન ઘરે ઘરે જઈને મત માગનારા રૂપાલા કેમ દેખાયા નહીં?

લોકસભા મતદાન પહેલાં ઠેકઠેકાણે સભા યોજતા હતા પણ હવે 54 કલાક પછી કેમ આવ્યા? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે ‘હું બીજા દિવસની સવારથી 8 વાગ્યાનો અહીં જ છું. પરંતુ આ સ્થળે નહોતો આવ્યો એ વાત તમારી સાચી છે. હું એવું માનું છું આવી બધી પ્રવૃત્તિ કરવાથી જે પ્રક્રિયા ચાલી રહી છે એનું થોડું ઘણું વ્યવધાન થાય છે. હું તંત્ર સાથે સંકળાયેલો હતો અને સંકલન કરવા માટે બધાના સંપર્કમાં જ હતો.’

આ અગ્નિકાંડમાં કાર્યવાહી અંગે મૃતકોનાં પરિવારજનોની વિનંતીઓના જવાબમાં રૂપાલાએ કહ્યું કે, એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની હશે ત્યાં જરૂર પહોંચાડીશું, એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન લેવામાં આવે એ દિશામાં પ્રયાસ કરીશું.

આ અગ્નિકાંડના દોષિતોને સજા ક્યારે તથા તંત્રની શિથિલતા અંગેના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે તે લોકો દાખલો બેસે એવી કાર્યવાહી થશે. ગેમ ઝોનના નવા નિયમો અંગે કહ્યું કે, સીટ દ્વારા ભલામણ થશે અને સરકારને રિપોર્ટ સોંપશે અને એ થોડી લાંબા ગાળાની પ્રક્રિયા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button