આખી પૃથ્વીની સાત પરિક્રમા કરીને પહેલો અહીં આવી પહોંચશે એના શુભવિવાહ આ ક્ધયાઓ સાથે કરવામાં આવશે
શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
રાજા વિશ્ર્વરૂપ: ‘દેવર્ષિ નારદની આજ્ઞાથી હું મારી બંંને પુત્રીઓને આપની પુત્રવધૂ બનાવી મારા જવાબદારીથી મુક્ત થવા માગું છું, પણ બંને પુત્રીઓની ઇચ્છા છે કે તેઓ આપના કોઈપણ એક પુત્ર સાથે વિવાહ કરશે.’
ભગવાન શિવ: ‘પાર્વતી તમારો શું વિચાર છે આ ક્ધયાઓ માટે?’
માતા પાર્વતી: ‘આ ક્ધયાઓ ખૂબ જ સુશીલ અને સંસ્કારી છે, હું મારી પુત્રવધૂઓ બનાવવા તૈયાર છું.’
ભગવાન શિવ: ‘રાજન વિશ્ર્વરૂપ તમે તમારા ભવન પરત થાઓ, યોગ્ય સમયે તમને આમંત્રણ મોકલીશ.’
આશીર્વાદ લઈ રાજા વિશ્ર્વરૂપ અને સિદ્ધિ-બુદ્ધિ વિદાય લે છે.
એ જ સમયે કુમાર કાર્તિકેય અને ભગવાન ગણેશ કૈલાસ પધારે છે.
માતા પાર્વતી: ‘પુત્રો અત્યાર તમે જે બે ક્ધયાઓને જોઈ તે અમારી ભાવિ પુત્રવધૂઓ છે.’
પ્રસન્ન થતાં ગણેશને જોઈ ભગવાન શિવ કહે છે
ભગવાન શિવ: ‘પુત્રો તમે બંને સમાન વહાલા છો, કોઈ એક પર વિશેષ પ્રેમ હોય એવી વાત નથી. તમારા બંનેના વિવાહમાં એક બાધા એ છે કે આ બંને ક્ધયાઓ એક જ વર સાથે પરણવા માગે છે.
તમારે બંને એ વિવાહ કરવા હોય તો આ વિષયમાં એક શરત બનાવી છે જે આપ બંને માટે કલ્યાણકારી છે અને એ શરત એ છે કે આપના બંનેમાંથી આખી પૃથ્વીની સાત પરિક્રમા કરીને પહેલો અહીં આવી પહોંચશે એના શુભવિવાહ આ ક્ધયાઓ સાથે કરવામાં આવશે.’
માતા-પિતાની આ વાત સાંભળીને કુમાર કાર્તિકેય તરત જ પોતાના વાહન સાથે પૃથ્વીની સાત પરિક્રમા કરવા ચાલી નીકળ્યા. પરંતુ અગાધ-બુદ્ધિ સંપન્ન ગણેશ ત્યાં જ ઊભા રહી ગયા. વિચાર કરવા લાગ્યા કે ‘હવે હું શું કરું? ક્યાં જાઉં? પરિક્રમા હું કઈ રીતે કરી શકું, મારું વાહન તો મૂષક છે, કુમાર કાર્તિકેયનું વાહન તો મોર છે. મોરની ગતિની સામે મૂષક શું કરી શકે.’
ભગવાન ગણેશે અગાધ બુદ્ધિ વાપરી એનું નિરાકરણ કર્યું, તેમણે માનસરોવર જઈ વિધિપૂર્વક સ્નાન કર્યું, માતા-પિતા પાસે આવી તેમને બે આસન પર બિરાજમાન કયાર્ં. પારંપરિક વિધિપૂર્વક પૂજા કરી તેમની સાત પરિક્રમા કરી તેમના ચરણસ્પર્શ કર્યાં.’
ભગવાન ગણેશ: ‘હે સકલ સૃષ્ટિનું સંચાલન કરતા મારા માતા-પિતાને વિનંતી છે કે મેં પૃથ્વીની સાત પરિક્રમા કરી લીધી છે, શીઘ્ર જ મારા વિવાહ કરી દો.’
માતા પાર્વતી: ‘પુત્ર, તમે પહેલાં સાત બેટોવાળી અને મોટા જંગલો સહિત આખી પૃથ્વીની સાત પરિક્રમા તો કરી આવો. કુમાર તો ગયા છે, તમે પણ જાઓ અને કુમારથી પહેલાં અહીં પરત આવી જાઓ, તમારા વિવાહ તુરંત કરી દેવામાં આવશે.’
ભગવાન ગણેશ: ‘હે માતા-પિતા તમે તો બંને ધર્મસ્વરૂપ છો અને બંને મહાજ્ઞાની પણ છો, રતો અતિશય ઉત્તમ એવા ધર્મદૃષ્ટિએ મારું વચન બરાબર સાંભળો, મેં તો પૃથ્વીની સાત પરિક્રમા તમારી સામે જ કરી છે છતાં તમે મારા માતા-પિતા હોવા છતાં આવું કેમ બોલો છો.’
માતા પાર્વતી: ‘હે પુત્ર, અતિશય મોટી પૃથ્વીની પરિક્રમા તમે ક્યારે કરી લીધી? આ પૃથ્વી તો સાત બેટોવાળી અને મોટાં જંગલો સહિત છેક સમુદ્ર સુધીની છે.
ભગવાન ગણેશ: ‘શાસ્ત્રોમાં માતા પૃથ્વી અને પિતાને આકાશ તરીકે વર્ણવ્યા છે. મેં પોતાની બુદ્ધિથી તમે બંને શિવ-પાર્વતીની શાસ્ત્રોક્ત પૂજાવિધિ કરી
પરિક્રમા કરી છે તેથી મારી સમુદ્રપર્યંત પૃથ્વીની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ કહેવાય. ધર્મના સંગ્રહભૂત વેદો અને શાસ્ત્રોમાં જ એવાં વચન મળે છે તે સત્ય છે કે અસત્ય છે? જે પુત્ર માતા-પિતાની પૂજા-અર્ચના કરી એમની પરિક્રમા કરે એને પૃથ્વી પરિક્રમાજનિત ફળ સુલભ થઇ જાય છે. જે માતા-પિતાને ઘેર રાખીને તીર્થયાત્રાએ જાય છે તે માતાપિતાની હત્યાથી મળનારા પાપનો ભાગી બને છે, કારણ કે પુત્રને માટે માતા-પિતાનાં ચરણસરોજ જ મહાન તીર્થ છે, પરંતુ ધર્મના સાધનભૂત આ તીર્થ તો પાસે જ સુલભ છે. પુત્રને માટે માતા-પિતા અને સ્ત્રીને માટે પતિ આ બંને તીર્થ તો ઘરમાં જ વર્તમાન છે એવું જે વેદ-શાસ્ત્ર નિરંતર ઉદ્ઘોષિત કરતા રહ્યા છે. જો માતા-પિતાની પરિક્રમાથી પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત ન થાય તો નિ:સંદેહ વેદ પણ અસત્ય થઈ જશે. એટલા માટે મારા વિવાહ તુરંત કરી દો અથવા એમ કહી દો કે વેદ-શાસ્ત્ર અસત્ય છે. આપ બંને ધર્મના રૂપ છો, સારી પેઠે વિચાર કરી મારા વિવાહ તુરંત કરી દો.
ભગવાન શિવ અને માતા પાર્વતી બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને ઉત્તમ બુદ્ધિસંપન્ન ગણેશના વચન સાંભળીને પરમ વિસ્મિત થયાં અને પ્રસન્ન થઇ બોલ્યાં.
માતા પાર્વતી: પુત્ર તમે મહાન આત્મબળથી સંપન્ન છો. તમારામાં નિર્મળ બુદ્ધિ ઉપજી છે. જેમ સૂર્યનો ઉદય થતાંની સાથે જ અંધકાર નષ્ટ થઈ જાય છે તેમ બુદ્ધિનો ઉદય થતાં વ્યક્તિ બળવાન પણ થઇ જાય છે. વેદ-શાસ્ત્રમાં પુત્ર માટે ધર્મપાલનની જે વાત કહેવામાં આવી છે તે તમે પૂર્ણ કરી લીધી છે. અમે તમારી કુશળ બુદ્ધિમતાથી પ્રસન્ન છીએ, તમારા લગ્ન તુરંત કરવામાં આવશે.’
એજ સમયે દેવર્ષિ નારદ ત્યાં પધારે છે.
ભગવાન શિવ: ‘દેવર્ષિ નારદ તમે યોગ્ય સમયે આવ્યા છો, તમારી આજ્ઞાથી રાજા વિશ્ર્વરૂપ તેમની બંને ક્ધયાઓના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા, જેનો અમે સ્વીકાર કરી કહ્યું હતું કે, યોગ્ય સમયે તમને લગ્નની તૈયારી કરવા જણાવવામાં આવશે, તમે રાજા વિશ્ર્વરૂપને જઈને કહો કે ગણેશના લગ્ન તેમની બંને પુત્રીઓ સાથે આવનારી ચોથને દિવસે કરવામાં આવશે, વર અને જાનને પોંખવાની તૈયારી શરૂ કરી દો. વધુમાં બ્રહ્મદેવ, વિષ્ણુદેવ અને સમસ્ત દેવગણોને આ લગ્નમાં જોડાવા આમંત્રણ આપવાની જવાબદારી પણ હું તમને આપું છું.’
દેવર્ષિ નારદ તુરંત રાજા વિશ્ર્વરૂપને સંદેશો પહોંચાડે છે. રાજા વિશ્ર્વરૂપ લગ્નની તૈયારી શરૂ કરી દે છે. દેવર્ષિ ત્યારબાદ બ્રહ્મદેવ, વિષ્ણુદેવ અને સમસ્ત દેવગણોને લગ્નમાં જોડાવા આમંત્રણ આપે છે. બ્રહ્મમુહૂર્તે કૈલાસ ખાતેથી વરયાત્રા નીકળે છે તેમાં માતા સરસ્વતી, બ્રહ્માજી, માતા લક્ષ્મી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ સહિત તમામ દેવગણો જોડાય છે. વરયાત્રા રાજમહેલે પહોંચતા રાજા વિશ્ર્વરૂપ વરયાત્રાનું સ્વાગત કરે છે અને ભગવાન ગણેશ સિદ્ધિ-બુદ્ધિ સાથે લગ્નગ્રંથીથી જોડાય છે. (ક્રમશ:)