એકસ્ટ્રા અફેર

રાજકોટ અગ્નિકાંડ, ભાજપના નેતાઓની મર્દાનગી ક્યારે જાગશે?

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો જીવતા ભૂંજાઈ મર્યા તેના કારણે આખા ગુજરાતમાં આક્રોશ છે અને મૃતકોનાં સગાં-વહાલાં તો મારવા-મારવાની વાતો પર આવી ગયાં છે ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારમાં બેઠેલા લોકોએ રાબેતા મુજબ જ દોષિતોને બચાવવાનો ગંદો ખેલ શરૂ કરી દીધો છે. ગુજરાત સરકારે શનિવારે અગ્નિકાંડ થયો ત્યારે જ તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) રચવાની જાહેરાત કરી નાંખેલી પણ રવિવારે જે ખેલ શરૂ થયો એ જોયા પછી લાગે છે કે, એસઆઈટી દ્વારા તપાસ એક નાટક જ છે ને આ નાટકમાં બધાંની મિલિભગત છે.

સૌથી પહેલાં તો પોલીસે જે ફરિયાદ નોંધી તેમાં જ આ મિલિભગતનો ભાંડો ફૂટી ગયો છે. રાજકોટ પોલીસે નોંધેલી ફરિયાદમાં એક પણ અધિકારીનું નામ લખવામાં આવ્યું નથી. ખુલ્લા પ્લોટમાં ગેમ ઝોન શરૂ કરવાની મંજૂરી આપનારી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાંથી કોઈની સામે ફરિયાદ કેમ ના થઈ એ કહેવાની જરૂર નથી કેમ કે આપણે ત્યાં આ રીતે જ બધું ચાલે છે.

આઘાતની વાત એ છે કે, પોલીસ અધિકારીઓને તો છાવરી જ રહી છે પણ દોષિતોને બચાવવા પણ હવાતિયાં મારી રહી છે. તેના ભાગરૂપે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સરેઆમ જૂઠાણું ચલાવ્યું કે, ગેમ ઝોનના સંચાલકોએ ફાયર એનઓસી માટે અરજી કરેલી પણ પ્રક્રિયા પડતર હતી. ભાર્ગવે એવું જૂઠાણું પણ ચલાવ્યું કે, ગેમ ઝોનના સંચાલકોએ ઝોનમાં ફાયર સેફ્ટીનાં સાધનો પણ રાખ્યાં હતાં.

સવાલ એ છે કે, ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીનાં સાધનો હતાં તો પછી ગેમ ઝોનનો સ્ટાફ કેમ ભાગી ગયો અને ફાયર સેફ્ટીનાં સાધનો કેમ ના વાપર્યાં ? રાજુ ભાર્ગવે ફાયર સેફ્ટી માટે અરજી કરાયેલી એવું ધરાર જૂઠાણું પણ ચલાવ્યું કેમ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર સેફ્ટી ચીફ પોતે સત્તાવાર રીતે કહી ચૂક્યા છે કે, ગેમ ઝોન પાસે ફાયર સેફ્ટી એનઓસી નહોતી. પોલીસ કમિશનર તેમને ખોટા સાબિત કરવા માટે આવું જૂઠાણું ચલાવે તેનો મતલબ શો?

આ ગેમ ઝોન ચાલુ થયો ત્યારે અમિત અરોરા મ્યુનિસિપલ કમિશનર, બલરામ મીણા પોલીસ કમિશનર, અરુણ મહેશ બાબુ કલેક્ટર ને ઝોન-1 ડીસીપી પ્રવિણ મીણા સપરિવાર ગેમ ઝોનની મહેમાનગતિ માણવા ગયેલા. ગેમ ઝોનના સંચાલકોએ તેમું બુકે આપીને સ્વાગત કરેલું ને બરાબર આગતાસ્વાગતા કરેલી. હવે આ બધા અધિકારીઓ મહેરબાન હોય પછી સંચાલકો કોઈની પરવા કરે ખરા? તેમની મહેરબાનીથી તેમણે લોકોના જીવ લેવાનો ખેલ માંડી દીધો ને તેમાં 28 નિર્દોષ હોમાઈ ગયા.
રાજકોટના કાંડે ગુજરાતમાં ભાજપના નેતા કઈ હદે પાણી વિનાના છે એ પણ સાબિત કરી દીધું છે.

ગુજરાતમાં કહેવા માટે તો ભાજપ સત્તામાં છે પણ વાસ્તવમાં અધિકારી રાજ ચાલે છે. અધિકારીઓ જ સર્વસત્તાધીશ છે અને એ લોકો કહે એ જ સવા વીસ એવી હાલત છે કેમ કે આ અધિકારીઓ સીધું દિલ્હીને રિપોર્ટિંગ કરે છે. દિલ્હીમાં એ લોકો કોને રિપોર્ટિંગ કરે છે એ કહેવાની જરૂર નથી. દિલ્હીમાં બેઠેલા લોકોની મહેરબાનીથી એ લોકોની મનમાની ચાલે છે ને ભાજપના પોણિયા નેતા ચૂપચાપ તમાશો જોઈ રહેવા સિવાય બીજું કશું કરી શકતા નથી.

ગુજરાતમાં ભાજપના 156 ધારાસભ્યો છે પણ એ બધા અધિકારીઓના ગુલામ હોય ને તેમની મહેરબાની પર જીવતા હોય એ રીતે વર્તી રહ્યા છે. મર્દાનગી સાવ મરી પરવારી હોય ને માનસિક નપુંસક થઈ ગયા હોય એવી તેમની હાલત છે. રાજકોટમાં આવડો મોટો કાંડ થઈ ગયો, 28 લોકોનાં મોત થઈ ગયાં ને છતાં એક ધારાસભ્ય અધિકારીઓ સામે બોલવા માટે ઊભો થયો નથી એ તેમની માનસિક નપુંસકતાનો મોટો પુરાવો છે. જે જનતાના મતથી એ લોકો ચૂંટાય છે એ જનતાને પડખે ઊભા રહેવાના બદલે એ લોકો બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેઠા છે.

રાજકોટના રમેશ ટીલીયા નામના ભાજપના ધારાસભ્ય હા-હા હી-હી કરતા કેમેરામાં ઝડપાઈ ગયા તેમાં સૌની નજરે ચડી ગયા પણ બીજા ધારાસભ્યોની પણ આ જ હાલત છે. રાજકોટ ભાજપમાંથી એક એવો ભડનો દીકરો નથી નિકળ્યો કે જે સવાલ કરે કે, આ ગેમ ઝોનને ફાયર એનઓસી વિના કઈ રીતે પોલીસે મંજૂરી આપી? ભાજપમાં એક મરદનો બચ્ચો એવો નથી કે જે સવાલ કરે કે, ખુલ્લા પ્લોટમાં બાંધવામાં આવેલા ગેમ ઝોનમાં રાજકોટના પોલીસ કમિશનરથી માંડીને કલેક્ટર સુધીના અધિકારીઓ આખા પરિવાર સાથે મોજમસ્તી કરવા ગયા ત્યારે આ ગેમ ઝોનની પરવાનગી અંગે કેમ સવાલ ના ઊઠ્યો?

ભાજપના નેતાઓમાં પાણી હોય તો તેમણે જેમના પાપે 28 લોકોના જીવ ગયા ને બીજા સંખ્યાબંધ લોકો જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે એ અધિકારીઓનો જવાબ માંગવો જોઈએ. આ અધિકારીઓને સરકાર લાત મારીને તગેડી જ ના મૂકે પણ ફરજમાં બેજવાબદારી કરીને નિર્દોષ લોકોનાં મોત નિપજાવવા બદલ કેસ કરે એ માટે પણ દબાણ કરવું જોઈએ. ભાજપના નેતાઓની, ધારાસભ્યોની આ નૈતિક ફરજ છે કેમ કે એ લોકો અધિકારીઓના મતથી નથી ચૂંટાતા પણ લોકોના મતથી ચૂંટાય છે.
રાજકોટની પ્રજાએ અત્યારે જે આક્રોશ બતાવ્યો છે એ આક્રોશ પણ જાળવવો જરૂરી છે કેમ કે આ આક્રોશ શમી ગયો તો કદી ન્યાય નહીં મળે. સરકાર તો કુલડીમાં ગોળ ભાંગી દેશે ને બલિના બકરા શોધીને ગમે તેને વધેરી નાંખશે પણ જે લોકો અસલી ગુનેગાર છે એવા અધિકારીઓને કંઈ નહીં થાય.

ગુજરાતની પ્રજાએ પણ તેમાં સાથ આપવો જોઈએ કેમ કે રાજકોટમાં જે બન્યું એ પહેલાં અમદાવાદમાં પણ બનેલું, મોરબીમાં પણ બનેલું, સુરતમાં પણ બનેલું ને બીજે ઘણે ઠેકાણે બનેલું. ને આ પાછો અંત નથી. કાલે બીજે ગમે ત્યાં બની શકે, ગમે તે નિર્દોષ વ્યક્તિ આ હલકટોના પાપનો ભોગ બની શકે.

પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા એ જનપ્રતિનિધિઓ તો સાવ નપાણિયા છે ને તેમનામાં મર્દાનગી આવે એવી શક્યતા ઓછી છે. કમ સે કમ પ્રજા તો પાણીદાર પુરવાર થાય ને ન્યાય માટે લડે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત