તરોતાઝા

સુખ

ટૂંકી વાર્તા – બકુલ દવે

પરોઢિયે પાંચ વાગ્યાની આસપાસ ફોન દ્વારા ખબર મળ્યા. ફોન પર સલિલનો મિત્ર હતો અથવા તો પાડોશી. એણે ઝડપથી એટલું જ જણાવ્યું કે સલિલને અકસ્માત થયો છે ને એને સી. જે. હૉસ્પિટલમાં દાખલ કર્યો છે.

સુક્નયાને ઊંડી ફાળ પડી. હજી ગઈ કાલે તો એણે સલિલ સાથે વાત કરી છે. ગઈ કાલે એ કોઈ કામ માટે અમદાવાદમાં હતો? ત્યાંથી એણે ફોન કર્યો હતો: તારા માટે એક પુસ્તક ખરીદ્યું છે, સ્વીટહાર્ટ.' કયું પુસ્તક છે?’

ઈટ્સ અ સરપ્રાઈઝ.' સલિલ હસ્યો હતો,એ પુસ્તક હું તને રૂબરૂ આપવા ઈચ્છું છું. હું આપું ત્યારે જોઈ લેજે.’
`ઓ. કે.’
એકાએક એવું શું બની ગયું? સુક્નયાને સમજાયું નહીં. એની ગાડી કોઈ વાહન સાથે અથડાઈ હશે? કે પછી…
સુક્નયાના પપ્પા પ્રજ્ઞાનભાઈને પણ ચિંતાએ ઘેરી લીધા. વધુ વિચારવાનો-વાત કરવાનો સમય ન હતો. ઝટપટ ઘર બંધ કરી બંને નીકળી પડ્યાં સી. જે. હૉસ્પિટલ તરફ.

હજી રસ્તાઓ પર એટલી અવરજવર ન હતી એટલે રિક્ષા એકધારી ગતિએ દોડતી હતી. સ્ટ્રીટલાઈટનો ઉજાસ રસ્તાઓ પર રેલાઈ રહ્યો હતો. પડછાયા અકબંધ હતા. ફેબ્રુઆરી ઊતરવામાં હતો. હવામાં ઠંડકની સાથે ભીનાશ જેવું જણાતું હતું. દૂધવાળા અને મોર્નિંગ વોકમાં નીકળેલા થોડા જણ નજરે પડી જતા હતા.

સુક્નયા આ બધું જોતી હતી છતાંય એને કશું દેખાતું ન હતું. આંખ જોતી હતી પણ એનું મન દૃશ્યોની નોંધ લેતું ન હતું. એને હૉસ્પિટલ પહોંચવાની અધીરાઈ હતી.
ચોવીસ વર્ષની સુક્નયાનું જીવન જ અકસ્માતોથી બનેલું હતું. એ સલિલના પરિચયમાં આવી તે પણ અકસ્માત જ હતો.
શહેરમાં વિપશ્યના શિબિરનું આયોજન થઈ રહ્યું હતું. એમાં સલિલની મહેનત હતી. શહેરમાં વિપશ્યના શિબિર યોજાય અને વિદ્યાર્થીઓ તેનો લાભ લે એવું એ ઈચ્છતો હતો.

સલિલ કોલેજમાં ફિલોસોફીનો વ્યાખ્યાતા હતો. ભણવું એટલે માત્ર પાઠ્યપુસ્તકોમાં બંધ જ્ઞાન નહીં પણ જીવનને નિસબત હોય એવી અન્ય પ્રવૃત્તિઓ પણ આવી જાય એવું એ માનતો. ઉત્સાહથી ભરપૂર હતો એ. ધનિક પરિવારમાંથી પોતે આવે છે એની કોઈને જાણ ન થાય એવું એનું વર્તન હતું. બિલકુલ ડાઉન ટુ અર્થ હતો. વિદ્યાવ્યાસંગી હતો એટલે પિતાના ધંધામાં બેસવાની પ્રણાલી ત્યજી કોલેજમાં નોકરી સ્વીકારી હતી.

સલિલને હતું કે એની કોલેજમાંથી શક્ય હોય એટલી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ વિપશ્યના શિબિરમાં જોડાય. આ માટે એ સૌને શિબિરમાં જોડાવાના ફાયદાઓ જણાવતો. વિપશ્યના દ્વારા મન અને શરીરને ચુસ્ત રાખવામાં આવે તો એકાગ્રતા સાધી જીવનમાં કેટલી ઊંચાઈઓને આંબી શકાય તેની વિગતે વાત કરતો.

સુક્નયા સિવાય ફિલોસોફીના બધા જ વિદ્યાર્થીઓ શિબિરમાં જોડાવા તૈયાર થયા.
સલિલને નવાઈ લાગી. સમૂહથી અલગ ન પડે તો એ સુક્નયા શાની? જુદા પડવું એની પ્રકૃતિ હતી. એની સહાધ્યાયીનીઓ કરતાં એ અનેક બાબતોમાં જુદી તરી આવતી હતી. મધ્યમ વર્ગના કુટુંબમાંથી એ આવતી હતી. પોતાની પાસે અન્યની પાસે છે તેવાં સગવડનાં સાધનો નથી એ વાતનો એને સહેજ પણ રંજ ન હતો. સતત વાત કરતી રહેતી. ચહેરા પર સ્મિત કાયમ રહેતું. ફેશનેબલ ન હતી. સરળતા એનું રૂપ નિખારતી ને સાદગી એનું ઘરેણું હતી. ભણવામાં એ તેજ હતી. સૌંદર્ય અને બુદ્ધિનો સ-રસ સુમેળ હતો એનામાં.

પણ વેકેશનની રજાઓ પછી સુક્નયામાં ખાસ્સો બદલાવ આવી ગયો હતો. એ સાવ ખામોશ થઈ ગઈ હતી. ભણવાના મુદ્દે હવે એ સલિલને પ્રશ્ન પણ કરતી ન હતી. ચહેરા પર ઉદાસી છવાયેલી રહેતી. કલાસરૂમની બારી બહાર દૂર દૃષ્ટિ લંબાવી એ જાણે કશુંક શોધ્યા કરતી હોય એવું લાગતું. એને એકાંત વધુ ગમવા લાગ્યું હતું.
`તું શિબિરમાં શા માટે નથી જોડાતી?’ સલિલ વર્ગખંડમાંથી બહાર નીકળતાં સામે ઊભેલી સુક્નયાને પૂછ્યું.

.....' ચૂપ કેમ છે?’
સુક્નયાની મોટી મોટી આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. સલિલ છોભીલો પડી ગયો: અરે રડે છે કેમ?' સુક્નયાની પાસે ઊભેલી હીરલે જણાવ્યું,સર, સુક્નયાનાં મમ્મી ગુજરી ગયાં…’
ક્યારે?!' વેકેશનની રજાઓ દરમિયાન.’
સલિલને શું બોલવું – કેવી રીતે સાંત્વન આપવું તે ન સમજાયું. જન્મ-મૃત્યુની ફિલોસોફી, આત્મા અમર હોવાની વાત કરવી અને હિંમત રાખવાની સલાહ આપવી એ બધું નકામું હતું. થોડી ક્ષણો કશું બોલ્યા વગર પસાર થઈ ગઈ.
સુક્નયા...' સલિલે આદેશ આપતો હોય તેમ કહ્યું,મેં તારું નામ લખી નાખ્યું છે. તારે શિબિરમાં જોડાવાનું છે. ઈઝ ધેટ ક્લિયર?’
પણ સર...' નો આર્ગ્યુમેંટ પ્લીઝ.’

શિબિરનું સ્થળ શહેરથી પાંચેક કિલોમીટર દૂર હતું. સલિલ અન્ય ત્રણ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સવારે પાંચેક વાગ્યે હનુમાનજીના મંદિર પાસે પટાંગણમાં એકઠા થયા. વિપશ્યના દ્વારા શ્વાસોચ્છ્વાસનું નિરીક્ષણ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપવા આ સાધના સાથે સંકળાયેલા દિવ્યેશભાઈ આવ્યા હતા. હસતો ચહેરો, મૃદુ વાણી અને સૌમ્ય વ્યવહારથી એ આવ્યા ત્યારથી જ સૌને પ્રિય બની ગયા હતા.
શાંત અને પ્રકૃતિથી ભરચક એવું આ સ્થળ સુક્નયાને પણ ગમી ગયું. સાક્ષીભાવ કેળવી-વૈજ્ઞાનિક રીતે શ્વાસની આવનજાવન પર મનને કેન્દ્રિત કરવાનું સુક્નયાને મુશ્કેલ જણાયું પણ ધીમે ધીમે સમય પસાર થતો ગયો તેમ ભીતર ચંચળતા ઓછી થઈ. મનનો અજંપો ઓછો થતો ગયો. મન ઠરતું ગયું એટલે વિષાદ પણ ધોવાતો ગયો. તાજગીનો સ્પર્શ થયો. સુક્નયાને થયું, આવી જ સ્થિતિમાં પોતે કાયમ રહે તો. તો કેવું સારું.

શિબિર પૂરી થઈ. શિબિરમાંથી ઘેર પાછા ફર્યા પછીની સુક્નયા અલગ જ હતી. માનું અવસાન થયું તે આઘાતમાંથી એ બહાર આવી શકી હતી. તે માટે એ સલિલની આભારવશ બની ગઈ. સલિલમાં એને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ દેખાયા. એ એના પ્રેમમાં પડી ગઈ.

પોતે સલિલને જીવનસાથી તરીકે ઝંખે છે પણ સલિલ એ બાબતમાં શું વિચારે છે? સુક્નયા અવઢવમાં હતી. પણ લખનઉના બે નવાબોની જેમ પહેલે આપ, પહેલે આપ' કહેવામાં ગાડી ચૂકી જવાય એનો એને ડર હતો. ગુજરાતીમાં બોલવામાં ક્ષોભ થાય એ અંગ્રેજીમાં બોલવાનું સરળ રહે છે. સકુન્યાએ તક શોધી સલિલને સીધું જ પૂછ્યું,વિલ યુ મેરી મી?’
સલિલ સુક્નયાના ચહેરા સામે જોઈ રહ્યો. એને થયું, મા વગરની છોકરી હૃદયમાં પડેલા અવકાશને પૂરવા હવાતિયાં મારે છે. એ ઉત્તર ન ટાળી શક્યો. એણે કહ્યું, `આઈ વિલ બટ-‘

બટ?!' બટ નોટ બિફોર યુ કમ્પ્લિટ એમ. એ.’
`ડેફિનેટલી.’ સુક્નયા ઉત્સાહથી બોલી.
સુક્નયાએ એમ. એ. કરવામાં બે વર્ષ વીતી જશે, સલિલે વિચાર્યું. ત્યાં સુધીમાં એ સલિલને છોડી બીજા કોઈ યુવક તરફ પણ ઢળી જઈ શકે.
પણ એવું ન બન્યું. સુક્નયા બે વર્ષ સુધી અભ્યાસમાં પરોવાયેલી રહી. સલિલ સમજપૂર્વક એની સાથે ઓછો સંપર્ક રાખતો હતો. સુક્નયાએ પણ ગંભીરતાથી પોતાનું કામ કરતા રહી એ સમજણનો સ્વીકાર કર્યો. પ્રેમમાં પડેલા પંખીડાની જેમ વારંવાર મળવાની વાત દૂર રહી, એ બંને અઠવાડિયે-દસ દિવસે માંડ એક વાર મળી શકતાં. ત્યારે પણ ભણવાની અને પુસ્તકોની વાતો વધુ થતી.

સુક્નયાએ પ્રથમ વર્ગ મેળવી એમ. એ.ની પરીક્ષા પાસ કરી. તે પછી બંનેએ પોતપોતાના ઘેર જણાવ્યું કે તે લગ્ન કરવા માગે છે. બંનેના વડીલો તરફથી લીલી ઝંડી મળી ગઈ. પંદર દિવસ પછી લગ્નનું મુહૂર્ત હતું. એના મૂડમાં સૌ હતાં ત્યાં જ-
રિક્ષા સી. જે. હૉસ્પિટલ સામે ઊભી રહી ગઈ. સુક્નયા દોડી. એની પાછળ પ્રજ્ઞાનભાઈ પણ ઝડપથી ચાલતા ગયા. સલિલને ગંભીર ઈજાઓ થઈ હતી. અમદાવાદથી પાછા ફરતાં એની કાર અંધારામાં રોડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી.

ઘણું લોહી વહી ગયું હતું એટલે સલિલને લોહી ચડાવાઈ રહ્યું હતું. સુક્નયા એની પાસે ગઈ. સલિલના શરીર પર ઠેર ઠેર નાની-મોટી ઈજાઓ જોઈ એનાથી રડી પડાયું. એને થયું, સલિલ ફરી ઊભો થશે? એ ફરી વાતો કરી શકશે? કે પછી-
સુક્નયા ત્યાં – સલિલની સામે જ બેસી રહી. એ ઈષ્ટ દેવનું સ્મરણ કરવા લાગી.
સલિલને કરોડરજ્જુમાં ઈજા થઈ હતી. ડી-10 અને ડી-11 મણકાઓને નુકસાન થયું હતું. ડૉક્ટરી ભાષામાં એને પેરાપરેસિસ કહે છે!
ડૉક્ટર પરીખ સલિલનું ઓપરેશન કરવાના હતા. ડૉક્ટર પરીખનું નામ ન્યુરોસર્જરીમાં માનપૂર્વક લેવાતું હતું. એ સલિલના પરિચિત હતા.
એ અતિ વ્યસ્ત રહેતા હતા છતાં એમણે અન્ય કામ દૂર ઠેલી સલિલના ઓપરેશન માટે ખાસ સમય ફાળવ્યો હતો.

સલિલને ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા ત્યારે એને સુવાડ્યો હતો તે સ્ટે્રચર સાથે સુક્નયા ઝડપથી ચાલતી રહી. સ્ટે્રચર ઓપરેશન થિયેટરમાં ગયું ને તરત દ્વાર વસાઈ ગયું. સુક્નયા બહાર રહી ગઈ – બંધ દ્વાર સામે જોતી. એની આસપાસ અનેક જણ હતા છતાંય જાણે કોઈ જ ન હતું. એને થયું, પ્રિયજન માટે પોતાને અતિ પ્રિય છે એવું કશું એણે ત્યાગવું જોઈએ. મીઠાઈ એને ભાવે છે, ચાનું હાડોહાડ બંધાણ છે! હવે એ જિંદગીભર દૂધમાંથી બનેલી કોઈ ચીજ ચાખશે પણ નહીં.
વીસ દિવસ પછી ડૉક્ટરે સલિલને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો. ઘેર ગયા પછી પણ સુક્નયાએ સલિલની કાળજી લેવામાં સહેજ પણ ચૂક ન થવા દીધી. સલિલને ઝડપથી સારું થવા લાગ્યું. સ્ફૂર્તિ આવી ને એના શરીરમાં નવું લોહી ભરાયું. એ કોઈની મદદ વગર ચાલવા લાગ્યો.
ફરી એક વાર શુભ મુહૂર્ત કઢાવી બંનેનાં લગ્ન કરવાની વાત ચાલી, પણ સલિલે કહ્યું, `ના હમણાં નહીં…’

સુક્નયાને સલિલનું વલણ સમજાયું નહીં. એક વાર બંને એકલાં હતાં ત્યારે એણે પૂછ્યું, સલિલ લગ્નને અકારણ લંબાવવાથી શું ફાયદો?' સલિલ કંઈ બોલ્યો નહીં, એનો ચહેરો તંગ થઈ ગયો. સુક્નયાએ સલિલના ખભા પર હાથ મૂક્યો,શું વાત છે? મને નહીં કહે?’
`સાંભળી શકીશ?’

કહેને....' હું તને પરણી શકું તેમ નથી…’
સુક્નયા વાચાહીન થઈ ગઈ ને વિશ્વાસ ન કરી શકતી હોય તેમ જોઈ રહી સલિલ સામે. કોઈએ કડિયાળી ડાંગ ફેરવીને પૂરી તાકાતથી મારી હોય તેમ એનું માથું ચકરાવા લાગ્યું: આ ક્ષણે જ પોતાનો જીવ નીકળી જશે કે શું ?
પણ સલિલ શા માટે મને પરણવા ઈચ્છતો નથી? પૂછવું તો જોઈએ, સુક્નયાએ સ્વસ્થ થવા કોશિશ કરતાં વિચાર્યું. એણે બધી તાકાત એકઠી કરતાં પૂછ્યું, મને પરણવાનો તારો નિર્ણય એકાએક જ કેમ ફરી ગયો? શું કારણ છે?' કારણ?’ સલિલે ઊંચું જોયું ને કહ્યું, કારણ કે તું હવે અગાઉ જેવી સુંદર રહી નથી.’

આ સલિલ બોલે છે? પોતાનો આદર્શ પુરુષ? સુક્નયાને ક્રોધ આવ્યો- સલિલ પર અને પોતાની જાત પર પણ. પોતાની સુંદરતા ઝંખવાઈ તેનું કારણ સલિલ જ છેને. સતત ચિંતા અને દોડતા રહેવાની સીધી અસર શરીર પર થઈ. આ બધું સલિલથી અજાણ્યું થોડું છે તો પણ…
રડવાનું મન થયું પણ સુક્નયા રડી નહીં. ના, એણે શા માટે રડવું જોઈએ? એણે હોઠ ભીડી દીધા. હવે એ પણ સલિલને પોતાના મનમાંથી વાળીઝૂડીને ફેંકી દેશે.

એક સમી સાંજે સલિલને સમાચાર મળ્યા. સુક્નયા પરણી ગઈ છે. એની ભીની આંખોમાં થોડો હર્ષ છે ને થોડો વિષાદ પણ. પેરાપરેસિસને લીધે પોતે પુરુષત્વ ગુમાવી ચૂક્યો છે એવું એણે સીધું જ જણાવ્યું હોત તો સુક્નયા એનો સાથ ન જ છોડત. એ નહોતો ઇચ્છતો કે સુક્નયાની જિંદગીમાં પોતાને કારણે સુખ ન રહે. એ સુક્નયાને ચાહતો હતો. એને દુખી ન થવા દેવી હોય તો અન્ય કોઇ પુરુષ સાથે એનું જીવન જોડાય તે જરૂરી હતું. તે માટે પોતે જે કરવું જોઇએ તે કર્યું તેનો સલિલને સંતોષ હતો. સુક્નયાએ જ તો એને શીખવ્યું હતું કે બીજાના સુખનો વિચાર કરી જીવવું એ જ તો જીવન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button