રોટલીના અનોખા પ્રકાર
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
ભારતીય વ્યંજન વિશાળ અને વિવિધતાવાળો છે. અસંખ્ય સંસ્કૃતિઓ અને પરંપરાઓથી પરિલક્ષિત છે. જે આપણા દેશને જીવંત બનાવી રાખે છે. દરેક ક્ષેત્રમાં ભોજન બનાવવું અને પીરસવાની એક અનોખી પ્રણાલી છે, સાથે સાથે ભોજન સંબંધિત રીત-રીવાજો અને પ્રથાઓ પણ છે. ભારતીય વ્યંજન અગણિત અને મૂલ્યવાન છે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પરંપરાગત રીતે બને છે.
સ્વાદ અને સુગંધનો મધુર સંગમ છે. ભારતીય પાકકલા અદ્ભુત અને વિવિધતાથી સભર છે. જે ક્ષેત્રમાં જે ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ હોય તે પ્રમાણે કે સ્વાસ્થ્યની દૃષ્ટિથી બનાવવામાં આવે છે. વિવિધતાથી ભરપૂર અને જેના વગર ભોજનની થાળી અધૂરી છે તે રોટલી. રોટલી ફક્ત ઘઉંની કે ચોખાની હોય એવું નથી.
દરેક ધાન્યમાંથી રોટલી બને છે. રોટલીમાં પણ લગભગ પચાસથી છપ્પન પ્રકારની વિવિધતા છે. સાદી રોટલી, મીઠી રોટલી, ભરેલી રોટલી, બે પડવાળી, ભાખરી, સાત પડવાળી, તળેલી, પરાઠા, ભરેલા પરાઠા, મીઠા પરાઠા, હર્બસવાળી રોટલી વગેરે. રોટલીમાં એટલી બધી વિવિધતા છે, કદાચ આપણે તેનાથી અજાણ છીએ.
આજકાલ પાઉં અને બ્રેડનું ખૂબ જ મોટા પ્રમાણમાં ચલણ વધ્યું છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થયું છે. ઘઉંને જો સાચવામાં ન આવે તો તે ફક્ત પાંચથી છ મહિના ટકે છે. ઘઉં પીસાયા પછી તેનો લોટ ફક્ત પંદરથી વીસ દિવસ ટકે છે. તેમાંથી રોટલી ફક્ત એક દિવસ ટકે છે. તો બ્રેડ અને પાંઉ આપણી પાસે પહોંચતા બે દિવસ લાગે છે તો તે ક્યાં ખાવાલાયક હોય છે. બ્રેડ, પાંઉ, પ્રીઝર્વવેટીવ નાખ્યા વગર બનતા નથી તેમાં ઈમ્લસીફાયર, એસ્કોબીક એસિડ સોડિયમ બેન્મોઈડ, ફ્લેવર, ફ્લેવરીંગ એજન્ટ જેવા ઘાતક કેમિકલ નાખવામાં આવે છે.
ભારતીય પરંપરાગત અને વિવિધતાથી ભરપૂર ઘરની બનાવેલી રોટલી પરોઠા પૂરી જેવી પોષક સામગ્રીનો ઉપયોગ હિતાવહ છે. આજકાલ તો મિલેટની રોટલીનું ચલણ છે. મલ્ટીગ્રેન રોટલી પણ પ્રચલિત બની રહી છે. ઋતુઓ પ્રમાણે પણ આપણે ત્યાં રોટલી બને છે. ગરમીની ઋતુમાં જુવાર રોટલી, શિયાળામાં બાજરા અને મકાઈની રોટલી બને છે. વર્ષાઋતુમાં મીઠી રોટલી બને છે. રોટલીની વિવિધતા વિશે જાણીએ.
જવની રોટલી
પ્રાચીનકાળથી આ રોટલી બને છે. જેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ ઉચ્ચું છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આનો પ્રથમ નંબર છે. બાર્લી નામથી પણ ઓળખાય છે. આ રોટીથી વજન વધતું નથી, ડાયાબિટીસ જેવી બીમારી થતી નથી. કેન્સરના સેલ ડેવલપ થવા દેતી નથી. બીજા ઘણી ક્રોનિક બીમારીથી બચાવે છે. જ્યારે ભારતમાં ઘઉંનું ઉત્પાદન નહોતું ત્યારે આ જવથી રોટલી બનતી.
ચોખાની રોટલી
પચવામાં સૌથી હલકી છે. કાર્બોહાઈડે્રડ અને પ્રોટીનથી ભરપૂર છે. કબજીયાત જેવી સમસ્યા થવા દેતી નથી. ઘણીય બીમારીમાં જ્યારે ખાવાનું પચતું નથી ત્યારે ચોખા એ જલદીથી પચી જાય છે. ત્વચાને સુંદર બનાવે છે. ભારતીય પરંપરામાં લગભગ બધા જ રાજ્યમાં આની વિવિધ રીતે રોટલી બને છે.
જુવારની રોટલી કે રોટલો
ફાઈબરથી ભરપૂર છે. સ્વાદવાળી રોટલી બને છે. હાડકાને દુરસ્ત રાખે છે. બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. પ્રોટીનથી ભરપૂર છે.
બાજરાની રોટલી કે રોટલો
લો ગ્લાસેમિક ઈન્ડેક્સ છે જેથી સુગર વધવાનો ખતરો નથી. વિટામિન અને ખનિજ ભરપૂર છે. હૃદયના સ્વાસ્થ્ય માટે ઉમદા છે. ભરપૂર શાકભાજી નાખીને બનાવી શકાય છે. આના ઢેબરા જે શાકભાજી કે પાંદડાવાળી ભાજી નાખીને બનાવાય છે.
રાગી કે નાચણીની રોટલી
કેલ્શિયમથી ભરપૂર છે. સ્વાદવાળી રોટલી બને છે. હાલમાં આનો ઉપયોગ વધ્યો છે.
અલગ અલગ રાજ્યમાં બનતી રોટલીઓ
શીરમાલ રોટી
ઘઉંના લોટમાં દૂધ, સાકર, ઘી અને ડ્રાયફ્રૂટ નાખીને બને છે. એલચી ગુલાબની પત્તી નાખીને પણ બને છે.
બાકરાખાની રોટી
બદામ, ઘી, મીઠું, કિસમિસ, એલચી, કેવડા નાખીને બને છે.
રોગાની રોટી
ઘઉંના લોટમાં ઘી, મીઠું, સાકર નાખી બને છે.
છિલકા રોટી
બિહાર, ઝારખંડની પ્રસિદ્ધ રોટલી છે. ચણાની દાળ, ચોખા ભીંજવી પીસીને રોટલી બનાવે છે. આ રોટી કદરી આચાર સાથે
ખવાય છે.
ગાભા રોટી
ચોખા લોટજુવાર લોટ, ઘઉં લોટ, તેમાં આદું મરચા, મીઠું, તલ, તેલ નાખીને બને છે.
સિંધી ડ્રાયફ્રૂટ રોટલી
ડ્રાયફ્રૂટ, ઘી, ગોળ, એલચી નાખી રોટલી બનાવાય છે.
મિલોના રોટી
ઘઉંનો લોટ અને ચોખાનો લોટ બન્ને સરખે ભાગે હોય છે. તેમાં મરી અને અજમો થોડો બેસન નાખીને બનાવાય છે.
બેજર રોટલી
રાજસ્થાનની પ્રખ્યાત રોટલી જેમાં જવ, ચણા અને ઘઉંના લોટથી બને છે. રાજસ્થાનમાં લોટમાં ફક્ત ઘી નાખીને ઘઉંરોટલી બને છે જે મહિના સુધી ખરાબ થતી નથી.
તુનકી રોટી
ખૂબજ પાતળી અને ખસ્તા રોટી છે.
ગાનબાન રોટી
આ એક ભરેલી રોટલીનો પ્રકાર છે.
થાલીપીઠ
મહારાષ્ટ્રમાં જુવાર, બાજરો, ચોખા, ઘઉંનો લોટ અને શાકભાજી મસાલા નાખી હાથથી બનાવાય છે. ખૂબ જ પૌષ્ટિક છે. આ એકલી જ ખાઈ શકાય છે.
દુલ્હન દાલ રોટી મગની દાળનું સ્ટફીંગ ભરીને બનાવે છે.
મુઠિયા રોટલી
ઉત્તરાખંડની પ્રખ્યાત રોટલી છે જે ચોખાના લોટમાં મસાલો નાખી બનાવાય છે.
અંગાકર રોટી
ઉત્તરાખંડમાં બનાવાય છે. વધેલા ભાતમાં ચોખાનો લોટ અને મસાલા નાખી બનાવાય છે.
રોટલીની એટલી બધી વિવિધતા છે કે જેમ કે કૂટુ રોટી, કૂટેજના ફૂલની રોટલી, મહુવે રોટી, અક્કી રોટી, પર્નપથી રોટી, બયારુ રોટી, ખમીરી રોટી, લોબિયા રોટી, ઘુસ્કા રોટી, મિસ્સી રોટી, આઈરસા રોટી, બેસન રોટી, ગો-દીદા રોટી, દૂધ રોટી, માવા રોટી, માંડા રોટી, થેપલા, ભરેલી રોટલી જેવી ઘણાય પ્રકારની રોટલીઓ છે.
-હર્ષા છાડવા