વસઈમાં બેકાબૂ ડમ્પરે અડફેટે લેતાં બે મહિલાનાં મોત: ચાર જખમી
મુંબઈ: વસઈમાં વિરુદ્ધ દિશામાંથી પૂરપાટ વેગે આવેલા ડમ્પરે પાંચ વાહનને ટક્કર માર્યા પછી છ જણને અડફેટે લીધા હોવાની ઘટના બની હતી. આ બનાવમાં બે મહિલાનાં મોત નીપજતાં પોલીસે ડમ્પરના ડ્રાઈવરને તાબામાં લીધો હતો.
વાલિવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના વસઈ પૂર્વમાં સાતીવલી સ્થિત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક સોમવારે સવારે 9.30 વાગ્યે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાઓની ઓળખ મંજીતા જીતુ સલોન (30) અને બિંદાદેવી શૈલેષ સિંહ (50) તરીકે થઈ હતી.
પોલીસ ફરિયાદ અનુસાર સાતીવલી ઓવરબ્રિજ તરફથી રેન્જ ઑફિસની દિશામાં પૂરપાટ વેગે આવેલા ડમ્પરના સ્ટિયરિંગ પરથી ડ્રાઈવર સર્વેશ ચૌધરી (24)એ કાબૂ ગુમાવ્યો હતો. ડમ્પર રસ્તાને કિનારે પાર્ક કરેલી બે બસ અને અન્ય ત્રણ વાહન સાથે ટકરાયા પછી રાહદારીઓ પર ધસી ગયું હતું.
ડમ્પરે નોકરીએ જઈ રહેલી મંજીતા અને બિંદાદેવી સહિત છ જણને અડફેટે લીધાં હતાં. જખમીઓને કામણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે બન્ને મહિલાને મૃત જાહેર કરી હતી. જખમીઓને બાદમાં સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
દરમિયાન રાહદારીઓએ વિરુદ્ધ દિશામાં ડમ્પર ચલાવી અકસ્માત માટે કારણભૂત બનેલા ડ્રાઈવર ચૌધરીને પકડી પાડી પોલીસને સોંપ્યો હતો. વાલિવ પોલીસે બન્ને મહિલાના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આરોપી ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો તેમ જ મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.