નેશનલ

ઈન્ડી સરકાર અગ્નિપથ યોજના રદ કરશે, મહિલાના ખાતામાં દર મહિને રૂ. 8,500 મોકલશે: રાહુલ ગાંધી

બખ્તિયારપુર (બિહાર): કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોમવારે એવો દાવો કર્યો હતો કે ઈન્ડ ગઠબંધન જો દેશમાં સત્તા પર આવશે તો સંરક્ષણ સંસ્થાનોમાં ભરતી માટેની અગ્નિપથ યોજનાને રદ કરશે અને દર મહિને દરેક મહિલાના ખાતામાં રૂ. 8,500 જમા કરાવશે.

બિહારના બખ્તિયારપુરમાં એક રેલીને સંબોધતાં તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરી એક વખત વડા પ્રધાન બની શકશે નહીં, કેમ કે દેશમાં ઈન્ડી ગઠબંધન માટેની સ્પષ્ટ લહેર દેખાઈ રહી છે.

ઈન્ડી ગઠબંધન સરકાર સ્થાપન કરશે એટલે અગ્નિપથ યોજના પાછી ખેંચી લેવામાં આવશે, એમ રાહુલે કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે 2022માં આ યોજના લાગુ કરી હતી અને તેમાં યુવાનોને ચાર વર્ષ માટે સશસ્ત્ર દળોમાં જવાન તરીકે ભરતી કરવાની વાત છે. આ લોકો નિવૃત્તિ પછી અન્ય જવાનોને મળતા 75 ટકા લાભ મેળવી શકશે નહીં.

ઈન્ડી સરકાર કેન્દ્રમાં આવ્યા બાદ જુલાઈ મહિનાથી મહિલાના ખાતામાં રૂ. 8,500 દર મહિને જમા કરવામાં આવશે. આનાથી દરેક પરિવારની આર્થિક સ્થિતિ બદલાઈ જશે.

વડા પ્રધાનની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે ચોથી જૂન બાદ જો ઈડી મોદીને ભ્રષ્ટાચાર બાબતે સવાલ કરશે તો તેઓ કહેશે કે મને કશું ખબર નથી… મને ભગવાન દ્વારા મોકલવામાં આવ્યો હતો. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button