સ્પેશિયલ ફિચર્સ

આધુનિકતાના જમાનામાં સિરમૌરમાં હજુ પણ જીવંત છે જૂની પરંપરા….

ભારતમાં વિવિધ રંગો છે. અહીં વિવિધ ધર્મ અને જાતિના લોકો અનેક રીત-રિવાજોનું પાલન કરે છે. એક પ્રથા બહુપત્નીત્વ અને બહુપતિત્વ છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં આ બંને પ્રણાલીઓનો ઉલ્લેખ છે. દશરથને ત્રણ પત્નીઓ હતી. કહેવાય છે કે કૃષ્ણને 16 હજારથી વધુ રાણીઓ હતી. તો આપણા મહાભારતમાં દ્રૌપદીને પાંચ પતિ હતા. આ વાત કરવાનું કારણ એટલું જ કે આજે પણ દેશના કેટલાક ભાગમાં બહુપતિત્વની પ્રથા પ્રચલિત છે. આપણે એના વિશે જાણીએ.

પ્રકૃતિની ગોદમાં આવેલા હિમાચલ પ્રદેશના સુંદર અને સ્વચ્છ આબોહવા ધરાવતો જિલ્લો છે સિરમૌર. સિરોમાર જિલ્લામાં હાટી સમુદાય વસે છે. સપ્ટેમ્બર 2022માં તેમને ST એટલે કે અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો છે. તેમની કુલ વસ્તી આશરે 2.5 લાખ છે. આ હાટી સમુદાયમાં કેટલાક એવા જૂના અને પરંપરાગત રિવાજો છે, જેને આજે પણ નિભાવવામાં આવે છે. એક તો એવો રિવાજ છે કે અહીં મહિલા લગ્નની જાન લઇને નીકળે છે. આ વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલે છે.

એવી જ અહીંના હાટી સમુદાયની બીજી પરંપરા છે હિમાચલ પ્રદેશના સિરમૌરનો હાટી સમુદાય એ એક સમુદાય છે જે બહુપતિત્વમાં વિશ્વાસ રાખે છે. દ્રોપદીની જેમ અનેક પુરૂષો સાથે અહીંની મહિલા જીવન ગુજારે છે. જ્યારે આ સમુદાયની મહિલા પરણીને આવે છે ત્યારે જ તેના નસીબમાં બધા જ ભાઇઓની પત્ની બનવાનું લખાઇ ગયું હોય છે.

પરણીને આવે ત્યારે દિયર નાનો હોય અને મહિલા તેની પુત્રની જેમ સંભાળ રાખે અને એ જ દિયર મોટો થઇને તેનો પતિ બની જાય છે. હાટી સમુદાયમાં સ્ત્રીના શરીરને તમામ ભાઇઓમાં વહેંચવાને જોડી દરન પ્રથા કે રિવાજનું નામ આપવામાં આવ્યું છે.

આ પ્રથા વિશે વાત કરતા એહીંની એક મહિલા જણાવે છે કે અમારો સમુદાય ઘણો ગરીબ છે. જ્યારે મારાં લગ્ન થયાં ત્યારે ઘરમાં માત્ર એક જ ઓરડો હતો જેમાં માત્ર દિવાલો હતી. એક જ રૂમમાં સાસુ અને સસરા અને બધા સુતા હતા. અમે પણ ત્યાં જ સૂઈ જતા. એટલી બધી ગરીબી હતી કે બધા ઊનનું એક જ સ્વેટર હતું. મારાં સાસુ અને હું ક્યારેય સાથે બહાર ગયા નહોતાં જેથી અમારી પાસે કપડાં નથી એની કોઇને જાણ ના થાય..

અમે અડધી ઓરડીમાં જેમતેમ સૂઇ જતા બધું બરાબર ચાલતું હતું પછી એક દિવસ મને નાના ભાઇની પત્ની પણ બનવાનું કહેવામાં આવ્યું. આ કામમાં તેઓએ જોકે, કોઇ જોરજબરદસ્તી નહોતી કરી, પણ મહિનાઓ સુધી સમજાવટથી કામ લીધુ અને મને સમજાવ્યું કે આપણે ગરીબ છીએ. લગ્નનો ખર્ચ કરી શકીએ તેમ નથી અને નવી વહુ આવે તો ઘરની સંપતિ પણ વહેંચાઇ જાય એના કરતા તું માની જા અને નાના ભાઇની પણ પત્ની બની જા.

એક સમયે જ્યારે દિયર સ્કૂલ જતો ત્યારે એનું ટિફિન તૈયાર કરતી હતી અને હવે એની પત્ની અને તેના બાળકની માતા પણ બની ગઇ છું. એ પણ મારું ધ્યાન રાખે છે. ભાઇઓ જ નક્કી કરે છએ કે આજની રાત મારી સાથે કોણ રહેશે. આજે મારા ચાર બાળકો છે. આજે હવે જ્યારે ઘરમાં કંઇ પૂજાપાઠ હોય તો મારી સાથે મારા બંને પતિ આજુબાજુ અને હું વચ્ચે બેસું છું. પિયરમાં જાઉ ત્યારે બંને પતિને સાથએ લઇને જવું પડે છે, કારણ કે બંને જમાઇ છે.

અહીંની મહિલાઓને ક્યારેક આવી રીતે તમામ ભાઇઓમાં વહેંચવાની પ્રથાથી દર્દ પણ થતું હશે. તેમની પણ કંઇક અલગ ઇચ્છા, અરમાનો હશે, પણ રિવાજ અને ગરીબીની આડમાં તેો ફરિયાદ નથી કરતી અને અને હસતા હસતા નિભાવે જાય છે. મહિલા પોતાના બધા પતિને સમાનભાવે રાખે છે. બધા માટે કામ કરે છે, રાંધે છે, છોકરાઓને ઉછેરે છે અને શાંતિથી રહે છે. જોકે, આ મહિલાઓ સાફ શબ્દોમાં જણાવે છે કે ભલે તેમણે બહુપતિત્વની પ્રથા નિભાવી, પણ તેમના સંતાનો આ પ્રથા નહીં નિભાવે
સિરમૌર જિલ્લામાં બહુપતિત્વ છે કે પછી સ્ત્રીનું જીવનભરનું શોષણ છે એનો જવાબ હજી સુધી મળ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button