ચેન્નઈ: કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ રવિવારે ચેપૉકના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આઇપીએલની 17મી સીઝનની ફાઇનલને વન-સાઇડેડ બનાવીને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને આઠ વિકેટે પરાજિત કરીને ત્રીજી વાર ટાઇટલ જીતી લીધું એ બદલ શ્રેયસ ઐયરની કૅપ્ટન્સી, ચંદ્રકાન્ત પંડિતનું કોચિંગ તથા ગૌતમ ગંભીરની મેન્ટરશિપ પ્રશંસાને પાત્ર છે જ, ખાસ કરીને કૅરિબિયન ઑલરાઉન્ડર સુનીલ નારાયણ (Sunil Narain) અને ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (Mitchell Starc)ના પર્ફોર્મન્સ પણ ખૂબ બિરદાવવાને લાયક છે. રવિવારનો બર્થ-ડેબોય નારાયણ આઇપીએલમાં ત્રણ વખત પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ જીતનાર પહેલો જ ખેલાડી બન્યો છે. સ્ટાર્ક એક જ સીઝનના પ્લે-ઑફમાં બે વાર મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતનાર પહેલો પ્લેયર છે.
નારાયણે આ પહેલાં 2012માં અને 2018માં પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર મેળવ્યો હતો અને હવે ત્રીજી વાર તે મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયર (પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ)ના પુરસ્કારથી નવાજવામાં આવ્યો છે. તેણે આ વખતની આઇપીએલમાં 14 ઇનિંગ્સમાં એક સેન્ચુરી, ત્રણ હાફ સેન્ચુરીની મદદથી 488 રન બનાવ્યા હતા જેમાં 33 સિક્સર અને 50 ફોરનો સમાવેશ હતો. કેકેઆરના તમામ બૅટર્સમાં નારાયણના 488 રન હાઇએસ્ટ હતા. તેની 33 સિક્સર પણ કેકેઆરના બૅટર્સમાં હાઇએસ્ટ અને બધા બૅટર્સમાં છઠ્ઠા નંબરે હતી. નારાયણે 10 ઇનિંગ્સમાં 17 વિકેટ પણ લીધી હતી અને આઠ કૅચ પકડ્યા હતા. પંજાબ સામેની એક મૅચમાં તેણે સાથી-ઓપનર ફિલ સૉલ્ટ સાથે 138 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. નારાયણે ત્રીજી વાર પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ બનીને શેન વૉટસન અને આન્દ્રે રસેલના બે-બે અવૉર્ડનો વિક્રમ તોડ્યો હતો.
મિચલ સ્ટાર્ક આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. તેને કોલકાતાના ફ્રૅન્ચાઇઝી તરફથી આ સીઝન રમવાના સૌથી વધુ 24.75 કરોડ રૂપિયા મળશે. તેણે કેકેઆરને ટ્રોફી જિતાડવામાં મોટી ભૂમિકા ભજવીને આ કૉન્ટ્રૅક્ટની રકમને યોગ્ય સાબિત કરી હતી. તે રવિવારની ફાઇનલમાં 14 રનમાં બે વિકેટના પ્રારંભિક તરખાટ બદલ મૅન ઑફ ધ ફાઇનલનો પુરસ્કાર જીત્યો હતો. પાંચ દિવસ પહેલાં હૈદરાબાદ સામેની ક્વૉલિફાયર-વનમાં તેણે 34 રનમાં ત્રણ વિકેટ બદલ આ પુરસ્કાર જીતી લીધો હતો.
કેકેઆર અને એના બૅટર વેન્કટેશના અનોખા રેકૉર્ડ
(1) કોલકાતાએ 2012 અને 2014 બાદ રવિવારે ત્રીજી વાર આઇપીએલનું ટાઇટલ જીતી જ લીધું, એક સીઝનમાં માત્ર ત્રણ મૅચ હારવાના રાજસ્થાનના (2008ની સાલના) રેકૉર્ડની કોલકાતાએ બરાબરી પણ કરી હતી.
(2) કોલકાતાએ રવિવારે ફાઇનલમાં 57 બૉલ બાકી રાખીને 114 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. આઇપીએલના પ્લે-ઑફમાં સૌથી વધુ બૉલ બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કરવાનો આ નવો વિક્રમ છે. અગાઉનો વિક્રમ કોલકાતાના નામે જ છે. 21મી મેએ ક્વૉલિફાયર-વનમાં કોલકાતાએ હૈદરાબાદને 38 બૉલ બાકી રાખીને હરાવ્યું હતું.
(3) કોલકાતાએ ફાઇનલમાં હૈદરાબાદને 113 રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. ફાઇનલનો આ લોએસ્ટ ટીમ-સ્કોર હતો. એ સાથે ચેન્નઈનો ખરાબ વિક્રમ (2013માં મુંબઈ સામે 125/9) તૂટ્યો હતો.
(4) આ સીઝનમાં કોલકાતાની ટીમે છ વાર હરીફ ટીમને ઑલઆઉટ કરી હતી જે વિક્રમ છે. મુંબઈએ 2008 તથા 2010માં ચાર વખત હરીફોને ઑલઆઉટ કર્યા હતા જે વિક્રમ કોલકાતાએ તોડ્યો છે.
(5) કોલકાતાના લેફ્ટ-હૅન્ડ બૅટર વેન્કટેશ ઐયરે રવિવારે 24 બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી જે આઇપીએલની ફાઇનલની ફાસ્ટેસ્ટ અડધી સદીના વિક્રમની બરાબરી સમાન છે. 2010માં ચેન્નઈ વતી સુરેશ રૈનાએ મુંબઈ સામે અને 2016માં હૈદરાબાદ વતી વૉર્નરે ફાઇનલમાં 24 બૉલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.
(6) આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડમાં વેન્કટેશે પાંચ વખત 50-પ્લસ સ્કોર નોંધાવ્યા છે. માત્ર સુરેશ રૈના (સાત વાર 50-પ્લસ સ્કોર) તેનાથી આગળ છે.
(7) આઇપીએલના પ્લે-ઑફ રાઉન્ડમાં બે વાર ઝીરોમાં આઉટ થનાર હૈદરાબાદનો ટ્રેવિસ હેડ બીજા ત્રણ પ્લેયર (મલિન્ગા, શ્રીવત્સ ગોસ્વામી, શાકીબ અલ હસન) પછીનો ચોથો ખેલાડી બન્યો છે.
આઇપીએલ-2024ના ટૉપર્સ
બૅટિંગ
પ્લેયર | ટીમ | રન | સ્ટ્રાઇક-રેટ | સિક્સર | ફોર |
કોહલી | બેન્ગલૂરુ | 741 | 154.69 | 38 | 62 |
ગાયકવાડ | ચેન્નઈ | 583 | 141.16 | 18 | 58 |
પરાગ | રાજસ્થાન | 573 | 149.21 | 33 | 40 |
ટ્રેવિસ હેડ | હૈદરાબાદ | 567 | 192.20 | 32 | 64 |
સૅમસન | રાજસ્થાન | 531 | 153.46 | 24 | 48 |
સૌથી વધુ સિક્સર કોની?
પ્લેયર | ટીમ | સિક્સર | ફોર | કુલ રન |
અભિષેક | હૈદરાબાદ | 42 | 36 | 482 |
ક્લાસેન | હૈદરાબાદ | 38 | 18 | 463 |
કોહલી | બેન્ગલૂરુ | 38 | 62 | 741 |
પૂરન | લખનઊ | 36 | 35 | 499 |
પાટીદાર | બેન્ગલૂરુ | 33 | 21 | 395 |
બોલિંગ
પ્લેયર | ટીમ | વિકેટ | બેસ્ટ | ઇકોનોમી રેટ |
હર્ષલ | પંજાબ | 24 | 3/15 | 9.73 |
વરુણ | કોલકાતા | 21 | 3/16 | 8.04 |
બુમરાહ | મુંબઈ | 20 | 5/21 | 6.48 |
રસેલ | કોલકાતા | 19 | 3/19 | 10.05 |
હર્ષિત | કોલકાતા | 19 | 3/24 | 9.08 |
સૌથી વધુ કૅચ કોના?
પ્લેયર | ટીમ | મૅચ | કૅચ |
અક્ષર | દિલ્હી | 14 | 13 |
જુરેલ | રાજસ્થાન | 15 | 11 |
શ્રેયસ | કોલકાતા | 15 | 10 |
મિચલ | ચેન્નઈ | 13 | 9 |
તિલક | મુંબઈ | 13 | 9 |
નોંધ: વિકેટકીપિંગમાં ટૉપ-ફાઇવ વિકેટકીપર્સ આ મુજબ હતા: લખનઊનો કેએલ રાહુલ (16 શિકાર), દિલ્હીનો પંત (16), કોલકાતાનો સૉલ્ટ (12), પંજાબનો જિતેશ (12) અને ચેન્નઈનો ધોની તથા હૈદરાબાદનો ક્લાસેન (10).