નેશનલ

રાજસ્થાનમાં ભારે વરસાદ: ત્રણ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ

જયપુર : છેલ્લા ૨૪ કલાકમાં રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે રાજ્યના ત્રણ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. બાંસવાડા, ડુંગરપુર અને પ્રતાપગઢ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થતા રાબેતા મુજબનું જનજીવન ખોરવાયું હતું. બાંસવાડા, સિરોહી, ડુંગરપુર, પ્રતાપગઢ, ચિત્તોડગઢ, ઉદયપુર, અજમેર અને પાલી જિલ્લામાં ભારે વરસાદ પડયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં બાંસવાડા જિલ્લામાંના બાગીડોરામાં ૩૭ સેમી. સજજનગઢમાં ૨૮ સેમી અને સલ્લોપરમાં ૨૭ સેમી વરસાદ પડ્યો હતો. રાજયમાં ઘણાં સ્થળે શનિવાર પછી ૨૭ સેમીથી ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે સોમવારે બાંસવાડા, ચિત્તોડગઢ, બિકાનેર, જૈસલમેર અને જોધપુર જિલ્લામાં ‘યલો ઍલર્ટ’ અને ડુંગરપુર, રાજસમંદ, સિરોહી, ઉદયપુર, બાડમેર, જાલોર અને પાલીમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર કરી હતી.
શનિવારે રાતે બાંસવાડા જિલ્લામાં એક ગામનો સરપંચ નાળામાં તણાઇ ગયો હતો. સરપંચ દિનેશ પાણી ભરેલી નહેર મોટર સાઇકલથી પાર કરવા જવાના પ્રયત્નમાં તણાઇ ગયો હતો, તેવું બાંસવાડા કલેક્ટરે જણાવ્યું હતું. રવિવારે સરપંચનો મૃતદેહ મળી આવ્યો હતો.

ભારે વરસાદના પગલે બાંસવાડામાંના મહી ડેમના દરવાજા ખોલવામાં આવ્યો હતો. પાણી ભરાવાને પગલે બાંસવાડાથી ઉદયપુર અને પ્રતાપગઢને જોડતા હાઇવે પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો, તેવું બાંસવાડાના ડિવિઝનલ કમિશનર નીરજ કે. પાવને કહ્યું હતું . બાંસવાડાના કલેકટરે કહ્યું કે ભારે વરસાદના પગલે મહી ડેમનું જળસ્તર વધ્યું હતું. શનિવારે ડેમના તમામ ૧૬ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને પાણી છોડવામાં આવ્યું હતું.

મહી નદીમાં જળસ્તર વધતા ડુંગરપુર જિલ્લામાંનું બેનેશ્ર્વર ધામ ટાપુ બની ગયું હતું. માહી, સોમ અને જખમ નદીના સંગમ પર બેનેશ્ર્વર ધામ આવેલું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button