(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ બે સપ્તાહની નીૂચી સપાટીએથી પાછાં ફર્યાં હતા, જોકે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં એપ્રિલ મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૩થી ૧૩૪નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૨૮નો સુધારો આવ્યો હતો અને ભાવ ફરી રૂ. ૯૦,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વિશ્વ બજારમાં સત્રના આરંભે ચાંદીના ભાવમાં ૧.૫૦ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૨૮ વધીને ફરી રૂ. ૯૦,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૯૦,૫૯૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ મધ્યસત્ર દરમિયાન હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૩ વધીને રૂ. ૭૧,૮૭૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૩૪ વધીને રૂ. ૭૨,૧૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું બજારનં સાધનોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૩ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૨૩૪૦.૦૯ ડૉલર અને ૨૩૪૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત નવમી મે પછીની સૌથી નીચી ઔંસદીઠ ૨૩૨૫.૧૫ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ આગલા બંધ સામે ૧.૫ ટકા ઉછળીને ઔંસદીઠ ૩૦.૭૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સિટી ઈન્ડેક્સનાં વરિષ્ઠ વિશ્ર્લેષ મેટ્ટ સિમ્પસને જણાવ્યું હતું કે વૈશ્વિક સોનું ઔંસદીઠ ૨૨૮૦થી ૨૩૦૦ ડૉલર આસપાસની સપાટીએ સ્થિર થાય તે પૂર્વે એકાદ નાનો ઉછાળો દર્શાવે તેવી શક્યતા નકારી ન શકાય. એકંદરે ફેડરલ રિઝર્વે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદરની શક્યતા વ્યક્ત કરતાં તાજેતરની તેજીમાં ઘણાં તેજીના ખેલાડીઓ દાઝ્યા છે. આથી ટૂંકા સમયગાળામાં મોટો ઉછાળો આવે તેવી પાંખી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
જોકે, રૉઈટર્સનાં ટેક્નિકલ એનાલિસ્ટ વૉંગ તાઓના મતાનુસાર હાલના તબક્કે હાજર સોનામાં ઔંસદીઠ ૨૩૫૨ ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને જો આ ભાવસપાટી તૂટે તો ભાવ વધીને ૨૩૬૩ ડૉલર સુધી પહોંચી શકે છે. વધુમાં હાલ સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ૬૨ ટકા શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Taboola Feed