અમિત શાહે કરી ભવિષ્યવાણીઃ કહ્યું- 1લી જૂને કેજરીવાલ જશે જેલમાં અને 6 જૂને રાહુલ ગાંધી….

લુધિયાણાઃ લોકસભા ચૂંટણી 2024 અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન સાથે ચૂંટણી પૂર્ણ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રવિવારે પંજાબના લુધિયાણા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સીએમ કેજરીવાલ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર મોટી ભવિષ્યવાણી કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે 1 જૂને કેજરીવાલ જેલમાં જશે અને 6 જૂને રાહુલ બાબા વેકેશન પર બેંગકોક જશે. તેમણે લોકોને સવાલ કર્યો હતો કે તમે લોકો કોની વચ્ચે સરખામણી કરો છો? એક તરફ રાહુલ ગાંધી છે, જે ઉનાળા બાદ વેકેશન મનાવવા થાઈલેન્ડના બેંગકોક જાય છે. બીજી તરફ આપણા વડા પ્રધાન મોદી છે જે 23 વર્ષથી સીએમ અને પીએમ પદ પર હોવા છતાં દિવાળી પર સરહદ પર જવાનો પાસે પહોંચી જઇ તેમનો જુસ્સો વધારે છે અને તેમની સાથે મીઠાઈ ખાય છે.
લુધિયાણામાં જનસભાને સંબોધત ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે કેજરીવાલે પંજાબને પોતાનું એટીએમ મશીન બનાવી દીધું છે. જો તેમનો કેસ લડવો હોય તો પંજાબના પૈસા લે છે અને જો ચૂંટણીમાં પૈસા ખર્ચવા હોય તો પણ પંજાબના પૈસા ખર્ચે છે. કેજરીવાલે પંજાબને પોતાના ભ્રષ્ટાચારનું એટીએમ બનાવી દીધું છે. કેજરીવાલે પંજાબના સીએમને પોતાના પાયલટ બનાવી દીધા છે.
પંજાબ અને ત્યાંના લોકોની પ્રશંસા કરતા ગૃહ પ્રધાને કહ્યું હતું કે, જો પંજાબ નહીં હોય તો દેશ સુરક્ષિત નહીં રહી શકે અને જો પંજાબ નહીં હોય તો દેશને ખવડાવી શકાશે નહીં. આ બંને કામ ફક્ત પંજાબ જ કરી શકે છે. તેમણે કહ્યું કે, બાબર, ઔરંગઝેબ કે પાકિસ્તાનનો હુમલો હોય, પંજાબના આપણા યુવાનોએ હંમેશા ભારતની રક્ષા માટે કામ કર્યું છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાને એમ પણ કહ્યું હતું કે, જો દેશની આઝાદી સમયે ભાજપ પાર્ટી અસ્તિત્વમાં હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં ન હોત, તે ભારતનો ભાગ હોત. મોદીજીએ સાચું જ કહ્યું હતું કે 1971માં પાકિસ્તાન આપણી સામે યુદ્ધ હારી ગયું હતું અને પાકિસ્તાનના એક લાખથી વધુ સૈનિકો આપણા કબજામાં હતા જો આપણે તે સમયે કરતારપુર સાહિબની માગણી કરી હોત તો આજે કરતારપુર સાહિબ આપણું હોત.
Also Read –