નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં તેજીનો ટોન જળવાયો છે અને સેન્સેકસ તથા નિફ્ટીએ સત્ર દરમિયાન નવા વિક્રમી શિખરો સર કર્યા છે. નિફ્ટી ૨૩,૦૦૦ની ઉપર છે, જ્યારે સેન્સેકસ ૭૩,૭૦૦ વટાવી ગયો છે. બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટી મેળવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પ્રોફિટ બુકિંગ વચ્ચે અફડાતફડી ચાલી રહી છે.
નાણાકીય અને મેટલ સેક્ટરમાં ઉછાળા સાથે એશિયન બજારો દ્વારા નિર્ધારિત અપવર્ડ ટ્રેન્ડને પગલે ભારતીય શેરબજારના સૂચકાંકો સોમવારે તાજી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ફ્લેટ થઈ ગયા હતા. એક તબક્કે નિફ્ટી ૨૩૦૦૦ની નીચે પણ સરકી ગયો હતો.
સારા નાણાકીય પરિણામ પાછળ દિવીની લેબોરેટરીઝ અને ટોરેન્ટ ફાર્મામાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો, અદાણી પોર્ટ્સ BSE 30-શેર ઇન્ડેક્સનો હિસ્સો બન્યા બાદ ત્રણ ટકા ઉછળ્યો હતો.
આજે 200 થી વધુ કંપની Q4 પરિણામો પોસ્ટ કરશે, જેમાં એલઆઇસીનો પણ સમાવેશ છે.
બજારના નિષ્ણાત અનુસાર, જેમ જેમ આપણે ચૂંટણીના પરિણામો પહેલા વેપારના છેલ્લા સપ્તાહમાં આગળ જઈએ છીએ તેમ તેમ બજાર રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચી રહ્યું છે. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શાર્પ શોર્ટ કવરિંગ અને એચડીએફસી બેન્ક જેવા ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ડિલિવરી આધારિત ખરીદીએ બજારની મજબૂતાઈમાં ફાળો આપ્યો છે.
નિફ્ટી રેકોર્ડ હાઈની નજીક હોવા છતાં, બેન્ક નિફ્ટી તેની ટોચથી હજુ પણ બે ટકા દૂર છે. આ ફ્રન્ટલાઈન બેન્કિંગ શેરોની વધુ આગળ વધવાની સંભાવના દર્શાવે છે. ટુંકમાં અત્યારે બજારમાં તેજીનો માહોલ છે.
બજાર માટે અન્ય એક સકારાત્મક બાબત એ છે કે આ મહિને બજારોમાં એફઆઈઆઈની વેચવાલી ઝડપથી ઘટી છે અને ગુરુવારે એફઆઈઆઈ પણ મોટા ખરીદદારો બન્યા છે.