લંકા દહન: માત્ર ૩૭ બોલમાં ભારત ચેમ્પિયન
રોહિત શર્મા સાથે ભારતીય ટીમ: કોલંબોમાં રવિવારે રમાયેલી એશિયા કપની ફાઈનલમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે જીત મેળવ્યા પછી ટ્રોફી સાથે ખેલાડીઓએ ફોટોગ્રાફરોને ખુશ કરી દેતાં પોઝ આપ્યા હતા.
કોલંબો: ટીમ ઈન્ડિયાએ ૮મી વખત એશિયા કપ જીતી લીધો છે. ભારતીય ટીમે એશિયા કપની ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાને ૧૦ વિકેટથી હરાવ્યું હતું. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૧૫.૨ ઓવરમાં ૫૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૬.૧ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૫૧ રન બનાવી મેચ જીતી લીધી હતી. ફાઇનલ મેચમાં શાનદાર પ્રદર્શન બદલ મોહમ્મદ સિરાજને મેન ફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો જ્યારે કુલદીપ યાદવને ટુનામેન્ટમાં નવ વિકેટ ઝડપવા બદલ મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો.
ઈશાન કિશન ૨૩ અને શુભમન ગિલ ૨૭ રન કરીને અણનમ રહ્યા હતા. ભારતીય ટીમે આ સાધારણ લક્ષ્યાંક માત્ર ૩૭ બોલમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. શુભમન ગિલ ૧૯ બોલમાં ૨૭ રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો અને ઈશાન કિશન ૧૮ બોલમાં ૨૩ રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ગિલે ૬ ચોગ્ગા અને ઈશાને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
ભારત આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા ભારતે ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦, ૨૦૧૬ અને ૨૦૧૮માં ટાઈટલ જીત્યું હતું. ભારતે આ ટૂર્નામેન્ટ સાત વખત વનડે અને એક વખત ટી-૨૦ ફોર્મેટમાં જીતી છે.
પ્રથમ બેટિંગ કરતા એશિયા કપની ફાઈનલ મેચમાં શ્રીલંકાની ટીમ માત્ર ૫૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર ૧૫.૨ ઓવરમાં ૫૦ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત સામે કોઈપણ શ્રીલંકન બેટ્સમેન ટકી શકયો ન હતો.ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે તરખાટ મચાવ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે ૬, હાર્દિક પંડ્યાએ ૩ અને જસપ્રિત બુમરાહે એક વિકેટ ઝડપી હતી.
કોલંબોમાં સિરાજ સામે શ્રીલંકાના બેટ્સમેનો લાચાર દેખાતા હતા. સિરાજે ૭ ઓવરમાં માત્ર ૨૧ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી. સિરાજે પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, સદિરા સમરાવિક્રમા, ચરિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા અને દાસુન શનાકાને પેવેલિયન મોકલ્યા હતા. ભારતીય ઝડપી બોલરોની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાના ૯ ખેલાડીઓ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા. માત્ર કુસલ મેન્ડિસ (૧૭) અને દુશન હેમંથા (૧૩) જ ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. જ્યારે પથુમ નિસાંકા ૦૨, કુસલ પરેરા ૦૦, સદિરા સમરાવિક્રમા ૦૦, ચરિથ અસલંકા ૦૦, ધનંજય ડી સિલ્વા ૦૪, દાસુન શનાકા ૦૦, દુનિથ વેલાલાગે ૦૮ અને પ્રમોદ મધુશન ૧ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.