મૂળ મહેલમેં વસે ગુણેશા..(૧)
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
આપણે ત્યાં લોકભજનિકોના કંઠે જે ગણપતિનાં ભજનો
ગવાય છે તેના ત્રણ પ્રકાર છે : ઊલટના ગણેશ, પાટના ગણેશ અને નિર્વાણનાં ગણપતિ મહિમાનાં ભજનો. ઊલટ પ્રકારનાં ગણપતિનાં ભજનોમાં ગણપતિના સ્વરૂપનું વર્ણન હોય, ગણપતિ જન્મની કથા હોય કે શુભ પ્રસંગે પધારવા માટેનું નિમંત્રણ હોય. રિદ્ઘિ-સિદ્ઘિના દાતાર, ભગવાન સદાશિવ અને ઉમિયાજીના પુત્ર એવા ગણપતિની સ્તુતિ કરતાં, ગણનાયક-ગુણપતિને મંગલ પ્રસંગે પધારવાનું નિમંત્રણ અપાય. એકલદંતો, સૂંઢાળો, દુંદાળો, સદાયે બાળ સ્વરૂપે રહેતો આ ગણનાયક શરીરે સિંદૂર ચોપડીને ગળામાં ફૂલડાંની માળા ને એકાવન હાર પહેરી, માથે મુગટને મોડિયા, બાયેં બાજુબંધ બેરખા, કાને કુંડળ, પગે મોજડી ને હાથમાં મોદકના થાળ લઈ રૂમઝૂમતો આવે.
મુષ્ાકની સવારીએ શોભતા ગુણેશાનું વર્ણન કરતાં, ગણપતિના સ્વરૂપ કે એના જન્મની કથા વર્ણવતાં ભજનો તે ઉલટના ગણેશ. એમાં ગુણપતિની બાળલીલા પણ વર્ણવાય. આવાં ભજનોમાં સામાન્ય રીતે દુંદાળો સુંઢાળો દુ:ખ ભંજણો એકલદંતો દેવનું સ્મરણ કરવામાં આવ્યું હોય છે ગણપતિના સ્થૂળ સ્વરૂપના વર્ણન સાથે માનસરોવર ઝીલતા, અધર સિંહાસન પર અજબ ઝરૂખે બેસતા, હસતા રમતા યોગીનું પણ ચિત્ર ભજનોમાં મળે છે. યોગમાર્ગની સાધનાની પરિભાષા પણ આવાં ભજનોમાં મળે છે. આ દેહ રૂપી બંગલામાં બીરાજતા ને ધરમના તાળાં ખોલીને અધ્યાત્મનું રહસ્ય બનાવતા ગુણેશાનો પરિચય થઈ જાય ત્યારે શરીરમાંથી પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય..આત્મ સાક્ષાત્કાર થઈ જાય. ચારે દિશામાં જુદા જુદા દેવતાનો વાસ છે એ દિશાઓમાંથી એના દેવતાઓને લઈને મંદિરે પધારવાનું નિમંત્રણ આપતાં ગુણપતિનાં ભજનો પણ મળે છે.ગણપતિને ભજનિક સંતોએ માત્ર સ્થૂલ સ્વરૂપથી જ સમર્યા નથી. એનું વેદાન્તી સ્વરૂપ પણ એટલું જ મનોહર છે. ગણપતિ એટલે શિવ-ઉમૈયાના પુત્ર તો ખરા જ પણ એનું બીજું સ્વરૂપ છે નિરંજન નિરાકાર નિર્ગુણ જ્યોતિ સ્વરૂપ બ્રહ્મતત્ત્વ. અને એટલે જ કેટલાક જ્ઞાનમાર્ગી-વેદાન્તી ભજનિકો ગણેશને ગણપતિ તરીકે કે શિવ પાર્વતીના પુત્ર તરીકે નથી ઓળખાવતા – એ તો કહે છે કે ગુણપતિ એટલે ગુણોના ભંડાર.આવા ભજનિકો પાસે આપણે ગણપતિ બોલીએ તો તુરત જ સુધારી નાખે ભાઈ “ગણપતિ નહીં ગુણપતિ કહો.
બીજો પ્રકાર છે પાટના ગણેશ -બીજમાર્ગી મહાપંથી ગૂપ્ત પાટ ઉપાસનામાં ગવાતાં ભજનોમાં ગણપતિનું આહ્વાન કરતાં ભજનો પાટના ગણેશ કહેવાય છે એ ભજનોમાં ગણેશજીની સ્તુતિ હોય. નિરંજન નિરાધાર જ્યોતિ સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મની આરાધના માટે ભેળા થયેલા જતિ સતી ગણપતિ અને ગુરુની એક્તા સ્થાપીને પરમગુરુ સ્વરૂપે ગણેશજીનું આહ્વાન કરતા હોય ત્યારે ગુરુ, ગણેશ અને નિરાધાર-નિર્ગુણ બ્રહ્માનું એકત્વ સિદ્ઘ થઈ જાય. એના ગુણેશ ગણપતિ નહીં ગુણપતિ ગુણોના દેવતા હોય. ત્રિગુણાતીત ત્રણે ગુણોના અધિપતિ છતાં એનાથી પર એવા નિષ્કલંક જ્યોતિસ્વરૂપ ગણેશજીને બોલાવવામાં આવે, સાથે વેદ પાર્વતી, નવનાથ, ચોરાશી સિદ્ઘ, ચોસઠ જોગણી, બાવન વીર, હનમો જતી ને ગોરખ જતિ તથા પોકરણ ગઢથી રામદેવપીર ને પણ નિમંત્રણ આપવામાં આવે. જમા જાગરણનો કુંભ સ્થાપવામાં આવે અને ગૂઢ ગુપ્ત બીજમારગી જ્યોત સાધના-ઉપાસનાનાં મંત્રો બોલાતા હોય એમાં – ‘ૐ ગુરુજી શ્ર્વાસમંત્ર શબ્દ મહેશ, મૂળ મહેલમાં રમે ગણેશ. ગુદા ચક્ર કરી લ્યો પાક, શૂન્યમાં સતગુરુ ભેટિયા, ર્ક્યો કુબુદ્ઘનો નાશ. દુનિયા કથ કથ હમકો દેય, હૃદય વસો અગમથી રેય, ભૂલ્યા અક્ષ્ાર પરમ જ્યોત, એટલું બક્ષ્ાો સત ગુણેશ.’……‘લાગી કૂંચી, ખૂલ્યા કબાટ, જો દેખ્યા બ્રહ્માંડકા ઘાટ ગણેશ મંત્ર જાપ સંપૂરણ ભયા સદાશિવ મહાદેવ પારવતીકો દિયા…’
ગણપતિસ્થાપનના મંત્રોમાં ગૂઢ રહસ્યવાદી સાધના છૂપાયેલી છે. યોગ સાધનામાં ષ્ાટ્- ચક્રભેદનની ક્રિયા આવે છે એમાં પ્રથમ ચક્ર છે મૂલાધાર ચક્ર, જે ગણેશનું સ્થાન કહેવાય છે. યોગસાધનાની શરૂઆતમાં મૂલાધાર ચક્રને જાગૃત કરવાની વિવિધ ક્રિયાઓ કરવામાં આવે છે. ગણપતિ સ્થાપન પછી પાટની મધ્યમાં ચોખાથી છ પાંખડીનું ચક્ર દોરવામાં આવે છે. છ પાંખડીનું ફૂલપણ શરીરનાં છ ચક્રોનું જ પ્રતીક છે. બીજમારગી મહાપંથીગુપ્તપાટ ઉપાસના થતી હોય, પંચમિયા, દસા, વીસા, બારપહોરા, મહાકાલી, શિવશક્તિ, રામદેવપીર, શંખાઢોળ વગેરે વિધિ-વિધાનોના તંત્રમાર્ગી ગૂઢ જ્યોત ઉપાસના સાથેના પાટપૂજન સમયે જે ગણપતિનાં ભજનો ગવાય તેમાં જતિ-સતી મળી ગણનાયક ગજાનનને આ ગત્યગંગામાં પધારવા તથા તેત્રીશ કોટિ દેવી-દેવતા, ચોરાશી સિદ્ઘ, નવ નાથ, ચોસઠ જોગણી, બાવન વીર, ચાર પીર-ગુરુ, ચાર જુગના કોટવાળ, ચાર જુગના પાટનાં જતિ-સતીને સાથે લાવવા નિમંત્રણ આપે ત્યારે ગવાય પાટના ગણેશ ભજનો – ‘ગજાનન પાટે પધારો ગુણપતિ..’ અને લોક્સંતોની ભજનવાણીમાં ગવાતાં ગુણપતિનાં ભજનોમાં ત્રીજો પ્રકાર છે – નિર્વાણના ગણપતિ.
કોઈ સંત, મહાત્મા, સાધુ, સિદ્ઘપુરુષ્ા,ભક્ત,સાધકનું અવસાન થયું હોય એમને ભૂમિદાહ આપવાનો હોય ત્યારે ભૂમિપૂજન વખતે અને એમની ઉત્તરક્રિયા સમયે – મેળા મંડપમાં – શંખાઢોળ વિધિ સમયે જે ગણપતિનાં ભજનો ગવાય તે નિર્વાણના ગણેશ કહેવાય. આ ભજનોમાં સૃષ્ટિના પ્રારંભની વાત, સમગ્ર બ્રહ્માંડનું સર્જન, જીવ જગત અને માયાની ઉત્પત્તિ ને એનો વિનાશ કેમ થાય છે. તેનું ગૂઢ જ્ઞાન સાંખ્ય જ્ઞાન મુજબનું સંખ્યા શાસ્ત્ર, પાંચ તત્ત્વ, પૃથ્વી પાણી આકાશ તેજ વાયુ, ત્રણ ગુણ સત્વ, તમ ને રજ પચીસ પ્રકૃતિ : એની તન્માત્રાઓ બાર બીજ બાવન અક્ષર, ષટ્ ચક્રો,સાત ધાતુ, શરીરનાં નવ ાર, દશ ઈન્યિો, એનાં દેવી-દેવતા, એના બીજમંત્રો… વગેરેનું નિરૂપણ હોય છે.