ધર્મતેજ

સમાધિ: આત્માની જાગૃત અવસ્થા

યોગનું આઠમું અંગ સમાધિ

યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા

ભગવદ્ગીતામાં ૧૧મા અધ્યાયમાં અર્જુનને કૃષ્ણના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે તે સામાન્ય સંજોગોમાં સામાન્ય વ્યક્તિને થઇ શક્તું નથી. કૃષ્ણે પણ અર્જુનને આ દર્શન કરાવતાં પહેલાં દિવ્યચક્ષુ આપેલાં. શ્રી કૃષ્ણે ગીતામાં ચોખ્ખું કહ્યું છે કે દરેકને નહિ, પણ યોગ્ય વ્યક્તિને જ આ સ્વરૂપમાં દર્શન શક્ય છે. તમે નિષ્ઠાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક યોગનાં અંગોનું પાલન કરી શકો તો આવો દર્શનયોગ તમને પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણી વાર તો એમ પ્રશ્ર્ન થાય કે યોગ્ય શબ્દ યોગ પરથી તો નહિ આવ્યો હોય ને?

ખેર, એક વાત તો નક્કીછે કે આ ભૌતિક વિશ્ર્વને અંદર પણ તમારે જાતને યોગ્ય બનાવવી પડે છે, જેમ કે કોઇ ટૂંકી દષ્ટિવાળાને લાંબા અંતરનાં ચશ્માં પહેરવા પડે એ જ રીતે ઘણાને દૂરનું દેખાતું હોય, પરંતુ નજીકનું ન દેખાતું હોય તો અલગ પ્રકારના ચશ્માં પહેરવાં પડે. એનાથી આગળ વધીને નરી આંખે ન દેખાતા સૂક્ષ્મ જીવોને જોવા હોય તો સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે. બહુ દૂરનાં દશ્ય જોવા માટે દૂરબીન, તો વળી બ્રહ્માંડમાં ગ્રહો કે તારાને જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે. આ જ રીતે અર્જુનને બ્રહ્માંડનાય સર્જક એવા ઇશ્ર્વર સ્વરૂપનાં દર્શન કરવા દિવ્યચક્ષુનો ઉપયોગ કરવો પડે એ બાબત કપોળકલ્પિત તો નહિ જ હોય. આમ પણ આપણી જોવાની મર્યાદા અમુક હદ સુધી જ હોય છે એ હદની ઉપર કે એ હદની નીચેના પ્રકાશમાં કોઇ પણ ઘટના બનતી હોય એ આપણે જોઇ શક્તા નથી.

ઘણાં મોતની નજીક જઇ આવેલા દર્દીઓને અમેરિકામાં વૈજ્ઞાનિક દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમને શું અનુભવ થયા હતા? ત્યારે દરેકના જવાબમાં એક સામ્યતા હતી કે અમે ઝળહળતો પ્રકાશપુંજ જોયો હતો. સમાધિ અવસ્થામાં પણ આવો પ્રકાશ અનુભવાય છે તેમ અનેક મહાત્માઓના વર્ણન પરથી સાબિત થાય છે. ગીતામાં પણ વિરાટ સ્વરૂપનું વર્ણન કરતાં લખ્યું છે કે હજારો સૂર્ય કરતાં પણ તેજસ્વી જવાળાઓ આ સ્વરૂપમાંથી બહાર નીકળી રહી છે. એટલે કે એક વાત તો છે કે યોગમાં સફળ વ્યક્તિને અલૌકિક પ્રકાશ દેખાય છે. જે તેનું જીવન પણ પ્રકાશિત કરે છે. અંગ્રેજીમાં એન્લાઇટન શબ્દ છે, તે રીતે આપણી પ્રાર્થનાઓમાં પણ એક વાક્ય છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા. આપણી કથા વાર્તા કે ફિલ્મોમાં જ્યારે કોઇ આત્માનું ચિત્રણ કરવું હોય તો પ્રકાશપુંજ બતાવાય છે. દીવા વગર આપણી બધી ધાર્મિક ક્રિયાઓ અપૂર્ણ ગણાય છે. મૂળ વાત પર આવીએ તો સિદ્ધપુરુષોને અવર્ણનીય પ્રકાશપુંજનાં દર્શન થાય છે એ વાત ધાર્મિક કે વૈજ્ઞાનિક કોઇ પણ રીતે બને તે માટે આપણાં શાસ્ત્રોમાં સાત ચક્રની થિયરી આપવામાં આવી છે, જેની પર વિદેશમાં પણ સંશોધન થઇ રહ્યાં છે. કેથી અને ગ્રે હૉક અમેરિકામાં આ ચક્રની થિયરી દ્વારા તમારાં સ્વપ્નોને સાકાર કેવી રીતે કરી શકાય તે બાબતે સંશોધન કરી
રહ્યા છે.

યોગમાં પ્રત્યાહાર અને પછીની ક્રિયાઓ વખતે આપણા શરીરમાં રહેલાં સાત ચક્રોનું જાગૃત થવાનું કાર્ય શરૂ થાય છે તે આપણે અગાઉના પ્રકરણમાં જોઇ ગયા. આ ચક્રો જોકે ભૌતિક શરીરમાં દ્દશ્યમાન નથી તેથી અત્યાર સુધી વિજ્ઞાન તેને સ્પષ્ટ રીતે જોઇ શકવા સમર્થ થઇ શક્યું નથી, છતાં જુદાંજુદાં ચક્રોમાંથી નીકળતા જુદા
જુદા રંગનાં પ્રકાશકિરણો આધુનિક ભાષામાં ઓરા કહેવાય છે. આ જ વસ્તુને આપણાં શાસ્ત્રોમાં આભામંડળ કહેલું છે.

આપણાં શાસ્ત્રો પ્રમાણે કરોડરજજુની સૌથી નીચેના ભાગમાં પ્રથમ મૂલાધાર ચક્ર પછી તેનાથી ઉપર સ્વાધિષ્ઠાનચક્ર, નાભિની બરાબર પાછળ કરોડરજજુના ભાગમાં મણિપુરચક્ર, તે જ રીતે હ્રદયની બરાબર પાછળ અનાહતચક્ર, તેમ જ કંઠ પાછળના મણકા પાસે વિશુદ્ધ ચક્ર આવ્યું છે. બે ભ્રમરની વચ્ચે અંદરના ભાગમાં આજ્ઞાચક્ર અને તેની ઉપર મગજના ટોચના ભાગમાં સહસ્રારચક્ર આવ્યું છે. બાહ્મજગતમાં જે સાત રંગો મેઘધનુષમાં દેખાય છે તે જ રીતરે આંતરજગતમાં સાત ચક્રો રહેલાં છે. આ સાતેય ચક્રો મેઘધનુષ જેમ જ મુલાધારચક્રથી અનુક્રમે લાલ, કેસરી, પીળો, લીલો, વાદળી, ડાર્ક બ્લ્યુ, જાંબલી રંગના બનેલાં છે. મુલાધારચક્રની પાસે આવેલી કુંડલિની શક્તિ પ્રાણાયામથી જાગૃત થાય છે અને પ્રત્યાહારથી દરેક ચક્રને શક્તિકૃત કરતી ઉપર સુધી પહોંચે છે અનેે છેલ્લે સમાધિ અવસ્થામાં મગજના સહસ્ત્રાર ચક્રને શક્તિવાન બનાવી મનુષ્યને દેવત્વ અપાવે છે. તમે ઘણી વાર જોયું હશે કે આપણા દેવ-દેવીઓનાં દરેક ચિત્રોમાં તેમના મસ્તકની આસપાસ પ્રકાશનું વર્તુળ અચૂક જોવા મળે છે. આનું કારણ પણ એ જ છે કે આ કક્ષાએ પહોંચ્યા પછી સહસ્રારચક્રમાંથી નીકળેલા પ્રકાશપુંજ જે ઓરા કે આભામંડળ જ હોય છે તે એટલો ઘનીભૂત થયેલો પ્રકાશ છે કે તેનાં નરી આંખે પણ દર્શન થઇ શકે છે. ટૂંકમાં સમાધિની અવસ્થાએ પહોંચેલા માનવીનાં શરીર અને મન પ્રકાશપુંજમાં રૂપાંતર થઇ શકે છે. આજનું વિજ્ઞાન પણ માને છે કે સૌથી વધુ વેગ અને શક્તિ પ્રકાશ (લાઇટ)માં જ છે. જો પ્રકાશ ગણતરીની પળોમાં સૂર્યથી પૃથ્વી સુધી આવી શક્તો હોય તો યોગબળથી પ્રકાશિત થયેલી વ્યક્તિ કે ઇશ્ર્વર ધારે તે સમયમાં ધારે ત્યાં કેમ ન જઇ શકે? ઘણી કથા-વાર્તાઓમાં તમે સાંભળ્યું હશે કે ઇશ્ર્વર પ્રગટ થયા કે અદશ્ય થયા. એક ક્ષણમાં એ એક લોકથી બીજા લોકમાં પહોંચી જાય. આ બધું પ્રથમ નજરે ચમત્કાર લાગે છે, પરંતુ પ્રકાશની અવસ્થામાં આ ઘટનાઓ સહજ બની જાય છે. આપણે એક મિનિટમાં અડધો કિલોમીટર પણ ચાલી નથી શક્તા. જ્યારે પ્રકાશ એક મિનિટમાં એક કરોડ એંસી લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે. સદેહે જે કાર્ય અસંભવ લાગે તે પ્રકાશ સ્વરૂપમાં ડાબા હાથનો ખેલ બની જાય છે. એક મામૂલી ટાંચણી પ્રકાશની ગતિથી ફેંકવામાં આવે તો પ્રચંડ અણુબોમ્બ જેટલી શક્તિ પેદા થાય છે. બીજી વાત કોઇ ભૌતિક શરીર પ્રકાશની અડફેટમાં આવે ત્યારે જ તે દેખાય છે. કાળો, ગોરો, લાલ, પીળો, લાંબો, ઠિંગણો, જાડો, પાતળો આ બધા ભેદ પ્રકાશને કારણે જ દેખાય છે. આ જ ભૌતિક શરીર કે વસ્તુ ખુદ પોતાનું ઘનત્વ છોડી પ્રકાશ સ્વરૂપ થઇ જાય પછી કોઇ ભેદ દેખાતા નથી. આવી વ્યક્તિને પછી આ ભૌતિક દુનિયા માત્ર પ્રકાશમય શક્તિનું ઘનસ્વરૂપ એવું સત્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. આવા ભૌતિક સ્વરૂપને જ આપણાં શાસ્ત્રોમાં માયા કહી છે. અત્યાર સુધી શરીર અને જગતમાં લપેટાયેલો માનવી ઊંઘતો હતો, પરંતુ સમાધિથી હવે ખરેખર જાગૃત અવસ્થામાં આવે છે. હવે તેને સંસારની દરેક ચીજોમાં ઇશ્ર્વરીય પ્રકાશનાં જ દર્શન થાય છે.

વાચક મિત્ર તમે પણ યમથી લઇ સમાધિ સુધીની ક્રિયાઓનું શ્રદ્ધાપૂર્વક પાલન કરશો તો જરૂર પરમાત્માને પામી શકશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button