નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે. આ પરિણામોની શેરબજાર પર શું અસર પડશે તેને લઈને અટકળોનું બજાર ગરમ છે. રાજકીય પક્ષોના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ ત્રીજી વખત સરકાર બનાવવાના માર્ગે છે. આ સાથે જ તેમણે શેરબજારને લઈને પણ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું છે કે ભાજપની જીત સાથે દેશના શેરબજારમાં પણ રેકોર્ડ ઉછાળો જોવા મળશે.
PM મોદીએ કહ્યું, “હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 4 જૂને ભાજપની ભવ્ય જીતના પગલે શેરબજાર પણ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચશે.” છેલ્લા પાંચ વર્ષમાં સેન્સેક્સ 35,696.19 પોઈન્ટ્સ અથવા 89.88% વધીને 75,410.39 પોઈન્ટ્સ પર પહોંચ્યો છે. જ્યારે નિફ્ટી 11,034.30 પોઈન્ટ એટલે કે 92.55% વધીને 22,957.10 પર પહોંચ્યો છે. તાજેતરમાં, ભારતીય બજારે પાંચ ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાંસલ કરી છે. બજાર પહેલેથી જ સર્વકાલીન ઊંચાઈ પર છે. આવી સ્થિતિમાં પીએમ મોદીનો દાવો ઘણો મહત્વનો છે.
જો કે દેશમાં 19 એપ્રિલ, 2024 ના રોજ સામાન્ય ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધીમાં રૂ. 37,700 કરોડનું વેચાણ કર્યું છે. 22 મે સુધીના આંકડાની વાત કરીએ તો અગાઉના 21 ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી રોકાણકારોએ દરરોજ સરેરાશ રૂ. 1800 કરોડનું વેચાણ કર્યું હતું.
લોકસભા ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતાના કારણે દલાલ સ્ટ્રીટના ઉતાર-ચઢાવ (વોલેટિલિટી)નો માપદંડ મનાતો ઈન્ડિયા VIX 67%ના ઉછાળા સાથે 52-સપ્તાહની ટોચે છે. જોકે, વિદેશી રોકાણકારો (FII) દ્વારા વેચવાલી અને બજારની વધઘટ છતાં સ્થાનિક રોકાણકારોનો રસ બજારમાં સતત જળવાઈ રહ્યો છે. તેઓએ તેમની અગાઉની ખરીદીઓ જ જાળવી રાખી ન હતી પરંતુ નવી ખરીદી પણ ચાલુ રાખી હતી.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 22 મે પહેલાના 21 ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 60,000 કરોડની ખરીદી કરી હતી. એપ્રિલના અંત સુધીમાં, મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે લગભગ રૂ. 1.36 લાખ કરોડનો જંગી રોકડ અનામત હતી, જેના કારણે તેઓ વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનું દબાણ ઘટાડવામાં મોટા પ્રમાણમાં સફળ રહ્યા હતા.
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો 4 જૂને જાહેર થવાના છે. આ દિવસે નક્કી થશે કે વર્તમાન સરકાર સત્તામાં રહેશે કે તાવળી પર રોટલો પલાટાશ. પરિણામ ગમે તે હોય, બજાર પર અત્યાર સુધીની સામાન્ય ચૂંટણીની અસરને ધ્યાનમાં રાખીને સેન્સેક્સ-નિફ્ટીમાં મોટું એક્શન નિશ્ચિત છે.
જો મોદી સરકાર સત્તામાં રહે છે તો શક્ય છે કે પીએમ અને સરકાર સાથે જોડાયેલા લોકો દ્વારા કરવામાં આવેલા દાવા સાચા પડશે. પણ જો ચૂંટણીના પરિણામો અણધાર્યા રહેશે, તો જૂનની આકરી ગરમીમાં, બજાર રોકાણકારોએ તેમની મહેનતની કમાણી ડુબતા ક્ષણની પણ વાર નહીં લાગે. એટલે જ તો લોકો આજે 2024ના ચૂંટણી પરિણાનોની તુલના 2004 સાથે કરી રહ્યા છે.