કંકોત્રી મારફત ઇવીએમનો વિરોધ!મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનો અજબ કિસ્સો
મુંબઈ: મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઇવીએમનો વિરોધ વ્યક્ત કરવા માટે ગજબનો કિમીયો અપનાવવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. લાતુરના ચાકુર તહેસીલના અજનસોડાના રહેવાસી દિપક કાંબળેએ પોતાના લગ્નની કંકોત્રી દ્વારા પોતાનો ઇવીએમ પ્રત્યેનો વિરોધ વ્યક્ત કર્યો છે.
કાંબળેએ પોતાના લગ્નની કંકોત્રીમાં ‘ઇવીએમ પર પ્રતિબંધ લાદો, લોકશાહી બચાવો’ તેવો સંદેશ છાપ્યો હતો.
કાંબળેએ આ વિશે વાત કરતા જણાવ્યુ ંહતું કે શહેરમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજવામાં આવશે અને ચૂંટણી પંચ સમક્ષ ફરીથી બેલોટ પેપરનો ઉપયોગ શરૂ કરવાની માગણી કરવામાં આવશે. 2024ના લોકસભાની ચૂંટણી પહેલા જ આ ચળવળ શરૂ થઇ હતી. આ ચળવળ માટે જાગરૂકતા ફેલાવવા માટે અને ઇવીએમ વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે મેં મારા લગ્નની કંકોત્રી પર ઇવીએમનો વિરોધ કરતો સંદેશ છપાવ્યો છે.
આ પણ વાંચો : બંગાળમાં EVM પર BJPનો ટેગ જોવા મળ્યો! TMCના આરોપ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી
ઉલ્લેખનીય છે કે કાંબળે બામસેફ એટલે કે ઑલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટી કોમ્યુનિટીસ એમ્પ્લોઇસ ફેડરેશનનો સભ્ય છે અને તેણે પોતાની કંકોત્રીમાં સંતો, સામાજિક ચળવળકારો અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ફોટા પણ છપાવ્યા હતા.