શ્રી કૃષ્ણ ચરિત્ર અને ગુજરાતી સંત, ભક્ત, લોક પરંપરા
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ
(ગતાંકથી ચાલુ)
કુબજાને કેજો રે ઓધવજી એટલું, હરિ હીરલો આવ્યો તમારે હાથ જો
જતન કરીને એને તમે જાળવો, કહું છું એક શીખામણ કેરી વાત જો… કુબજાને કેજો રે…
અને ભક્ત કવિઓ ગાતાં હોય
વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું તિયાં નંદકુંવર ક્યાંથી લાવું…
ૄ ૄ ૄ
મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે,
મેં કાનુડા તોરી ગોવાલણ…
સંતકવિ દાસીજીવણનાં ‘એવા રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે…’, ‘માવાની મોરલીયે મારાં મનડાં હેર્યાર્ં રે…’, ‘જશોદા જીવનને રે માતાજી મોહનને રે કેજે તારા કાનને…’,‘શામળિયે કરી છે ચકચૂર…’ જેવાં તીવ્ર વિરહ વ્યથાનાં-પ્રેમલક્ષણા ભક્તિનાં દાસી ભાવનાં ભજનો નારી હૃદયની સુકોમેળ વેદનાનો અનુભવ કરાવે છે.
દ્વારિકાના જગત મંદિરમાંથી દૂરદર્શનના માધ્યમથી એકધારા અઢાર વર્ષ્ા સુધી આંખે દેખ્યો અહેવાલ-લાઈવ કોમેન્ટ્રી રજૂ કરીને વિશ્ર્વના એક્સો સિત્તેર દેશોમાં જીવંત પ્રસારણ દ્વારા રાજા રણછોડરાયના દર્શન કરાવવામાં પરમાત્માની કૃપાએ આ લખનારા મને નિમિત્ત બનાવેલો.
તદેવ પરમં ધામં, તદેવ પરમં પદમ્
દ્વારકા સા ચ વૈ ધન્યો યત્રાસ્તે મધુસૂદન:
યાત્રાનું આ ઉત્તમ ધામ, કળિયુગમાં મોક્ષ્ા આપનારી આ ભૂમિને આપણા ઘણા સંતોએ પાવન કરી છે. રામાનુજાચાર્યજી, માધ્વાચાર્યજી, વલ્લભાચાર્યજી, મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્ર્વર અને બંગાળના ચૈતન્ય મહાપ્રભુજી જેવા સંત-ભક્તો દ્વારકાધીશની યાત્રાએ આવીને પાવન થયા છે.
ગોમતી ગોમય સ્નાનં, ગોદાન ગોપીચંદન
દર્શન ગોપીનાથસ્ય, ગકારા : પંચ દુર્લભા:
ગોમયથી પવિત્ર થઈને, ગોમતીમાં સ્નાન કરી, ગોપીચંદનનો લેપ કરી, ગાયનું દાન દઈને જે માનવી ગોપીપતિ શ્રી દ્વારિકાનાથના દર્શન કરે છે તેના અપાર જન્મોના પાપો નાશ પામે છે.
અદ્ભુત હોય છે વાતાવરણ આજનું… પ્રભુના પવિત્ર ચરણોથી રજોટાયેલી પાવન થયેલી પવિત્ર ધૂલિમાં ધન્ય બનવાની ભાવના સાથે ઊમટેલો માનવમહેરામણ આજે હૈયાના હરખથી ઝૂલી રહ્યો હોય. એની સાથોસાથ જેના ઉદરમાં સાચાં મોતીડાં પાકે છે એ રત્નાકર સાગર પણ ભગવાન દ્વારકાધીશના જન્મોત્સવમાં પોતાના હૈયાનો આનંદ વ્યક્ત કરતો. ઉછળતાં દરેક મોજાં સાથે જય રણછોડ… જય રણછોડનો ધીર ગંભીરનાદ સંભળાવી રહ્યો હોય.
પૂર્ણ પુરુષ્ાોત્તમ એવા પરમપુરૂષ્ાના જન્મ સમયે અહીં દર્શન કરી ધન્ય બનવાની ભાવના સાથે દેશ-વિદેશના સેંકડો ભાવિક ભક્તજનો શ્રી કૃષ્ણ જન્મની પ્રતીક્ષ્ાા કરી રહે. જરાયે કંટાળ્યા વિના કલાકો લગી ભીડમાં અથડાતા એ માનવ મહેરામણની પ્રભુદર્શનની તાલાવેલી પણ જીવનનો એક માણવા જેવો લહાવો છે. વિધવિધ સંસ્કૃતિ ધરાવતા આ લોકસમુદાયમાં કાશ્મીરથી ક્ધયાકુમારી અને ઓખાથી આસામ સુધીના જુદા જુદા પ્રાંતોના ભક્તિથી રંગાયેલા ભાવિકો જોવા મળે. પ્રત્યેકના અંતરમાં આનંદનો સાગર ઘુઘવતો હોય. એનાં નેત્રો નારાયણની ઝાંખી કરવા ઝંખી રહ્યા હોય. હૈયે હૈયું દળાય, બધાની એક જ આરત કે હરિદર્શનની અલૌકિક ઝાંખી ક્યારે થશે?
જળ વિના જેમ માછલું અકળાય, સ્વાતિ નક્ષ્ાત્રના વરસાદ વિના જેમ ચાતક અકળાય ને મેઘ વિના જેમ બપૈયા ને મોરો અકળાય એમ ક્યારે પ્રભુનો જન્મ થાય ને ક્યારે દર્શન થાય એવી વ્યાકુળતા આ ભક્તજનોના ચહેરા પર જોવા મળે.
દ્વારિકાના ત્રૈલોક્ય સુંદર જગત મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં સિંહાસન પર બિરાજમાન ભગવાન દ્વારિકાધીશ રણછોડરાયની શાલીગ્રામ પત્થરમાંથી બનેલી શ્યામરંગી ચતુર્ભુજ પ્રતિમા, ત્રિવિક્રમ વિષ્ણુનું ચતુર્ભુજધારી સ્વરૂપ. જેના શ્રી અંગમાં ૧૬ ચિહ્નો. ચાર આયુધ : શંખ, ચક્ર, ગદા, પદ્મ. ગળામાં કૌસ્તુભમણિ, ભૃગુપદલાંછન, મલકચ્છનો શિંગાર, કમર ઉપર કાલીયનાગદમનની નિશાની, વૈજયંતિમાળા, બન્ને ચરણની બાજુમાં બ્રહ્માના ચાર પુત્રો-સનત, સનાતન, સનંદ, સનકાદિકની કરબદ્ધ પ્રતિમાઓના દર્શન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજનાભ દ્વારા બંધાયેલું મનાતું આ અતિ પ્રાચીન મંદિર કાળની અનેક થપાટો સામે ટક્કર ઝીલતું, આર્યાવર્તની ભારતીય ધર્મ-સાધનાનો પ્રાચીન વૈદિક પૌરાણિક સનાતન સંસ્કૃતિનો ઝંડો ફરકાવતું ઊભું છે.
અહીંની સેવા રાજસી ઠાઠમાઠ સાથેની સેવા છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાના અને ત્રણે લોકના રાજાધિરાજ છે. છત્ર, ચામર અને રાજભોગની સેવા અહીં ધરાય છે.
નરસિંહ મહેતાને રાસલીલાના દર્શન કરાવ્યાં આ દ્વારકાધિશ રણછોડરાયે. શામળાશા શેઠ બનીને નરસિંહની હૂંડી સ્વીકારનાર શામળિયો ડાકોરના વજેસંગ બોડાણાનો આરાધ્ય દેવ બની ગયો. પ્રભુની ઈચ્છા ડાકોરમાં રહેવાની હશે એટલે ભગવાન ગંગાબાઈની વાળીના વજન જેટલા થયા. અત્યારે ડાકોરમાં પણ આવો જ જન્મ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. દ્વારકાના રાજા રણછોડ અને ડાકોરના ઠાકોર શામળાની ધૂન અહીં મચી છે એવી જ ભારતભરના કૃષ્ણમંદિરમાં મચી હશે.
કસ્તુરી તિલકં લલાટ પટલે વક્ષ્ાસ્થલે કૌસ્તુભં
નાસાગ્રે વર મૌક્તિકં કર તલે વેણુ કરે કંકણં
સર્વાંગે હરિચંદનં સુલલિતં કંઠે ચ મુક્તાવલી
ગોપ સ્ત્રી પરિવેષ્ટિતો વિજ્યતે ગોપાલ ચૂડામણિ.
આ શ્રાવણના સરવડાં વરસે છે, રંગબેરંગી હીર ચીર પટોળાં ને પટકૂળ પહેરીને ભામિનીઓનાં ટોળાં નગરમાં ભમે છે. અમે ય શણગાર સજીને સાન ભાન ભૂલીને હે નંદ દુલારા તારી વાટ જોઈએ છીએ.
શ્રાવણે સારાં, ઝરે ઝારાં, કે કતારાં, કામની;
પેરી પટોળાં, રંગ ચોળાં, ભમે ટોળાં, ભામની
શણગાર સજીએં, રૂપ રજીયેં, ભૂલ લજીયેં ભાનને
ભરપૂર જોબનમાં ય ભામન, કહે રાધા કાનને… જી કહે રાધા…
* * *
મેરો મન હર લિનો રાજા રણછોડ… રાજા રણછોડ પ્યારા રંગીલા રણછોડ…
શંખ ચક્ર ગદા પદ્મ વિરાજે, મુખ મોરલી ઘનઘોર,
મોર મુકુટ શિર છત્ર વિરાજે, કુંડલકી છબી ઔર… મેરો મન હર લિનો રાજા…
આસપાસ રત્નાકર સાગર ગોમતી કરે કિલ્લોળ,
ધજા પતાકા બહુત હી ફરકે, ઝાલર કરત ઝકઝોલ… મેરો મન હર લિનો રાજા…
* * *
ગોપતિ ગોપીપતિ, ગોપ ગોકુલાનંદ,
જીવન જશોદાનંદ કે, નમું કૃષ્ણ વ્રજચંદ.