આપણું ગુજરાત

હાઈ કોર્ટે સરકારનો લીધો ઉધડો: સોમવારે આપો અહેવાલ; સરકાર હાંફળી-ફાંફળી !

શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી મોલના ગેમઝોનમાં અત્યાર સુધીમાં 32 જીવને ભરખી જનારી કાળમુખી આગના તાંડવ બાદ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરતા સરકાર ભીંસમાં મુકાઇ ગઈ છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. જેમાં ગુજરાત હાઇકોર્ટના આજના અવલોકન અને જે અહેવાલ ગુજરાત હાઈકોર્ટે મંગાવ્યો છે તેના પર વિમર્શ થશે અને અહેવાલ તૈયાર કરવા સૂચનાઓ અપાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.સાથોસાથ ગુજરાતનાં પોલીસ વડા ઉપરાંત શહેરી વિકાસ વિભાગના અધિકારીઓને પણ હાજર રહેવા ફરમાન કરાયું છે.

રાજકોટના ગેમઝોનમાં આગ અને જવાબદાર વહીવટી તંત્રની કહેવાતી ક્ષતિ એ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા સુરતમાં તક્ષશિલા નામક ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગમાં 22 બાળકો હોમાઈ ગયા હતા. સ્થાનિક ફાયર વિભાગ પાસે 4 માળ સુધી બચાવ માટે જઈ શકે તેવી સીડી પણ ઉપલબ્ધ નહોતી. પરિણામે ટ્યુશન ક્લાસમાં લાગેલી આગથી બચવા વિધાર્થીઓએ ઝ્ંપલાવવું પડ્યું હતું. આ ઘટનાની રાજયભરમાં ભારે ટીકા થઈ હતી.

આવી જ ઘટના અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં બની હતી. કોવિડ કાળના 8 જેટલા દર્દીઓ આ ખાનગી હોસ્પીટલમાં લાગેલી આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. તો આવી જ રીતે રાજકોટની એક હોસ્પીટલમાં તે આગ લાગતાં 7 દર્દીઓ જીવતા સળગી ઉઠ્યા હતા.

જે તે જગ્યાના સ્થાનિક પ્રસાશન સામે આંગળી ચિંધાઈ હોય તેવી ઘટનામાં વડોદરાના હરણી તળાવમાં 18 જાન્યુ.2024માં શાળાના પ્રવાસના વિધાર્થીઓ શિક્ષકો સાથે બોટિંગની મજા માણવા ગયા હતા. જ્યાં 12 વિધાર્થીઓ સાથે 2 શિક્ષકો પણ ડૂબી ગયા હતા. તો 2022માં મોરબીના ઝૂલતા પૂલની દુર્ઘટનાને કોણ ભૂલી શકે ? સ્થાનિક વહીવટી તંત્રની લાપ્રવાહી કે લાલિયાવાડીના કારણે ઝુલતો પૂલ તૂટતાં 135 લોકો મચ્છુ નદીમાં પટકાયા અને જીવ ગુમાવ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટે તત્કાળ અસરથી અહેવાલ મંગાવતા સરકાર હાંફળી-ફાંફળી થઈ ગઈ છે. હવે સોમવારે સરકાર કેવો અહેવાલ રજૂ કરે છે અને હાઇકોર્ટ સરકારના જવાબનું શું અવલોકન કરે છે તેના પર નજર રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button