કેરોલિના રીપર પ્રકરણ-૯
તમને આ એનડી પર વિશ્ર્વાસ ખરો?
પ્રફુલ શાહ
બાદશાહ ગોડબોલેની નજીક ગયો “સર આપ હેલ્પ કરો. શેઠ આપ કો ખુશ કરે વો જીમ્મેદારી મેરી
“ફ્રિડમ ઑફ સ્પીચ? અખબારના લેખનું હેડિંગ વાંચીને કિરણના મનમાં સવાલો જાગ્યા. “તો પછી કેમ આકાશ ક્યારેય બોલ્યો નહીં. એને મારી સામે વાંધો હતો શું? હા, એની ઇચ્છા હતી કે લગ્ન બાદ અમે અલગ રહીએ, પણ હું પરિવાર ઇચ્છતી હતી, સ્વજનોની હૂંફની ભૂખી હતી. શું એ મોટું પાપ હતું? મને એની પાર્ટી ગમતી નહોતી, એના સર્કલમાં વધુ પડતી મિક્સ થતી નહોતી. કારણકે મારો ટેસ્ટ અલગ છે, પ્રાયોરિટી જુદી છે. પણ એને કંઇ કરવામાં મેં ન ક્યારેય રોક્યો કે ન ક્યારેય ટોક્યો. પપ્પા, મમ્મી અને મમતાદીદી અમારા બાળકને રમાડવા ઉતાવળા થતા હતા. મારા મનમાંય માં બનવાની ઇચ્છા જાગી પણ એ ધરાર એકનો બે ન થયો. અમારા એરેન્જડ મેરેજ હતા. સમજવામાં સમય લાગે પણ તેણે તો કોઇ પ્રયાસ જ ન કર્યો. ધીમે-ધીમે જાણે. પોતાનો અલગ માર્ગ કંડારતો ગયો. મને પાછળ મૂકી દીધી, જાણે ભુલાવવા માંડયો હતો. મને થયું કે કામકાજની વ્યસ્તતા હશે, ટેન્શન હશે. કાશ, મેં સંકોચ છોડીને ફોડ પાડીને પૂછી લીધું હોત કે મારામાં ખૂટે છે શું? તને જોઇએ છે શું? બોલ, તારી સાથે પાર્ટીઓમાં આવવા માંડું? દારૂ પીવાનું શરૂ કરી દઉં? આકાશ આ બધું જ પૂછી શકવાની આટલી મોટી સજા આપી મને. અરે દૂર જતા રહેવું હતું, મને છોડી દેવી હતી તો એકવાર માત્ર એકવાર વાત તો કરી હોત, આવું કેમ કર્યું તે આકાશ?
કિરણનો અવાજ ઊંચો હતો પણ પળભરમાં હિબકાએ એના પર આધિપત્ય જમાવી લીધું.
૦૦૦
સોનગિરવાડી એટલે વાઇ તાલુકાનું નાનકડું ગામ. વાઇ વિધાનસભા અને સાતારા લોકસભા બેઠક હેઠળનું ગામ. એટીએસના પરમવીર બત્રા એન્ટરનેટ પર સોનગિરવાડી વિશે ખાંખાખોળા કરતા હતા.
“વાહ, સ્થળ નાનું પણ એટીએમ, મંદિર, મસ્જિદ, સિનેમાઘર … અને ફિલ્મ પ્રોડકશન ઑફિસ પણ છે. રેસ્ટોરાં, લોજ અને હૉસ્પિટલ…
પરમવીર લેપટોપ પર કર્શર ફેરવતા રહ્યાં. ‘સોનગિરવાડી પોપ્યુલેશન ૨૦૨૩’ના હેડિંગ પર રોકાઇ ગયા. ધ્યાનથી વાંચવા માંડ્યા, “અંદાજિત વસતિ ૧૦૮૦ માણસોની… આમાં ૮૪.૨૦ ટકા હિન્દુ, ૫.૧૮ ટકા મુસલમાન, ૨.૨૮ ટકા ખ્રિસ્તી, ૭.૮૪ ટકા બૌદ્ધ, અને ૦.૫૧ ટકા જૈન.
આ વિગત તેમણે કોપી કરીને નોટપેડમાં પોસ્ટ કરી. તરત જ સોનગિરીવાડી ગયેલી ટીમને વોટ્સઅપ પર મોકલીને નીચે જરૂરી સૂચના લખી.
આટલું પતાવ્યું, ત્યાં ગોડબોલે બહાર જઇને પટેલ શેઠ અને બાદશાહને નાસ્તો કરાવીને પાછો ફર્યો. બન્નેને બહાર લઇ જવાનું ઇરાદાપૂર્વકનું આયોજન હતું. પટેલ શેઠને વિશ્ર્વાસમાં લેવાનો હતો કે જો સ્થાનિક પોલીસને ખુશ રખાય તો એ તમને ઘણી કામમાં આવશે. પટેલ શેઠે કોઇ પ્રતિભાવ ન આપ્યો પણ એ વૉશબેસિનમાં હાથ ધોવા ગયો, ત્યારે બાદશાહ નજીક સરક્યો. “સર આપ હેલ્પ કરો, શેઠ આપ કો ખુશ કરે વો જિમ્મેદારી મેરી
પછી ત્રણેય પાછા પરમવીર બત્રાની કૅબિનમાં આવ્યા, લેપટોપ બંધ કરીને બત્રાએ ત્રણેય સામે જોયું. ગોડબોલેએ હળવા સ્માઇલથી ઇશારો કરી દીધો કે પંખીઓને દાણા નાખી દીધા છે મેં. બત્રાએ પટેલ શેઠ સામે જોયું. તે આપને અહીં આવવામાં ખાસ્સો સમય લાગી ગયો. હા, તબિયત નરમગરમ હતી. એ સાંભળ્યું. પરંતુ આખેઆખી હોટેલને, બ્લાસ્ટસથી ફૂંકી મરાય છતાં ન આવી શકાય એટલી બધી તબિયત ખરાબ હતી? તમારા મેડિકલ રિપોર્ટ મંગાવીને બતાવો.
સહેજે ય ઉશ્કેરાયા વગર પટેલ શેઠ બોલ્યા, “ડાયાબિટીસ, બીપી, સ્ટ્રેસ અને એન્કઝાયટી જેવી તકલીફ માટે મારા ફેમિલી ડૉકટરને ક્ધસલ્ટ કરું છું. મને એના પર પૂરો વિશ્ર્વાસ છે.
“વિશ્ર્વાસ, મને આ શબ્દ ગમે પણ ખૂબ છેતરામણો લાગે છે. તમને આ એનડી પર વિશ્ર્વાસ ખરો?
પ્રશાંત ગોડબોલેને કોઇનો ફોન આવ્યો. વાત સાંભળીને બત્રા સામે જોઇને પૂછ્યું, “હું જાઉં? અર્જન્ટ મેટર છે. બત્રાએ ઇશારામાં હા પાડીને પછી પટેલ શેઠ સામે પ્રશ્ર્નાર્થભરી નજરે જોયું.
“હા, પૂરેપૂરો વિશ્ર્વાસ છે એનડી પર
“તો શું છે એ પૂરેપૂરા વિશ્ર્વાસુ એનડીનું આખું નામ?
“એ તો ક્યારેય પૂછયું જ નહિ, જરૂરત જ ન પડી પહેલે દિવસથી જ મારે માટે એ એનડી હતા.
“સરસ. એનો ફોટો છે?
“ફોટો શું કામ રાખું? એ મારો કર્મચારી હતો. ઑફિશિયલ વર્કર.
“ઓહ યસ. પર્સનલ રિલેશન નહોતા. એટલે પાસે ફોટો ન હોય. એની નોકરી માટેની અરજી હશે, અપોઇન્ટમેન્ટ લેટર હશે, સાથે આધારકાર્ડ અને પાન કાર્ડ એ બધું ય હશે જ. એની કોપી જોઇશે મારે.
“એવું કંઇ નથી મારી પાસે.
“તમને આ બધું વિચિત્ર નથી લાગતું? કે હું બેવકૂફ લાગું છું
“હું કંઇ છુપાવવા માંગતો નથી. બધી વાત કહી દઇશ. સચ્ચાઇ સામે મૂકવામાં શા માટે શરમાવું?
મરુડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પ્રશાંત ગોડબોલે થોડીવાર ફાઇલમાં અને થોડીવાર દરવાજા સામે જોતા હતા. એમની આંખોમાં પ્રતીક્ષા ઉછાળા મારતી હતી. થોડીવારમાં કોન્સ્ટેબલ વૉચમેન પાટિલને લઇને આવ્યો. પાટિલના ચહેરા પર સ્પષ્ટપણે કંટાળો દેખાતો હતો. એની દરકાર કર્યા વગર ગોડબોલે ટૂંકાક્ષરી વાપરી.
“સામે બેસ. આ ફાઇલ જો. આમાંથી કોને-કોને ઓળખે છે, એ જણાવ મને.
વૉચમેન પાટિલ ફાઇલ ફેરવવા માંડ્યો. દશેક પાના પૂરા થયા પછી અગિયારમા પાના પર એ રોકાઇ ગયો.”આને મેં જોયો છે. કદાચ એ ડ્રાઇવર નંદુનો શેઠ હતો. એ કાગળ પર ગોડબોલેએ કંઇક લખ્યું.
ફરી પાટિલ ફાઇલ ફેરવવા માંડયો. પંદરમા પાને રોકાઇ ગયો. “આ સાહેબ કોઇ મેમસા’બ સાથે આવ્યા હતા.
“નામ યાદ છે?
“હા, આકાશ હું પાણીની ટ્રે લઇને ગયો હતો એટલે સંભળાયું હતું.
“અને મેડમનું નામ?
“એ ખબર નથી. ગોડબોલેના કીધા વગર પાટિલ ફાઇલ આગળ જોવા માંડયો. છેક છેલ્લા પાના પર આવીને એ બોલ્યો. “આ મેડમ હતા સાહેબ સાથે.
“બરાબર યાદ છે તને?
“એકદમ બરાબરએટલું કહીને પાટિલે ફાઇલ સામી ધકેલી દીધી.
ગોડબોલેએ કાગળ પર ત્રણ નામ લખ્યા: કિરણ મહાજન, મોના ભાટિયા અને નીરજ દુબે.
તેણે લખીને માથું ઊંચું કરીને જોયું બે હાથ જોડીને પાટિલ રડમસ ચહેરે બેઠો હતો.
“સાહેબ, હવે નોકરી નથી એટલે પગાર મળવાનો નથી. મારી જરૂર ન હોય તો હું બાયકોને લઇને થોડા દિવસ ગામ જઇ આવું?
“ના, હમણાં નહિ. હું કરિયાણાવાળાને ફોન કરી દઇશ. જરૂર પૂરતું રાશનપાણી લઇ લેજે. કોઇ નોકરી માટે પણ પ્રયાસ કરીશ. થોડા દિવસ તારી જરૂર પડશે. હમણાં મરુડ છોડવાનું શક્ય નથી.
પાટિલ ઊભો થયો અને બડબડ્યો “ભોગ લાગ્યા મારા.
૦ ૦ ૦
“ભોગ લાગ્યા મારા કે મેં મોના સાથે લગ્ન કર્યા એકદમ ગુસ્સામાં ગૌરવ પુરોહિત ભડકીને બોલ્યો. મમ્મી શારદાબહેને એના મોઢા પર હાથ મૂકી દીધો. “દીકરી રડી રડીને માંડ સૂતી છે. થોડી શાંતિ રાખ.
ગૌરવ કંઇ ન બોલ્યો, શારદાબહેન અચાનક દાદીમાંથી માતા બની ગયા. “બેટા, તારી માનસિક સ્થિતિ હું સમજુ છું. પણ મોનાને ખુશ રાખવા માટે આપણે કેટકેટલું કર્યું એ તું ક્યાં નથી જાણતો?
“હા, એ મારા પ્રોફેશનના ગ્લેમરથી આકર્ષાઇ હતી એ પછીથી સમજાયું. અમારી લાઇફ સ્ટાઇલ અને પસંદગી એકદમ અલગ હતા. એમાંય મારી અત્યંત વ્યસ્તતા, કામના અનિયમિત કલાકો અને પ્રાથમિકતાને ન એ સ્વીકારી શકી કે ન સમજી શકી. એને પાર્ટી, શોપિંગ, ગપ્પાબાજી, ગોસિપિંગ ગમતા હતા, જેમાં મને લેશમાત્ર રસ નહોતો.
“પણ પોતાની દીકરી માટે તો એ શોખ જતા કરી શકે કે નહિ? એટલિસ્ટ થોડો ટાઇમ? “મમ્મી, આજે તને કહું છું કે એને મા બનવું જ નહોતું. ભૂલમાં પ્રેગ્નન્સી રહી ગઇ પછી એ ગર્ભપાત ઇચ્છતી હતી. પણ મેડિકલ કોમ્પલીકેશનને લીધે એ શક્ય ન બન્યું. મુસ્કાનને તેણે ક્યારેક મા નો પ્રેમ આપવાનું તો ઠીક હસીને રમાડીય નથી. અધૂરામાં પૂરી તેણે જીદ કરી કે હું કોઇ સંજોગોમાં મુસ્કાનને સાચવવાની નથી. એવું હોય તો આયા રાખી લો. મારી દીકરી આયાના હાથમાં ઉછરે? મને એ ન ગમ્યું એટલે તને વાત કરી.
“અને બેટા મને જીવતા રહેવાનું કારણ મળી ગયું. જો એની તોફાનમસ્તી અને દેખભાળમાં મારી માંદગી ક્યાં ભાગી ગઇ એ ખબર પણ ન પડી.
હા, અને એ પાછી પાર્ટી, શોપિંગ અને ગોસિપિંગની દુનિયામાં વધુ ડૂબી ગઇ.
“બેટા, આમ છતાં મને લાગે છે કે આપણે ક્યાંક ઊણા ઉતર્યા. સાસુ તરીકે હું એની મમ્મી ન બની શકી એનો કાયમ રંજ રહેશે. જો હું, એની મમ્મી બની ગઇ હોત તો આજે કદાચ તમે બન્ને સાથે હોત અને એ પણ અહીં હાજર હોત. આટલું બોલવા સાથે આંખોમાં દોડી આવેલા આંસુને રોકવા શારદાબહેન સાડીનો છેડો આંખ પર મૂકી દીધો.
અચાનક મુસ્કાન જાગીને રડવા માંડી. એકદમ ઇમોશનલ થઇને ગૌરવે એને તેડી લીધી. ધીરે-ધીરે એની પીઠ પર હાથ ફેરવવા માંડ્યો. શારદાબહેન દોડીને ગૅસના ચૂલા પર મૂકેલી તપેલીમાંથી બોટલ ભરી આવ્યા. મા-દીકરો એકમેક સામે જોઇ રહ્યા. શારદાબહેનના મોઢામાંથી નીકળી ગયું. “આપણે ગમે તેટલા અછોવાના કરીએ પણ એની માં તો ન જ બની શકીએ. શું કરતી હશે અને કયાં હશે એની મમ્મી મોના અત્યારે?
(ક્રમશ:)