ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના Act of God?: બચાવ પક્ષના વકીલની દલીલે આ ફિલ્મની યાદ અપાવી…
મુંબઈ: 17 લોકોનો ભોગ લેનારી ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના બાબતે આરોપી ભાવેશ ભિંડેને 29મી મે સુધી ક્રાઇમ બ્રાંચ કસ્ટડી ફટકારવામાં આવી છે ત્યારે બચાવપક્ષ એટલે કે ભાવેશ ભિંડેના વકીલ દ્વારા અદાલતમાં દલીલ કરવામાં આવી છે જે આપણને ‘ઓહ માય ગોડ’ ફિલ્મની યાદ અપાવી દીધી છે.
બચાવ પક્ષના વકીલ દ્વારા આ દુર્ઘટનાને ઍક્ટ ઑફ ગોડ એટલે કે ભગવાનનું કૃત્ય ગણાવવામાં આવી હતી. દલીલ કરતા બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે આ ઘટનાને એ ઘટનાઓમાં સામેલ કરવામાં આવી શકે જેને ઍક્ટ ઑફ ગોડની શ્રેણીમાં સામેલ કરી શકાય.
ઉલ્લેખનીય છે કે ‘ઓહ માય ગૉડ’ ફિલ્મમાં ભૂકંપના કારણે નુકસાન પામેલી પોતાની દુકાનનો વીમો લેવા માગતા પાત્રને વીમા કંપની દ્વારા વળતર આપવાની મનાઇ ફરમાવી દેવામાં આવે છે. ભૂકંપ એ ઍક્ટ ઑફ ગોડ હોવાનું કારણ આપીને વીમા કંપની વળતર આપવાની ના પાડે છે. આ જ પ્રકારની દલીલ ઘાટકોપર દુર્ઘટનામાં પણ બચાવ પક્ષના વકીલ દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મામલો ક્રાઇમ બ્રાંચ યુનિટ ક્રમાંક સાત દ્વારા આ સંભાળવામાં આવી રહ્યો છે અને આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઇટી પણ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, જે માર્કેટિંગ કંપની માટે આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું હતું તેના પ્રતિનિધિઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ મામલે બચાવ પક્ષે દલીલ કરતા જણાવ્યું હતું કે આ જમીન જ્યારે હોર્ડિંગ માટે લેવામાં આવી ત્યારે રેલવે પ્રશાસનની પરવાનગી લેવામાં આવી હતી. આ સિવાય જ્યારે આ પરવાનગી લેવામાં આવી ત્યારે કંપનીના ડાયરેક્ટર અન્ય કોઇ હતા.
ભાવેશ ભિંડે જ્યારે ડાયરેક્ટર બન્યા એ પહેલા જ હોર્ડિંગ લગાવવાની પરવાનગી મેળવવાની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી હતી. તેમાં કોઇપણ સરકારી સંસ્થાએ વાંધો પણ ઉઠાવ્યો નહોતો. આ મામલો ઍક્ટ ઑફ ગોડનો છે. હવામાન ખાતાએ જણાવ્યા અનુસાર એ દિવસે પવનનું જોર ખૂબ હતું. જમીનના 40 ફૂટ નીચે શું હોય તેનો અંદાજો તમે લગાવી ન શકો, એવી દલીલ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવી હતી.