Happy Birthday: એક્ટિંગ માટે 12માં ફેલ થયા, 50 રૂપિયામા કામ કર્યું અને હવે છે ટીવીજગતના બેતાજ બાદશાહ
દેશના કરોડો ઘરોમાં ટીવી સિરિયલ જોવાતી હોય છે, પરંતુ એક સિરિયલ એવી છે જેનો બે વર્ષ જૂનો એપિસૉડ પર ઘરે ઘરમાં જોવાતો હશે. આ સિરિયલ ગમે ત્યારે ગમે ત્યાં શરૂ કરી દો તો બાળકોથી માંડી વૃદ્ધો ટીવી સામે ગોઠવાઈ જશે. પરિવાર સાથે, મિત્રો સાથે, સહકર્મીઓ સાથે ગમે ત્યારે ગમે ત્યાં આ સિરિયલ જોનારાઓના ચહેરા પર સ્મિત હશે. આ સિરિયલ એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને આજે આ સિરિયલના લીડ એક્ટર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો જન્મદિવસ છે. સુપ્રસિદ્ધ ગુજરાતી લેખક તારક મહેતાની કૉલમ પરથી બનાવેલી આ સિરિયલના મુખ્ય પાત્રમાં જીવ રેડી તેને અત્યંત લોકપ્રિય બનાવનાર દિલીપ જોશીની સફરમાં જેઠાલાલને આવી તેટલી જ અડચણો આવી છે, પણ આ કલાકારે તમામ અડચણો પાર કરી ટીવી પર અડ્ડો જમાવ્યો છે.
ગાંધીજીના ગામ પોરબંદરમાં જન્મેલા 1965માં જન્મેલા દિલીપ 26મી મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાનું નામ દિલીપ રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેના પિતા બોલિવૂડ એક્ટર દિલીપ કુમારને ખૂબ પસંદ કરે છે, તેથી તેમનું નામ પણ તેમના નામ પરથી દિલીપ રાખવામાં આવ્યું હતું.
જે ઉંમરે બાળકો રમત રમે છે, દિલીપને અભિનયનો શોખ હતો. તેઓ 12 વર્ષની ઉંમરે નામદેવ લાહુરેના થિયેટર ગ્રુપમાં જોડાયા અને ઘણા ગુજરાતી નાટકો કર્યા. થિયેટરની સાથે તેઓ અભ્યાસ પણ કરતા હતા. બાદમાં તેની અસર તેના અભ્યાસ પર પણ પડી. રિપોર્ટ્સનું માનીએ તો તે 12માની પરીક્ષામાં નાપાસ થયો હતો. જો કે, તેણે અટક્યા નહીં અને પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને અભિનય પણ કર્યો.
વર્ષ 1987માં પ્રતિઘાત નામની ફિલ્મ રીલિઝ થઈ હતી, આ જ ફિલ્મ દ્વારા તેણે હિન્દી ફિલ્મજગતમાં એન્ટ્રી મારી. તેની ટીવી કરિયરની શરૂઆત હમ પંછી એક ડાલ કે નામના શૉથી થઈ હતી. બાદમાં તેણે સલમાન ખાનની ફિલ્મ હમ આપકે હૈ કૌન, મૈંને પ્યાર કિયા, શાહરૂખ ખાનની મન ટુ કા ફોર અને ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની સહિત અન્ય ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું. ગુજરાતી સ્ટેજનું જાણીતું નામ દેશ દુનિયામાં પ્રસિદ્ધ થયું તારક મહેતા કા…સિરિયલથી.
તેમણે શરૂઆતી દિવસોમાં રૂ. 50ના મહેનતાણામાં પણ કામ કર્યું. તારક મહેતા…પહેલા એકાદ વર્ષ તેમની પાસે ખાસ કંઈ કામ ન હતું. અચાનક સિરિયલ ઓફર થઈ અને 16 વર્ષથી ચાલી રહી છે અને લગભગ 4000 જેટલા એપિસૉડ પણ પૂરા કરી નાખ્યા છે.
ગુજરાતી વેપારી જેઠાલાલના પાત્રમાં ઓતપ્રોત થઈ ગયેલા દિલીપ જોશીને શુભકામનાઓ…