Shahjahanpur accident: યુપીના શાહજહાંપુરમાં બસને ડમ્પરે ટક્કર મારી, 11 શ્રદ્ધાળુઓના મોત, 10થી વધુ ઘાયલો
સ્થાનિક લોકોએ જાન કર્યા બાદ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ક્રેનની મદદથી બસને ઊંચકીને સીધી કરી, ઈજાગ્રસ્તોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. કેટલાક મુસાફરોની હાલત ગંભીર બનતા પ્રાથમિક સારવાર બાદ સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. હજુ સુધી 11 લોકોના મોતના અહેવાલ છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
શાહજહાંપુરના વરિષ્ઠ પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું, “રાત્રે લગભગ 11 વાગ્યે અમને માહિતી મળી કે ખુતાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટ્રક પાર્ક કરેલી બસ સાથે અથડાઈ છે. બસ પૂર્ણગીરી જઈ રહી હતી. કેટલાક શ્રદ્ધાળુઓ બસની અંદર બેઠા હતા અને કેટલાક ઢાબા પર ભોજન કરી રહ્યા હતા. ત્યારે પુરપાટ વેગે આવતી ટ્રક અથડતા બસ પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કુલ 11 લોકોના મોત થયા હતા અને 10 લોકો ઘાયલ થયા હતા.”
80 લોકો વોલ્વો બસ દ્વારા પૂર્ણાગિરી દર્શન માટે જઈ રહ્યા હતા. ખુતાર-ગોલા રોડ પર એક ગામની નજીક આવેલા ઢાબા પર બસ જમવા માટે ઉભી રાખવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.