દુનિયાભરને વ્યવસ્થા તંત્રના પાઠ પઢાવતી ભારતની ચૂંટણી કી પાઠશાલા
કેન્વાસ -અભિમન્યુ મોદી
ભારતની સામાન્ય ચૂંટણીઓ વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી વધુ સ્પર્ધાત્મક ચૂંટણીઓમાંની એક છે. આપણી ચૂંટણીએ એક ઉચ્ચ ધોરણ સ્થાપિત કર્યું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોએ પણ તેમની આગામી ચૂંટણીઓમાં હાંસલ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
વૈશ્ર્વિક ચૂંટણી વર્ષ
આ વર્ષે અમેરિકા, રશિયા, ભારત અને તાઈવાન સહિત વિશ્ર્વભરમાં ઘણી મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ રહી છે. લગભગ અડધું વિશ્ર્વ નવા નેતાઓ પસંદ કરશે અથવા તો વર્તમાન નેતાઓને જાળવી રાખશે. તેમાંથી, ભારતની ચૂંટણીઓ સૌથી વધુ ન્યાયી અને સુવ્યવસ્થિત રીતે થવાની અપેક્ષા છે.
ભારતમાં ચૂંટણી પ્રક્રિયા
ભારત વિશ્ર્વની સૌથી વધુ વસતિ ધરાવતી લોકશાહી છે. દુનિયાને અચરજ છે કે આપણી સામાન્ય ચૂંટણીઓ ૧૯ એપ્રિલથી ૧ જૂન સુધીના આટલા મોટા સમયગાળામાં યોજાશે. કુલ સાત અઠવાડિયા સુધી ચૂંટણી ચાલે એવું દુનિયાના કોઈ દેશમાં બનતું નથી. આપણાં પરિણામો ૪ જૂનના રોજ આવશે ત્યારે દુનિયા આખીની નજર આપણા પરિણામો ઉપર હશે. અત્યારે આઈપીએલ ચાલુ હોવા છતાં ઈલેક્શનનો ટોપિક નંબર વન પર છે. રાજકારણીઓ વધુ ફૂટેજ મેળવી રહ્યા છે. ક્રિકેટરો અને ફિલ્મસ્ટારો ઉપર મીડિયા અને પબ્લિકનું ધ્યાન ઓછુ છે.
આ ચૂંટણી દરમિયાન અમુક વિદેશી પત્રકારો ભારત આવ્યા અને મથદાન મથકે ગયા. ત્યારે એમણે જોયું કે બધું કેટલું સરળ રીતે ચાલી રહ્યું છે. તમામ ઘોંઘાટ અને પ્રચાર છતાં, લોકતંત્રની વાસ્તવિક તાકાત મતદાનની શાંત અને વ્યવસ્થિત પ્રક્રિયામાં રહેલી છે. આ કાર્યક્ષમ સિસ્ટમ એવી છે જેમાંથી બાકીનું વિશ્ર્વ શીખી
શકે છે.
વિશ્ર્વભરની ચૂંટણીઓ સાથે સરખામણી
એક જાણીતા પશ્ર્ચિમી પ્રકાશને ભારતના ચૂંટણી સ્વતંત્રતા અને ન્યાયીપણાના સ્કોરને ૦.૫૩ રેટિંગ આપ્યું છે, જે અન્ય દેશોની સરખામણીમાં અયોગ્ય લાગે છે. ભારત પ્રત્યે તેજોદ્વેષ હશે એવું કહી શકાય.
મેક્સિકો: આ વર્ષે ૩૦ ઉમેદવારોની હત્યા સહિત
ચૂંટણીલક્ષી હિંસાનો ઇતિહાસ હોવા છતાં, તેનો સ્વતંત્રતા સ્કોર ૦.૭૫ છે.
ઇન્ડોનેશિયા: સ્કોર ૦.૬૮, તેમ છતાં તેની ચૂંટણીઓ
ઘણીવાર ગુનેગાર કે ક્યારેક ભ્રષ્ટ નેતાઓ દ્વારા નિયંત્રિત
થાય છે.
યુનાઇટેડ સ્ટેટ્સ: ઉચ્ચ સ્વતંત્રતા રેટિંગ્સ હોવા છતાં, તેણે છેલ્લી ચૂંટણી પછી ચૂંટણીના પરિણામ સાથે ચેડાના આરોપો અને હિંસક વિરોધ જેવા ગંભીર મુદ્દાઓનો સામનો કરવો પડ્યો. ટ્રમ્પ ઉપર ઘણા કેસ ચાલે છે અને એ ચરિત્રહીન છે એવા આક્ષેપોથી એ ઘેરાયેલા છે. બીજી તરફ, ભારતે આ પક્ષપાતી રેટિંગ્સ હોવા છતાં સાત દાયકાથી વધુ સમયથી સતત મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજી છે.
ભારતીય ચૂંટણીનો વિકાસ
૧૯૫૧-૫૨ માં પ્રથમ સામાન્ય ચૂંટણીથી, જ્યારે ૧૭૫ મિલિયન લોકો અર્થાત્ ૧૭.૫ કરોડ લોકોએ મતદાન કર્યું હતું ત્યારથી લઈને આજ સુધી ભારતની ચૂંટણી પ્રક્રિયા નોંધપાત્ર રીતે વિકસિત થઈ છે. આજના મતદારો વધુ માહિતગાર અને ટેક-સેવી છે. ભારતીય ચૂંટણી પંચ (ECI) એ સુનિશ્ર્ચિત કરવા માટે સખત મહેનત કરે છે કે લોકો વિવિધ જાગૃતિ કાર્યક્રમો દ્વારા સ્વેચ્છાએ મતદાન કરે.
એક કેસ સ્ટડી: જમ્મુ અને કાશ્મીર
જમ્મુ – કાશ્મીરમાં ચૂંટણીઓ ઘણીવાર હિંસા અને ઓછા મતદાનને કારણે વિકટ બની છે. જો કે, ૨૦૧૯ની ચૂંટણીમાં, બારામુલ્લામાં રેકોર્ડ ૫૯% મતદાન નોંધાયું હતું, જે ૧૯૯૬માં ૪૬% હતું. આ સુધારો દર્શાવે છે કે લોકો હિંસાને બાજુ પર મૂકીને મતદાનની શક્તિ પર વિશ્ર્વાસ કરવા લાગ્યા છે. ખાસ કરીને સરહદ પારના પાકિસ્તાનની અસ્તવ્યસ્ત પરિસ્થિતિ સાથે સરખામણી કરીએ તો આપણી સ્થિતિ બહુ જ સારી કહેવાય.
યુવા મતદારો
આ ચૂંટણીમાં બે કરોડથી વધુ યુવાનોએ પ્રથમ વખત મતદાન કર્યું કે કરશે. આ યુવા મતદારો, ઘણા જ પ્રકારની ડિજિટલ માહિતીનો ઉપયોગ કરે છે અને સ્પષ્ટ અભિપ્રાય ધરાવે છે. આ પરિવર્તન દર્શાવે છે કે જ્યારે ‘ગરીબી હટાવો’ એ મુખ્ય સૂત્ર હતું ત્યારથી લઈને આજે ભારતે કેટલી પ્રગતિ કરી છે.
મતદારોની ભાગીદારી ને ખર્ચ
૨૦૧૯ની રાષ્ટ્રીય ચૂંટણીમાં, મતદાન ૬૭% હતું. જોકે અમેરિકનોમાં મતદાન થોડું વધારે હતું, ભારતીય ચૂંટણી એ સૌથી મોંઘી ચૂંટણીઓમાંની એક છે, જેમાં રાજકીય પક્ષોએ સાત બિલિયન ડૉલર કરતાં વધુ ખર્ચ કર્યો હતો, જે તે વર્ષની યુએસ ચૂંટણી કરતાં વધુ હતો.
નિષ્કર્ષ
ભારતની સામાન્ય ચૂંટણીઓ માત્ર સૌથી મોટી નથી પણ સૌથી વધુ સંગઠિત અને સંસ્કારી કહી શકાય એવી અનુશાસિત ચૂંટણી છે જ્યારે વિશ્ર્વના ઘણા દેશો અરાજકતા અને નબળી નિર્ણયશક્તિથી ઝઝૂમી રહ્યા છે, ભારતની ચૂંટણી પ્રક્રિયા લોકશાહીના ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત તરીકે માનપાન ધરાવે છે. બીજા લોકતંત્રો માટે ભારતની ચૂંટણી ઉત્કૃષ્ટ ઉદાહરણ સાબિત થઇ શકે તેમ છે.