જીવનનો પ્રવાહ પલટાવી દેતી વિજ્ઞાનની ૧૨ મહત્ત્વની શોધ
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ
પીઇટી (પેટ) સ્કેનર
અણુભૌતિક સંશોધનની આડપેદાશરૂપે વિકાસ પામેલા આ યંત્ર વડે માનવીના મગજનું ઊંડાણ -બારીકીઓ અને જટિલ સંયંત્રણાને સમજવામાં મદદરૂપ થાય છે. જુદા જુદા રંગ વડે મગજનો કયો ભાગ, કયા સમયે કાર્યાન્વિત થાય છે તે આ યંત્ર દ્વારા સમજી શકાય છે. સ્કિઝોફ્રેનિયા (પાગલપણનો એક પ્રકાર)નું કારણ સમજવામાં, તેમ જ મસ્તિષ્કમાં આત્મા કયા સ્થળે વાસ કરે છે તે સમજવામાં આ પેટ સ્કેનર વધુ ઉપયોગી નીવડશે એવી ધારણા છે. બાકી મગજને સમજવાનું કાર્ય બ્રહ્માંડને સમજવા જેટલું જ જટિલ છે.
ચલચિત્રો
ફ્રાંસના લ્યુમિયર બંધુઓએ ૧૮૯૫માં તેની શોધ કરી એ પછી ચલચિત્રો દુનિયાના અબજો લોકોનું આજ સુધી મનોરંજન કરતાં આવ્યાં છે. દુનિયાભરમાં એક વિશાળ ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યો છે. ચલચિત્રોની ટેક્નોલોજીએ પણ ઘણી પ્રગતિ કરી છે. મૂંગા તેમ જ શ્યામ-શ્ર્વેત જમાનાથી આગળ વધીને આજે ડિજિટલ સાઉન્ડ ટ્રેક અને વિશાળ દીવાલ જેવડા પરદાઓ માનવીને કલાકો સુધી આસપાસની દુનિયા ભુલાવી દે છે. હવે ઘનસ્વરૂપે (થ્રી-ડી) દેખાય તેવા વર્ચ્યુઅલ રિયલિટી સેટ આવવાના છે, છતાં હોલીવૂડ તેમ જ બોલીવૂડના બ્લોકબસ્ટર જોવાની મજા જ અનેરી છે.
વિસ્ફોટકો (એક્સપ્લોઝિવ્સ)
આજથી એક હજાર વરસ પહેલાં ચીનાઓએ સુરંગ જેવા વિસ્ફોટકોની શોધ કરી હતી એ પછી તેના કારણે અસંખ્ય લોકો મોતનો શિકાર બન્યા છે, છતાં વિસ્ફોટકોની શોધ એ ખરાબ સમાચાર એટલા માટે નથી કે ખનિજ ખોદકામ તેમ જ એન્જિનિયરિંગના ક્ષેત્રે તેનું વિશાળ યોગદાન રહેલું છે. સ્વિડિશ વિજ્ઞાની આલ્ફ્રેડ નોબલે સન ૧૮૬૭માં ડાયનેમાઇટ પ્રકારના વિસ્ફોટકની શોધ કરી હતી. એ પછીનાં યુદ્ધોમાં ડાયનેમાઇટ દ્વારા અનેક માનવીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા. તેના પશ્ર્ચાત્તાપરૂપે એમણે નોબલ પારિતોષિકોની સ્થાપના કરી હતી.
કોમ્પેક્ટ ડિસ્ક (સીડી)
ફિલિપ્સ કંપની દ્વારા સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં હાઇ-ફાઇ મ્યુઝિક સિસ્ટમ માટે તેની શોધ થઈ હતી. હાટા ડાટા સ્ટોરેજ એટલે કે માહિતીના સંગ્રહ માટે, ચોપડાઓ પછીની સૌથી મહત્ત્વની શોધ હોય તો તે સીડી છે. આખોને આખો બ્રિટિશ એન્સાઇક્લોપીડિયા સમાવી શકે તેવી સીડીની સપાટી પર બારીક રેખાંકનો દ્વારા માહિતી સાચવવામાં આવે છે અને એ માહિતી લેસરના કિરણ દ્વારા ઉકેલવામાં આવે છે. ડિસ્ક ફોરમેટને કારણે જે માહિતી જ્યારે જોઈતી હોય ત્યારે ઝડપથી ઉપલબ્ધ બને છે. બીજી સારી વાત એ છે કે તેમાં ડાટા (વિગત, સંગીત વગેરે) ડિજિટલના રૂપે સંગ્રહિત થાય છે તેથી વારંવાર અને ક્ષતિ વગર એ માહિતી પ્રાપ્ત કરી શકાય છે.
પેરેશૂટ
૧૭૮૩માં ફ્રેંચ નાગરિક લૂઇ-સેબાસ્ટિયન લીનોરમાંદે બે મોટી છત્રી સાથે ઊંચા ઝાડ પરથી પડતું મૂક્યું ત્યારે પેરેશૂટનો જન્મ થયો હતો. એની શોધ મુખ્યત્વે આગની ઘટના વખતે ઊંચી ઇમારતોમાંથી કૂદવા માટે થઈ હતી. જો કે, તેનો સૌથી વધુ ઉપયોગ વિમાનમાંથી કૂદવા માટે થાય છે. હજુ પણ પેરેશૂટ-જમ્પિંગ લોકોને થ્રીલ આપે છે અને ગુરુત્ત્વાકર્ષણના બળ સામે મનુષ્યએ શોધેલી આ મહત્ત્વની ચીજ છે. શરત એટલી જ કે દોરડાની ગાંઠ ખોલવાનું યાદ રહેવું જોઈએ.
બેસ્સેમર ક્ધવર્ટર
જ્યાં સુધી સર હેનરી બેસ્સેમરે લોખંડના ગરમ ઢાળમાંથી અશુદ્ધિ દૂર કરવાની રીત શોધી કાઢી ન હતી ત્યાં સુધી લોખંડ ઢાળવાની પ્રક્રિયા પણ કડાકૂટવાળી હતી. વળી તે અગાઉ જે લોખંડ ઢાળવામાં આવતું તે હલકી ગુણવત્તાનું રહેતું. ૧૮૫૦માં હેનરી બેસ્સેમરે ગરમ પીગ આયર્ન પર ઓક્સિજન છોડીને તેમાંની અશુદ્ધિઓ દૂર કરવાનું શોધી કાઢ્યું અને આપણને ઉત્તમ પ્રકારનું સ્ટીલ મળ્યું.
રડાર
બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વિજ્ઞાનીઓએ આની શોધ કરી હતી એવું બધા માને છે. વાસ્તવમાં રેડિયોનાં મોજાં કોઈ ચીજ પરથી પાછાં ફેંકાય તેની પ્રથમ પેટન્ટ જર્મન વિજ્ઞાની ક્રિશ્ર્ચિયન હુલ્સમેયરના નામે નોંધાઈ હતી. આ શોધ એમણે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું તેનાં દસ વરસ અગાઉ કરી હતી. બ્રિટિશરોએ આ શોધનો ફાયદો વિમાનની ચોક્કસ જગ્યા નક્કી કરવાની સંયંત્રણા વિકસાવવા માટે ઉઠાવ્યો. એ પછી રડારનો ઉપયોગ યુદ્ધમાં તો થાય જ છે, પરંતુ નાગરિક વિમાનના સલામતીપૂર્વકના આવાગમન માટે તેનો મહત્ત્વનો ઉપયોગ થાય છે.
ઝીરો (શૂન્ય)
આરબ વેપારીઓએ ભારત સાથેના વેપાર દરમિયાન ભારતના લોકો પાસેથી શૂન્યનો આંક પ્રાપ્ત કર્યો હતો. એ અગાઉ અરબસ્તાનમાં તેમજ યુરોપમાં ગણિતની પ્રક્રિયા શૂન્ય વગર ખૂબ જ અઘરી હતી. શૂન્ય એટલે કશું જ નહીં અને અરેબિકમાં શૂન્ય માટે શબ્દ છે ‘ઝીફર’, જેને ઉર્દૂમાં ‘શીફર’ કહે છે. ઝીફર શબ્દ બારમી સદીમાં યુરોપ સુધી પહોંચતા અપભ્રંશ બનીને ઝીરો બની ગયો.
એન્ટીડિપ્રેસન્ટ્સ (હતાશાવિરોધી દવા)
દુનિયાની વસતિના બે ટકા જેટલા લોકો હતાશાથી પીડાતા હોય છે, પણ પચાસના દાયકામાં હતાશાવિરોધી દવાની શોધ બાદ અસંખ્ય લોકોનાં ડિપ્રેશન દૂર થયાં છે. તેમાંય એંસીના દાયકામાં પ્રોઝાક-ફ્લુઓક્સેટાઇનની શોધ થઈ ત્યારે એવી આશા બંધાઈ હતી કે હતાશા પર માનવીએ વિજય મેળવી લીધો છે, પણ એ આશા ઠગારી નીવડી છે, કારણ કે પ્રોઝાકની બીજી કેટલીક સાઇડ-ઇફેક્ટ્સ હવે બહાર આવી છે. એટલું જ નહીં, પ્રોઝાક જેવી દવાનો નશાખોરી માટે વધુ ઉપયોગ થાય છે.
અણુશક્તિ
લંડનના બ્લુમ્સબરી વિસ્તારમાં ટ્રાફિક લાઇટ ગ્રીન સિગ્નલ આપે તેની રાહ જોઈ રહેલા હંગેરીમાં જન્મેલા અમેરિકન ભૌતિકવિજ્ઞાની લીઓ ઝીલાર્ડે ૧૯૩૪માં અણુશક્તિ વિશેનો પાયાનો સિદ્ધાંત શોધી કાઢ્યો. યુરેનિયમનો એક અણુ વિભાજિત થઈને એક અથવા બે ન્યુટ્રોન્સમાં ફેરવાઈ જાય અને તેમાંથી વિભાજન થઈને અનેક યુરેનિયમ અણુમાં ફેરવાઈ જાય; આ પ્રકારના ચેઇન-રિએક્શનથી વિશાળ માત્રામાં શક્તિ પેદા થાય. ઝીલાર્ડ દ્વારા પાયાનો સિદ્ધાંત શોધાયો તે પછીનાં આઠ વરસમાં જ એમનું સ્વપ્ન અણુશસ્ત્ર તરીકે
સાકાર થયું. આજે દુનિયામાં અણુ-રિએક્ટરો દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની બાબતમાં વિરોધ ચાલી રહ્યો છે, છતાં દુનિયાના ઘણા દેશોમાં અડધાથી વધુ માત્રામાં વીજળીનું ઉત્પાદન અણુઇંધણ દ્વારા જ થાય છે અને ગેસ કે કોલસાની સરખામણીમાં અણુવીજ ઉત્પાદનની પદ્ધતિ સ્વચ્છ અને પ્રદૂષણરહિત છે, શરત એ કે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે. અન્યથા ચેર્નોબિલ જેવું અણુપ્રદૂષણ ફેલાઈ જાય.
ટેલિસ્કોપ
તેની શોધ બાબતમાં વિવાદ પ્રવર્તે છે. એક દાવા મુજબ ૧૬૦૮માં ચશ્માં બનાવનાર હેન્સ લિપરશે નામના ડચ માણસે તેની શોધ કરી હતી. બીજા દાવા પ્રમાણે લીઓનાર્ડ અને થોમસ ડિગ્ગીસ નામના બાપ-બેટાએ ૧૫૭૮માં તેની શોધ કરી હતી. તેનું લશ્કરી મહત્ત્વ એટલું બધું કે ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથ પ્રથમે ટેલિસ્કોપને ગુપ્ત રાખવા માટે એક આદેશ ફરમાવ્યો હતો. ટેલિસ્કોપની મદદ વડે આજે બ્રહ્માંડને સમજવામાં માણસે ઘણી પ્રગતિ કરી છે.
ગ્લોબલ પોઝિશનિંગ (GPS)
સિત્તેરના દાયકામાં અમેરિકાના સંરક્ષણ વિભાગે સ્થળદર્શક ઉપગ્રહોનું એક આખું નેટવર્ક તૈયાર કર્યું. આ નેટવર્ક અણુથી સંચાલિત ચોક્કસમાં ચોક્કસ ઘડિયાળોથી સજ્જ છે. જુદા જુદા ઉપગ્રહો પરથી આવતા સંકેતોને માપીને અમેરિકન સૈનિક પોતે દુનિયામાં કયા સ્થળ પર છે તે નક્કી કરી શકે છે. આ નેટવર્ક એટલું આધારભૂત છે કે સૈનિકની ગણતરીમાં માત્ર પાંચ દસ મીટર આઘાપાછા થઈ શકે. ઇરાનના રણમાં અમેરિકન સૈનિક હોય તો તે જાણી શકે કે રણમાં પોતે ચોક્કસ કઈ જગ્યાએ છે. જોકે ખુશીની વાત એ છે કે પ્રારંભમાં થોડાં વરસો અમેરિકન લશ્કરે આ નેટવર્ક પર સંપૂર્ણ અધિકાર ભોગવ્યા બાદ હવે તે દુનિયાના નાગરિકોના લાભ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. નેવિગેશન સેટેલાઇટની મદદથી મહાસાગરોમાં ફરતાં જહાજોને પોતાના ચોક્કસ ઠેકાણાની જાણ થઈ શકે છે. આ સિસ્ટમને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ’ (ૠઙજ ) કહે છે.