ઉત્સવ

દુર્ગાદાસ વિરુદ્ધની કાનાફૂસ મહારાજાએ માની લીધી અને…

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૪૬)
સાંભરની જીત બાદ રાજપૂત રાજાઓ એક થવા માંડયા. ઠેરઠેરથી મોગલોએ નીમેલા સુબેદાર, ફોજદાર, મનસબદાર વગેરેની હકાલપટ્ટી થવા માંડી. આ ઝુંબેશને માત્ર રાજસ્થાન સુધી સીમિત રાખવાને બદલે છત્રપતિ શિવાજી મહારાજના પૌત્ર અને મરાઠા શાસક રાજા
શાહુનો સુધ્ધાં સંપર્ક કરાયો હતો. મોગલ બાદશાહ બહાદુરશાહ અને રાજપૂતો વચ્ચેનું ઘર્ષણ ચાલતું જ રહ્યું.

વચ્ચે પંજાબમાં બંદા વૈરાગીની આગેવાની હેઠળ શીખોએ બળવો કર્યો એટલે બહાદુરશાહે ઉતાવળે મહારાજા અજિતસિંહ, મહારાણા અમરસિંહ અને રાજા સવાઇ માનસિંહ સાથે સમાધાન કરી લેવું પડયું. આ રાજકીય કે શાસકીય દોસ્તી છતાં કોઇને મોગલો પર પૂરેપૂરો વિશ્ર્વાસ નહોતો. એટલે અજમેરની આસપાસ સશસ્ત્ર રાજપૂતો ખડેપગે રખાયા હતા.

આ તરફ અમુક તત્ત્વોનું વીર દુર્ગાદાસ રાઠોડનું વધતું વર્ચસ્વ આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. તેઓ મહારાજા અજિતસિંહની કાનભંભેરણી કરવા માંડયા કે દુર્ગાદાસ હવે આપને ગાંઠતા નથી અને પોતાને સર્વેસર્વા સમજે છે. વધેલી સત્તા, સ્થિરતા અને સલામતીને પ્રતાપે અજિતસિંહને ય હવે દુર્ગાદાસની જરૂર લાગતી નહોતી. એમને હવે દુર્ગાદાસની સાચી સલાહ પણ બિનજરૂરી લાગવા માંડી હતી.

આથી દુર્ગાદાસે શાહજાદા અકબરના પુત્ર અને પુત્રીની સારસંભાળ માટે રાખેલા ગિરધર રઘુનાથ જોશીની ધરપકડ કરાવીને ખુલ્લેઆમ કોરડા મારવાની સજા કર્યા બાદ જેલમાં નાખી દીધા. જેલમાં ય ખાવાપીવાનું બંધ કરાવી દેવાયું. ત્યારબાદ દુર્ગાદાસ રાઠોડની સલાહ મુજબ પ્રધાન બનાવાયેલા મુકુંદદાસ ચંપાવત પાલી અને એના નાના ભાઇને દગાફટકાથી મારી નખાવાયા.

જમાનાના ખાધેલા દુર્ગાદાસને કળતાં સમય ન લાગ્યો કે હવે પોતાની સાથે ય ગમે તે થઇ શકે છે. આ સંજોગોમાં દુર્ગાદાસે માતૃભૂમિ મારવાડને છોડી દેવાનો ભારે હાથે નિર્ણય લઇ લીધો.

આ જન્મ જે માતૃભૂમિ માટે લડયા હોય એને છોડવા માટે હૃદય પર
કેવો મોટો પહાડ મૂકવો પડયો હશે? દુર્ગાદાસના મારવાડ છોડવાના
નિર્ણયથી મહારાજા અજિતસિંહને ય આનંદ થયો. છતાં દેખાડા પૂરતા તેમણે દુર્ગાદાસના મેવાડમાંં જ રહેવાના નિર્ણયનું સ્વાગત કર્યું. મહારાજાએ દુર્ગાદાસને વિજયપુરની જાગીર આપી અને મહિને રૂ. ૧૫ હજારનું સાલિયાણું બાંધી આપ્યું.

ત્યારબાદ મહારાણા અમરસિંહે હાલના પાલી સ્થિત સાદડી વિસ્તાર દુર્ગાદાસને જાગીર રૂપે આપ્યો. પછી દુર્ગાદાસે સાદડીમાં વસવાટ કર્યો. તેઓ સપરિવાર અહીં સાત વર્ષ રહ્યાં હતાં.

ત્યારબાદ બાદશાહ બહાદુરશાહ અને એના અવસાન બાદ ત્રણ ભાઇઓની હત્યા કરીને મોગલ તખ્ત પર આવેલા શાહજાદા જહાંદાર શાહે પણ
દુર્ગાદાસ રાઠોડને આકર્ષવાના નિષ્ફળ પ્રયત્ન કર્યા. મોટા અને ખોટા
વચનોથી સુપેરે પરિચિત દુર્ગાદાસ રાઠોડે સાદડીની બહાર પગ જ ન મૂકયો. જહાંબહાદુર શાહને યુદ્ધમાં મારી નાખીને એનો ભાઇ ફારુખશિયાર દિલ્હીપતિ બની બેઠો.
તેણે પોતાની વગ વધારવા રાજપૂત રાજાઓને પડખામાં લેવાની
શરૂઆત કરી દીધી. તેણે નારાજ દુર્ગાદાસને મોટા માન-અકરામ આપી દીધાં, પરંતુ મહારાજા અજિતસિંહ સાથેની મંત્રણા નિષ્ફળ જવાથી અજમેર
પર હુમલા માટે મોગલ સેના રવાના કરાઇ.ત્યારે દુર્ગાદાસને પણ
આદેશ મળ્યો કે શકય એટલા સૈનિક લઇને મહારાજા અજિતસિંહ સામે લડવા આવી જાઓ. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button