આ કાંઠે તરસ
ટૂંકી વાર્તા – નટવર ગોહેલ
વાદળ ગોરંભાયાં, વીજ ચમકારે ક્ષણાર્ધમાં ઉજાસ રેલાવ્યો. વરસાદના આગમનનો અણસાર આપતી ઠંડી હવાની લહેર ચાલી. ધીમે ધીમે વરસાદ શરૂ થયો. વિશાખાની આંખ ઊઘડી ગઈ, મધરાત પછીનો માહોલ એકદમ બદલાઈ ગયો હતો. પડખામાં સૂતેલા દીકરા સામે જોયું, એ હજી ઊંઘતો હતો.
બે-ત્રણ વાર પડખાં ફેરવ્યાં પણ વિશાખાને ઊંઘ ન આવી. બે વર્ષ પૂર્વેની એક વરસાદી રાત યાદ આવી ગઈ. ત્યારે પણ કોઈક કારણોસર ઊંઘ ઊડી ગઈ હતી. ‘ચાલ, વિશુ… આપણે અટારીએ ઊભા રહીએ…?’ એમ કહી વિનય એને અટારીમાં લઈ ગયો હતો. ભીની ભીની હવાનો સ્પર્શ થયો હતો.
‘વરસાદ પડશે, કેમ…?’ વિનયે આકાશ તરફ જોઈને કહેલું: ‘વાદળ ઘેરાયાં છે! ઈશાનમાં વીજ ચમકે છે અને…!’
વાદળમાં ગર્જના થઈ અને વિશાખા વિનયને બાઝી પડી. વિનયને અચાનક થયેલી આ ક્રિયા ગમી ગઈ હતી. મોસમનું બદલાતું સ્વરૂપ હૈયે સંવેદના જગાડી ગયું, તેને થયેલું, કાશ! આ સ્થિતિ લાંબો સમય ટકે તો કેમ!?
ને વરસાદ શરૂ થયો, હવાની થપાટ સાથે હડસેલાઈને આવેલ વાછટમાં વિશાખા-વિનય ભીંજાઈ ગયાં હતાં, ભીંજાવાની મોસમ હોય અને વીજ ચમકારે એ ક્ષણ સાંપડતી હોય તો… વિશાખાને લાગ્યું કે આ સ્થિતિ કેવી હૂંફાળી! કેટલા દિવસો પછી વિનય ઘરે આવ્યા અને આ વરસાદ…
‘બસ, આમ જ ઊભા રહીશું?’ વિનયે જ્યારે આમ કહ્યું ત્યારે વિશાખાની આંખોમાં લજ્જાની લાલી ઊપસી આવી હતી: ‘આ દૃશ્ય જોવા જેવું છે હોં વિશુ…!’
‘કયું દૃશ્ય?’ વિશાખા વિનયથી અળગી થઈ. કાલિમાથી આચ્છાદિત સાબર તરફ એણે જોયું અને તેના હોઠ વચ્ચેથી ઉદ્ગાર નીકળી ગયો: ‘ઓહ, સાબર તો બેય કાંઠે.’
વિશાખાએ આમ બોલીને વિનય સામે જોયું હતું. તેનાથી એક ઊંડો નિસાસો નખાઈ ગયો હતો: હમણાંથી હું પણ ક્યાં છલોછલ બની છું, સાબર તો બેય કાંઠે હિલાળે છે, પણ મારી અંદર તો સહરાનું રણ ધગધગે છે, ત્યાં સ્નેહના વારિ ક્યારે રહેશે? ઘરનો મોભી તો મેઘાના ઉંબરે વરસાદી ભીનાશ પાથરે છે… મારામાં શું ખામી હશે? ભલે એક પુત્રની માતા છું, પણ યૌવનની તાજગીમાં ક્યાં કશો ફરક પડ્યો છે….
‘સાબર તો છલોછલ બની છે…’ વિનયે તે વખતે વિશાખાની આંખોમાં જોયું નહોતું નહીંતર વિષાદની ધાર તેને થિજાવી દેત. વિશાખાએ સ્મિત વેર્યું પણ તેની ભીતરમાં તડપતા દર્દની ઝલક વિનયે નોંધી નહોતી. તે તો બસ, આકાશને અને સાબરના બેય કાંઠાને જોઈને ભાવ-વિભોર બની ગયો હતો. વિશાખા ગુમસૂમ હતી: મારા નસીબમાં બન્ને કાંઠે છલકાવાનું ક્યાં લખ્યું છે. એ નસીબ તો પેલી મેઘા…
‘વિશુ! જો જો… વરસાદ વરસી રહ્યો છે. હું તો ભીંજાઈ ગયો છું…’ વિનયે સહજતાથી આમ કહી દીધું, પણ વિશાખા તો સ્થિર જ ઊભી હતી. નખશિખ ભીંજાતી હતી તે, પણ તેની અંદરથી એક ચિત્કાર ઊઠ્યો હતો: હા, હું ભીંજાઈ ગઈ છું, પણ અંદરથી તો હું કોરીધાકોર છું. હું ક્યારે ભીંજાઈશ…
સાબર બેય કાંઠે વહેતી હતી, વિનય મલકાતો હતો, તેના ચહેરા સામે જોઈને હરખાવું કે વેદનાના વમળમાં તણાવું તે અંગે વિશાખાને કશું સમજાતું નહતું. મેઘાની મોહપાશમાં જકડાયેલા વિનયને ક્યાં ઘર યાદ આવતું હતું. ઈચ્છા થાય ત્યારે આવે નહીંતર આંબલીના બીજા ઘરે રાતવાસો કરી, ગાંધીનગરના માહિતી ખાતામાં ઉચ્ચ પદ પર સેવારત વિનય મન પડે ત્યારે વિશાખા પાસે જતો. વિશાખાને આ પ્રકારની જિંદગી પસંદ નહોતી, પણ કરે શું? જાય ક્યાં? કોને કહે? પોતાની પસંદગીનાં લગ્ન હતાં. માતા-પિતાને ફરિયાદ કરવા જવાય નહીં. કયું મોઢું લઈને જાય? તેમની ઉપરવટ તો વિનયને પરણી હતી. પણ શું ખબર? લગ્ન પછીના છ મહિનામાં જ ખબર પડી ગઈ હતી કે વિનય મેઘા નામની કોઈ ત્યક્તાના મોહમાં ઓળઘોળ બની ગયો હતો.
એક વાર વિનયે આ રહસ્ય છતું કર્યું ત્યારે વિશાખાના માથે આભ તૂટી પડ્યું હતું; દિગ્મૂઢ બની ગયેલી વિશાખા બોલી શકી નહોતી. ત્યારે તેના ઉદરમાં નવજાત શિશુનો સળવળાટ શરૂ થઈ ગયો હતો. અજબની કશ્મકશભરી આ સ્થિતિ હતી…
‘વિશાખા! હું તને ક્યારેય છોડીશ નહીં, મેઘાને સંજોગોએ છંછોડી છે અને નસીબે રંજાડી છે, તું પણ આ સ્થિતિમાં સપડાઈ છે… પણ મન મનાવવું પડશે. હું બન્ને ઘર સાચવીશ. તને અને આપણા ભાવિ બાળકને ક્યારેય કોઈ વાતનું ઓછું આવવા દઈશ નહીં. મને માફ કરી દે…’
એ વખતે ફક્ત વિશાખા રડતી રહી હતી. થોડા કલાકો સામ-સામે વાદ-વિવાદ, ઝઘડા, આઘાત-પ્રત્યાઘાત, વેદના-વલોપાત વ્યક્ત થતાં રહ્યાં. ફરિયાદનો સૂર શરૂઆતમાં પ્રચંડ બનેલો પણ ધીરે ધીરે ઢાળના ઢાળે પાણી વહી જાય તેમ બધું થાળે પડતું ગયું. વિશાખાએ સ્થિતિ સ્વીકારી લીધી. આ સિવાય બીજું થઈ પણ શું શકવાનું હતું? નાના દીકરાના સુખ ખાતર પણ કેટલુંક જતું કરવું… ઘણું બધું વહેતું કર્યું… નસીબને દોષ આપવાનું મુનાસિબ માની ચલાવી લીધું…
અંદર દીકરાના રડવાનો અવાજ સાંભળી વિશાખા ચમકી. અતીતમાં એ દૃશ્યો આંખ સામેથી ઓઝલ થઈ ગયાં. વરસાદમાં ગતિ હતી, પવનમાં પણ વેગ હતો. સર્વત્ર ભીનાશ રેલાઈ ગઈ હતી સિવાય કે વિશાખા કોરીધાકોર હતી. અંદરથી એકદમ શુષ્ક અને કોરીધાકોર… નસીબ પણ માનવીના જીવનમાં કેવા કેવા રંગો પાથરે છે… એનાથી નિસાસો નખાઈ ગયો… દીકરાનો રડવાનો અવાજ સાંભળી, ‘હા, દીકરા! હું આવું છું, થોભ… આ આવી!’ વિશાખા અટારીએથી ત્વરિત ગતિએ ખસી ગઈ, સરકી ગઈ. અંદર જઈને દીકરાને બાથમાં લઈ લીધો, તેનાથી રડી પડાયું. સૂની રાત…સૂની દીવાલો અને સૂના નિસાસા વચ્ચે વિશાખા સિસકતી રહી. તેને થયું, હું એકલી છું, મારું કોઈ નથી, સાગર વચ્ચે અહીંથી-તહીં હડદોલા ખાતી નૈયાની માફક હું દિશાઓને વિહ્વળ દૃષ્ટિએ નીરખી રહું છું. ચોતરફ માત્ર ધુમ્મસ પથરાયેલું છે, ક્યાંય કોઈ નથી.. વિનય વિના, તેની હૂંફ વિના તો હું એક નૈયા જને…! હડદોલે ચડેલી નૈયા…
આંખમાં જામતી જતી ભીનાશ લૂછી, દીકરાને શાંત કર્યો, ફરી એને અડખામાં લઈને સૂતી. ફરી અતીતનાં દૃશ્યો આગળ આવીને ઊભાં રહ્યાં. વિનયે એક દિવસ એને કહેલું: વિશુ! તું મને ગમે છે, ખૂબ ગમે છે.
એ વખતે વિશાખાના હોઠ વચ્ચે આવીને એક વાક્ય થીજી ગયું હતું: હું મેઘા કરતાં પણ વધુ? પણ, તે એમ બોલી શકી ન હતી. વિનયે કહેલું: તું મને ખૂબ ગમે છે, કેમ કે તું ક્યારેય કોઈને ફરિયાદ કરતી નથી… મેઘા સામેની તારી નારાજગી પણ વ્યક્ત કરતી નથી… ખરેખર તું મહાન છે…
હું કોને ફરિયાદ કરું! જ્યાં ઈશ્ર્વર જ માયાના કળણમાં અટવાયો હોય ત્યારે કોની પાસે ધા નાખવી? કોને કહેવું? કોણ સાંભળે?
વિચાર તંદ્રામાં અટવાયેલ વિશાખા એકાએક ચમકી. ડોરબેલ રણકતી હતી. મધરાતે વળી કોણ આવ્યું હશે? ડોરબેલ કોણ વગાડતું હશે?
વિશાખા અતીતમાંથી બહાર આવી, ઊઠી બારણું ખોલ્યું. સામે વિનય ઊભો હતો. પાણીથી તરબતર. નખશિખ ભીંજાયેલા વિનયે ભરીભરી આંખે વિશાખા સામે જોયું. વિશાખા આશ્ર્ચર્યથી દિગ્મૂઢ બનીને પતિને તાકી રહી.
‘વિનુ, મેઘલી રાતે, ઓહ!’ વિશાખાએ વિનયને અંદર લીધો, ટુવાલ આપ્યો. બદલવા માટે કપડાં આપ્યાં. બન્ને બેડરૂમના પલંગ પર આવ્યાં. વિનયનો ચહેરો ભાવશૂન્ય હતો… તે છેવટે રડી પડ્યો. વિશાખાએ આલિંગનમાં ભરી લીધી.
‘વિશુ, મેઘા બેવફા નીકળી!’ એણે રુદન ભર્યા અવાજે કહ્યું અને બહાર વાદળાની ગડગડાટી બોલી. વિશાખાના હૈયે કંપ જન્મ્યો તેણે મૂક ચહેરે વિનય સામે જોયું. કંઈ બોલી નહીં.
‘મેઘા મારા મિત્ર દિનકરના ઘરમાં જઈને બેસી ગઈ. વિશ્ર્વાસઘાત કર્યો…. હું હવે ક્યાંય નહીં જાઉં વિશુ, ક્યાંય નહીં…’
વીજળી ચમકી.
વરસાદ શરૂ થયો, ગતિમાં આવી રહ્યો હતો.
વિનયની બાહોંમાં જાણે વિશાખા ઓગળી રહી. ભરપૂર વરસાદી રાતે સાબર બે કાંઠે છલોછલ બની ગઈ. આ કાંઠે કે પેલે કાંઠે તરસ ન હતી.