ઉત્સવ

વધતા જતાં ગરમીનાં મોજા માનવજાતને ચેતવણીની ઘંટડી

મોસમ -રાજેશ યાજ્ઞિક

પોતાના રમણીય સમુદ્ર તટો અને પરવાળા (કોરલ)ના સૌંદર્ય માટે પ્રખ્યાત થાઈલેન્ડથી હમણાં આંચકાદાયક સમાચાર સામે આવ્યા. સમાચાર જેટલા આંચકાદાયક છે, તેટલાજ માનવજાત માટે ચેતવણી સમાન પણ છે. તેમની સુંદરતા માટે જાણીતા અને ફિલ્મ “ધ બીચમાં દર્શાવવામાં આવેલા થાઈલેન્ડના કોહ ફી ફીના અદભુત ટાપુઓ તીવ્ર ગરમીને કારણે પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. વધુમાં, ત્યાંના પ્લીંગ ટાપુઓની સમુદ્રી ઇકોસિસ્ટમને થયેલી ગંભીર અસરના કારણે ત્યાંના પરવાળામાં “કોરલ બ્લિચિંગ જોવા મળ્યું હતું, જેને કારણે પ્રવાસીઓ માટે આ ટાપુ બંધ કરી દેવામાં આવ્યો છે. કોરલ બ્લીચિંગ, ઘણીવાર સામાન્ય કરતાં વધુ સમુદ્રના તાપમાન અને વધેલા અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને કારણે થાય છે, જેની અસરમાં પરવાળાનો રંગ સફેદ પડી જાય છે અને તેની અંદર રહેતી શેવાળ અલગ પડી જાય છે. આ ઘટનાઓ વિશ્ર્વભરમાં આબોહવા પરિવર્તનની ભયજનક વાસ્તવિકતાને આપણી સામે છતી કરે છે, જેમાં માનવ પ્રેરિત ગ્લોબલ વોર્મિંગ વધુ વારંવાર, લાંબી અને વધુ તીવ્ર ગરમીના મોજાઓના ઉદ્દભવનું કારણ બને છે.

સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટના કહેવા મુજબ, માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગની અસરોનો ભોગ સમુદ્ર લાંબા સમયથી બની રહ્યો છે. ગ્રહના સૌથી મોટા કાર્બન સિંક તરીકે, સમુદ્ર પૃથ્વીની સિસ્ટમમાં ફસાયેલા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાંથી મુક્ત થતી વધારાની ગરમી અને ઊર્જાને શોષી લે છે. આજે, મહાસાગરે વધતા ઉત્સર્જનથી ઉત્પન્ન થતી લગભગ ૯૦ ટકા ગરમીને શોષી લીધી છે. આ હિસાબે વિચાર કરો, કે જો સમુદ્રના જળ સુકાઈ જાય અને માનવસર્જિત ગરમી ઓછી ન થાય તો પૃથ્વીની શું હાલત થાય? જેમ જેમ અતિશય ગરમી અને ઊર્જા સમુદ્રને ગરમ કરે છે, તેમ તાપમાનમાં ફેરફાર ભયજનક અસરો તરફ દોરી જાય છે, જેમાં બરફ-ઓગળવું, દરિયાની સપાટીમાં વધારો, દરિયાઈ ગરમીના મોજાં અને સમુદ્રનું એસિડીકરણ સામેલ છે. ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટ જણાવે છે તે મુજબ, આ ફેરફારો આખરે દરિયાઇ જૈવ વિવિધતા અને દરિયાકાંઠાના સમુદાયોના જીવન અને આજીવિકા પર કાયમી અસરનું કારણ બને છે – જેમાં નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લગભગ ૬૮૦ મિલિયન લોકોનો સમાવેશ થાય છે, લગભગ ૨ બિલિયન જેઓ વિશ્ર્વની અડધી મેગાસિટીઓમાં રહે છે જે દરિયાકાંઠાની છે, વિશ્વની લગભગ અડધી વસ્તી (૩.૩ બિલિયન) જે પ્રોટીન માટે માછલી પર નિર્ભર છે, અને લગભગ ૬૦ મિલિયન લોકો જે વિશ્ર્વભરમાં મત્સ્યઉદ્યોગ અને જળચરઉછેરમાં કામ કરે છે.

પાણીનું વધતું તાપમાન, એસિડિફિકેશન અને ઓક્સિજનનું નીચું સ્તર કુદરતી સમુદ્રી ચક્ર સાથે જોડાઈને વિકટ દરિયાઈ ઘટનાઓનું સર્જન કરી શકે છે. દરિયાઈ ગરમીના તરંગો, ડેડ ઝોન અને કોરલ બ્લિચિંગ આ ઘટનાઓના માત્ર થોડાંક ઉદાહરણો છે, જે વધુ સામાન્ય અને ગંભીર બનવાનો અંદાજ છે.આત્યંતિક ઘટનાઓ દરિયાઈ જીવસૃષ્ટિ અને આ સિસ્ટમો સાથે જોડાયેલા સમુદાયોને નુકસાન પહોંચાડી શકે છે.

વિશ્ર્વના ધ્રુવીય પ્રદેશોમાં વધતા બરફના નુકસાનને કારણે તાજેતરના દાયકાઓમાં દરિયાઈ સપાટીમાં વધારો થયો છે. વર્લ્ડ મિટિરોલોજિકલ ઓર્ગેનાઈઝેશનના ડેટા દર્શાવે છે કે ૨૦૧૩ થી ૨૦૨૧ના સમયગાળામાં દર વર્ષે સરેરાશ ૪.૫ મિલીમીટરની વૃદ્ધિ સાથે, વૈશ્ર્વિક સરેરાશ દરિયાઈ સ્તર ૨૦૨૧ માં નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું. ઘણા લોકો પ્રશ્ર્ન કરે છે કે પહેલા તો આટલાં દરિયાઈ વાવાઝોડાની ઘટનાઓ ખાસ કરીને દક્ષિણ એશિયામાં સંભળાતી નહોતી, જેટલી છેલ્લા કેટલાંક વર્ષોમાં સામાન્ય બની ગઈ છે. તેના માટેનાં કારણોમાંથી એક પણ વધતી ગરમી જ છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની તીવ્રતા સાથે, દરિયાઈ સપાટીના વધારાને કારણે ઘાતક તોફાન અને દરિયાકાંઠાનાં જોખમો જેમ કે પૂર, ધોવાણ અને ભૂસ્ખલન જેવી આત્યંતિક ઘટનાઓમાં વધારો થયો છે, જે હવે ઘણાં સ્થળોએ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત થતી હોવાનો અંદાજ છે. આવી ઘટનાઓ ઐતિહાસિક રીતે પહેલા પ્રતિ સદીમાં એકાદવાર બનતી જોવા મળતી હતી. દરિયાઈ હીટવેવ્સના આવર્તન બમણા થઈ ગયા છે, અને તે લાંબા સમય સુધી ચાલતી, વધુ તીવ્ર અને વ્યાપક ઘટના બની છે. ક્લાઈમેટ ચેન્જ પર આંતરસરકારી પેનલ કહે છે કે ૧૯૭૦ના દાયકાથી દરિયાઈ ગરમીમાં થયેલા વધારાનું મુખ્ય કારણ માનવ પ્રભાવ છે.

માનવજાત જો હજી પણ બોધપાઠ નહિ લે, તો ઋતુચક્રમાં પરિવર્તન, અનિયમિત ઋતુઓ, ઋતુઓનું આત્યંતિક સ્વરૂપ જેવી સમસ્યાઓ વર્ષાનુવર્ષ વધતી જોવા મળશે. બની રહેલી ઘટનાઓને ચેતવણી સમજીને આબોહવા પ્રત્યે આપણે સંવેદનશીલ બનવાની અત્યંત તાત્કાલિક આવશ્યકતા છે. સમાજના પ્રત્યેક સ્તરે પ્રદૂષણ નિયંત્રણ, ગ્રીન હાઉસ ઇફેક્ટ ઓછી કરવી, નદીઓ અને સમુદ્રને રસાયણ અને અન્ય કચરાથી મુક્ત કરીને સમુદ્રી જીવોના કુદરતી આવાસનું રક્ષણ કરવું, વરસાદી પાણીને જમીનમાં ઊતરવા દેવું, જેવાં પગલાંઓ લાંબા સમય સુધી લેવાની જરૂર છે. જો આપણે એમ નહીં કરીએ તો આવનારી પેઢી માટે આપણે સ્વર્ગ ને બદલે નર્કનું નિર્માણ કરીને આ દુનિયામાંથી વિદાય લઈશું એ નિશ્ર્ચિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker