ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો
ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો
ભાદરવો, ગણપતિ અને આધુનિક યુગ
પ્રાસંગિક -મુકેશ પંડ્યા
ભાદરવો મહિનો એટલે સૌથી ગરમ મહિનો. ઉનાળાની ગરમી કરતાં પણ આ ગરમી વધુ અને તેય પાછી રોગ ફેલાવનારી! આ મહિનામાં મસ્તકને ઠંડું અને શાંત રાખનારા ગણપતિનો જન્મ થાય તે સર્વથા યોગ્ય છે. અષાઢ સુદ પૂનમથી કારતક સુદ પૂનમ આ વર્ષાઋતુ દરમિયાન તામસી પ્રકૃતિનું વર્ચસ્વ વધી જતું હોય છે. શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જતું હોય છે. આથી મનુષ્યના માનસિક અને શારીરિક જીવન પર વિપરીત અસર થાય છે. આ અસર ખાળવા ગણપતિની પૂજા, જાપ અને તેમના પૂજનમાં વપરાતી વસ્તુઓ વૈજ્ઞાનિક રીતે કેટલી ઉપયોગી છે તે ક્રમવાર જોઈશું.
ચોથ અને ગણપતિ
જે રીતે રેડિયો અને ટેલિવિઝન અને મોબાઈલ ફોનના અનેક તરંગો વહેતા રહેતા હોય છે તે જ રીતે અંતરિક્ષમાંથી અનેક કોસ્મિક એનર્જી (દૈવીશક્તિ)ના સકારાત્મક તરંગો પૃથ્વીના વાતાવરણમાં આવતા રહેતા હોય છે. આમાંથી કોઈ એક દિવ્ય તરંગ કે જે સર્વ રિદ્ધિસિદ્ધિ આપવાનો, સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાનો અને સર્વ વિઘ્નોને નાશ કરવાનો ગુણધર્મ ધરાવે છે. તેને જ ગણપતિરૂપ શક્તિના તરંગો કહેવાય છે. પૂનમ અને અમાસના દિવસે સૂર્ય ચંદ્રની વિશિષ્ટ સ્થિતિની અસરના પરિણામે જ દરિયામાં ભરતી અને ઓટ થાય છે. તેવી જ રીતે ચોથ તિથિના દિવસે ચંદ્ર અને સૂર્યની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ગણેશ તરંગો વધુ પ્રમાણમાં પૃથ્વી પર આવતા હોય છે. તેથી જ ચોથના દિવસે ગણપતિ પૂજન વ્રતનું ફળ વધુ મળે છે. સુદ ચોથ એટલે વિનાયકી ચોથ સુખ, શાંતિ, સમૃદ્ધિ જેવી સકારાત્મક બાબતોને વધુ બળવાન બનાવનારી છે, જ્યારે વદ ચોથ એટલે સંકષ્ટિ ચોથ અવરોધો, બાધા, સંકટો જેવી નકારાત્મક બાબતોનો નાશ કરનારી છે. ભાદરવા સુદ ચોથના દિવસે સૌથી વધુ પ્રમાણમાં ગણેશ તરંગો આવતા હોવાથી તે દિવસને ગણપતિ જન્મના ઉત્સવ તરીકે ઊજવીએ છીએ.
ગણેશભક્ત મોરયા અને આઈન્સ્ટાઈન
ગણેશ તરંગોનું રૂપાંતર સ્થૂળ આકારમાં કરી ગણપતિના સાકાર દર્શન પણ થઈ શકે છે. તેથી જ ગણેશ સ્વરૂપનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. જેમાં તેમના ચહેરાનું વર્ણન ગજરાજના ચહેરા સાથે સામ્યતા ધરાવે છે. આ માત્ર કલ્પના નથી. જેમ વરાળ, પાણી અને બરફ આ બધામાં ભલે અલગ સ્વરૂપ સ્થિતિ છે, છતાં તે બધામાં એક જ તત્ત્વની એકરૂપતા હોવાથી એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તેવી જ રીતે ગણેશ, ગણેશ મંત્રના ઉચ્ચારથી થતો નાદ અને ગણેશના તરંગોનો આકાર આ ત્રણે વસ્તુઓ ભલે જુદી જુદી લાગે છે, પરંતુ ત્રણે વસ્તુઓ એક જ તત્ત્વની એકરૂપતાથી ગાઢ રીતે જોડાયેલી છે. ખારા પાણીમાં ચકમકપર દૃષ્ટિ જમાવી રાખી “ૐ ગં ગણપતયે નમ: મંત્રના જપ નિયમિત એક વર્ષ સુધી ઉચ્ચાર કરવામાં આવે તો ચકમકનો આકાર શાસ્ત્રોમાં વર્ણવેલા ગણપતિ જેવો થાય છે. મહારાષ્ટ્રના મહાન ગણેશભક્ત મોરયા ગોસાવીએ આ રીતે ઘણા ગણપતિ બનાવીને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તેથી “ગણપતિબાપા મોરયા એવો જયનાદ કરીને ભગવાન સાથે પરત ભક્ત મોરયાને પણ યાદ કરાય છે. આ માત્ર ગપગોળા નથી. મોરયાની સિદ્ધિને આજના વિજ્ઞાનથી પણ સાબિત કરી શકાય છે. મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને પદાર્થનું શક્તિમાં રૂપાંતર શક્ય છે તે સાબિત કર્યું ઉપરાંત તેના સંબંધો દર્શાવતું સૂત્ર ઈ=એમસી૨ (ઈ ઊર્જાશક્તિ, એમ દ્રવ્યનું દળ અને સી પ્રકાશની ઝડપ) આપીને બ્રહ્માંડને જોવાની દૃષ્ટિ બદલી નાખી.
જોકે આ જ સિદ્ધાંત વડે હજાર વર્ષો પૂર્વે આપણા ઋષિમુનિઓ અંતરિક્ષમાંથી આવતી કૉસ્મિક એનર્જી (દૈવીશક્તિ)ઓને સ્થૂળ આકારમાં રૂપાંતર કરી શક્યા હતા!
લાલ રંગ, મંગળ અને ગણપતિ
ગણેશ તરંગો, શૌર્ય અને શક્તિથી ભરપૂર તેવા લાલ રંગના તરંગો જોડે ખૂબ મેળ ખાય છે. તેથી લાલ રંગની વસ્તુઓ ગણેશ તરંગોને આકર્ષવામાં મદદ કરે છે. માટે ગણપતિની મૂર્તિ જો લાલ રંગની હોય તો વધુ લાભકારક બને છે. લાલ રંગની વસ્તુઓ જેવી કે રક્ત ચંદન, સિંદૂર, જાસવંતીના ફૂલ અને લાલ વસ્ત્રનો ગણપતિની પૂજામાં ઉપયોગ છે. ગણપતિના પ્રિય જાસવંતીના ફૂલ અને રક્ત ચંદન આયુર્વેદના મત પ્રમાણે કફ અને પિત્તનો નાશ કરનારાં છે, ભાદરવા મહિનામાં તેમનું સેવન ખૂબ જ ફાયદાકારક બને છે. લાલ રંગના મંગળ ગ્રહમાંથી નીકળતા તરંગો પર ગણેશ તરંગો આધિપત્ય ધરાવે છે. તેથી ગણેશ તરંગો મંગળના તરંગોના સકારાત્મક ગુણો વધારી દેવાની અને તેના નકારાત્મક ગુણોનો નાશ કરવાની ક્ષમતા રાખે છે. આથી મંગળવાર અને ચોથ ભેગા થાય એટલે કે અંગારકીમાં ગણેશપૂજા વધુ શુભ ફળ આપે છે. કોઈની જન્મકુંડળીમાં મંગળ ગ્રહ અશુભ સ્થિતિમાં રહેલો હોય ત્યારે ગણપતિની ઉપાસના કરવાનું પણ જ્યોતિષીઓ કહે છે.
ગણપતિ શા માટે પ્રથમ પૂજનીય છે?
આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે સમગ્ર જીવનસૃષ્ટિ પંચતત્ત્વથી જ મૂળભૂત રીતે બનેલી છે. પૃથ્વી (હાડકાં, ચરબી, નખ, વાળ) જળ (કોષોના તરલ પદાર્થ, લોહી, વીર્ય) વાયુ (પ્રાણવાયુ) અગ્નિ (શરીરમાં રહેલી શક્તિ) અને અવકાશ જેવાં તત્ત્વોથી જ આપણું શરીર બનેલું છે. પાંચે તત્ત્વોમાંથી સૌથી નજીક આપણાથી પૃથ્વી તત્ત્વ રહેલું છે. આ પૃથ્વી તત્ત્વ શુભ અને કાર્ય સિદ્ધિદાયક ગણાય છે, જે ગણેશ તરંગોને પ્રબળ રીતે આકર્ષિત કરી શકે છે અને તેનો પ્રભાવ વધારવામાં સક્રિય ભાગ ભજવે છે. તેથી જ ગણપતિની કરેલી પૂજા, પાઠ કે પ્રાર્થના જલદી ફળીભૂત થાય છે. આમ, ગણપતિ પરમ શક્તિના પૃથ્વી ખાતાના પ્રતિનિધિ સ્વરૂપ છે. પરમ શક્તિને પામવા માટે ગણપતિ શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે, કારણ કે મંત્રોચ્ચારમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ દ્વારા ગણેશશક્તિનો સંબંધ સ્થાપિત જલદી કરી શકાય છે, જ્યારે પરમશક્તિનો સંબંધ સાધવા પ્રકાશના તરંગોનો ઉપયોગ કરવો પડે છે, જે વર્ષોમાં તપ અને ધ્યાનથી ઉત્પન્ન થાય છે. સામાન્ય મનુષ્ય આજના ઝડપી યુગમાં તે કરી શકતો નથી. ‘કળિયુગમાં પ્રથમ ગણપતિ અને જગદંબાને પૂજીને જ પરમાત્મા સુધી પહોંચી શકાશે’ આ વાતનું સૂચન આપણાં શાસ્ત્રોમાં અનેક જગ્યાએ મળી આવે છે. આમ, ગણપતિ શા માટે પ્રથમ પૂજનીય છે તે સમજી શકાય છે.
શાકાહાર અને ગણપતિ:
આજે શાકાહાર વિરુદ્ધ માંસાહારનો વાદવિવાદ ચાલ્યા જ કરે છે, પરંતુ આ પ્રશ્ર્નનો ઉકેલ આપણને ગણપતિ દ્વારા મળી શકે છે. ગણેશનું હાથી જેવું મુખ તેના સ્વભાવગત કુદરતી આહારની પણ વિશિષ્ટ ઓળખ કરાવે છે. આટલું કદાવર અને બળવાન હોવા છતાં નવાઈની વાત એ છે કે હાથી સંપૂર્ણ શાકાહારી છે. વાઘ અને સિંહની જેમ હુમલાખોર પ્રાણી નથી. બળવાન હોવું અને શાંત પણ હોવું એવો અનન્ય ગુણ હાથીની જેમ શ્રીગણેશમાં જોવા મળે છે. કુદરત પણ શાકાહારી બનવાનો જ સંકેત આપે છે. ભોજનને સ્વાદ સાથે સીધો સંબંધ છે. આયુર્વેદમાં છ સ્વાદનું વર્ણન છે, જે ફક્ત વનસ્પતિમાંથી મળે છે. મધુર સ્વાદ જે આપણે શેરડી, કેળાં, ચીકુ, સીતાફળ વગેરેમાંથી મળે છે. તીખો સ્વાદ મરચાં, આદું, મરી, તજ વગેરેમાંથી મળે છે. ખાટો સ્વાદ લીંબુ, આંબલી, કોકમ, આમળા, ટમેટાં વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. કડવો લીમડો, મેથી, કારેલા, ગળોવેલ વગેરેમાંથી મળી આવે છે તેમ જ ખારો સ્વાદ દરિયાના પાણીમાંથી નમક સ્વરૂપે મળી આવે છે. આમ, સ્વાદની દુનિયામાં માંસનું કોઈ સ્થાન નથી. તેથી તમને કોઈ દાળ-ભાત ખાઉં કહી ચીડવે તો ક્ષોભ પામ્યા વગર ગણપતિના હાથી સ્વરૂપને વંદન કરી મનોમન ગર્વ અનુભવજો.
દૂર્વા અને ગણપતિ
ગણપતિની પૂજામાં દૂર્વાનું અનન્ય સ્થાન છે. દૂર્વા એટલે દુ: + અવમ્ તેનો અર્થ થાય છે દૂર રહેલાને નજીક લાવે તે. પાણીમાં ભીંજવેલી દૂર્વાથી માત્ર ચહેરો દેખાય તે રીતે મૂર્તિને ઢાંકી દેવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્તિ થાય છે. જે જે વસ્તુઓમાં વધુ પ્રમાણમાં ક્ષાર રહેલો હોય છે તે વસ્તુઓ સકારાત્મક તરંગો પ્રબળ રીતે આકર્ષે છે. દૂર્વામાં પણ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ક્ષારો રહેલા છે. આ ઉપરાંત દૂર્વામાં પૃથ્વી તત્ત્વ વધુ પ્રમાણમાં રહેલું છે, જેથી તેની એન્ટિના જેવી પાંખડીઓ વડે ગણેશના વિઘ્નહર્તા તરંગોને ખેંચી લાવે છે અને ભક્તોની સમૃદ્ધિ અને શાંતિમાં વધારો કરે છે. દૂર્વાનું આયુર્વેદિક મહત્ત્વ પણ ઘણું છે. ભાદરવા મહિનામાં તેનું સેવન શરીર અને મનને નિરોગી રાખે છે. લાલ ચંદનની માફક દૂર્વા પણ કફ અને પિત્તનાશક છે. તદુપરાંત તે બુદ્ધિ વધારનારી છે. સ્ત્રીઓના ગર્ભાશય અને યોનિને લગતાં તમામ દર્દોને દૂર કરનારી છે. સ્ત્રીઓના શરીરની ખોટી ગરમી દૂર કરી ગર્ભસ્થાપન કરનાર તથા ગર્ભને પોષણ કરનારી છે. દૂર્વાનું સેવન પુરુષોને પણ ફાયદાકરક છે. દૂર્વા શીતવીર્ય હોવાથી વીર્યમાં શુક્રાણુ વધારવામાં મદદ કરે છે. સંતાન ન થતાં હોય તેવા દંપતીઓ માટે દૂર્વા એક શ્રેષ્ઠ ઔષધ છે. ગણપતિની દૂર્વા વડે પૂજન અને પાઠ કરી તે જ દૂર્વાનું સેવન કરવાથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે.