રાજકોટના TRP ગેમ ઝોનમાં મોતનું તાંડવ, 25થી વધુ લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા
રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં 25થી વધુ લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. મૃતકોમાં મોટાભાગના બાળકો આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નિર્દોષોના મોતની ઘટના બનતા સમગ્ર શહેરમાં અરેરાટી મચી જવા પામી છે. આગ એટલી વિકરાળ છે કે ધૂમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે.
ભયાનક આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો છે. આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયર બ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ જ મૃત્યુઆંકની જાણકારી સામે આવશે. જ્યારે 10થી વધારે એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર હાજર છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
ગેમઝોનમાં બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, મળતી માહિતી પ્રમાણે હજુ પણ મૃ્ત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં 24 મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. ગેમઝોનનું જે એન્ટ્રી રજીસ્ટર હતું. તેમાં આગ પૂર્વે 70 લોકોની એન્ટ્રી થઈ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનાથી આખું રાજકોટ શોકમય બની ગયું છે.
રાજકોટમાં લાગેલી ભયાનક આગ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરી સંવેદન વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.’
તે જ પ્રમાણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. સીઆર પાટીલે રાજકોટ શહેરના તમામ કોર્પોરેટર ધારાસભ્યોને મદદ માટે આગળ આવવા સૂચના આપી છે. ઘટના ખુબ જ દુઃખદ હોવાનું જણાવ્યું છે.
મળતી વિગતો મુજબ રાજકોટના TRP ગેમ ઝોનના માલિકો પૈકીના યુવરાજસિંહ સોલંકી તથા ગેમ ઝોનના મેનેજર નિતિન જૈનની શહેર ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે, રાજકોટમાં બનેલી દુર્ઘટનાથી ગુજરાત સરકાર સતત ચિંતિત છે અને દુર્ઘટના અંગે રાજયસ્તરની સીટની રચના કરશે. ગુજરાત સરકાર રાજ્યના ચારથી પાંચ સિનિયર પોલીસ અધિકારીઓની સીટની રચનાની ટૂંક સમયમાં જ કરી શકે છે.