ચેન્નઈ: અહીં ચેપૉકમાં આઇપીએલની 17મી ફાઇનલ રવિવાર, 26મી મે (સાંજે 7.30 વાગ્યાથી)એ શરૂ થશે એ સાથે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ થશે. ક્રિકેટજગતમાં ખેલાડીઓને સૌથી વધુ લોકપ્રિયતા અને સૌથી વધુ પૈસા અપાવતી આ ટી-20 ટૂર્નામેન્ટ પછી બીજા જ અઠવાડિયે ટી-20 ક્રિકેટનો જ વર્લ્ડ કપ શરૂ થશે એટલે ક્રિકેટરસિકોને એકસાથે બે ક્રિકેટોત્સવની મોજ મળી કહેવાશે.
જોકે ટીમ ઇન્ડિયાના કોઈ પણ ડાઇ-હાર્ડ ક્રિકેટલવરને એક વાત જરૂર ખૂંચશે અને એ બાબત એ છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની આ ફાઇનલમાં ભારતનો એવો એક પણ ખેલાડી નથી કે જે પહેલી જૂને અમેરિકામાં શરૂ થનારા ટી-20 વિશ્ર્વકપ માટેની ભારતની ટીમમાં સામેલ હોય.
માત્ર રિન્કુ સિંહ એવો પ્લેયર છે જે વર્લ્ડ કપની ટીમ સાથે સંકળાયેલો છે. જોકે તે સ્ટૅન્ડ-બાયમાં છે એટલે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની 15 ખેલાડીઓની મુખ્ય ભારતીય ટીમમાં તો ન જ કહેવા. તેને વર્લ્ડ કપમાં રમવા મળશે એવી સંભાવના નકારી ન શકાય, પરંતુ તેનો સમાવેશ હજી રિઝર્વ ખેલાડીઓમાં જ છે.
હૈદરાબાદની ટીમ આ સીઝનમાં 250-પ્લસના સ્કોર્સ નોંધાવવામાં અવ્વલ રહી છે અને 277 રન તથા 287 રનના બે વિક્રમજનક સ્કોરના આ માલિકો જો ફાઇનલમાં અસલ મિજાજમાં રમશે તો કોલકાતાના બોલર્સ-ફીલ્ડર્સનું આવી જ બન્યું સમજો. ચેન્નઈની પિચ પર કોલકાતાના યુવાન પેસ બોલર્સ હર્ષિત રાણા, વૈભવ અરોરાએ કુલ 567 રન બનાવનાર ટ્રેવિસ હેડ તેમ જ 482 રન બનાવનાર અભિષેક શર્મા, 463 રન બનાવનાર હિન્રિચ ક્લાસેન, 290 રન બનાવનાર નીતિશ રેડ્ડી તેમ જ છેલ્લી ત્રણેય મૅચમાં ફાંકડી ફટકાબાજી કરનાર રાહુલ ત્રિપાઠીને કાબૂમાં રાખવા કંઈક નવો અને દમદાર વ્યૂહ અપનાવવો પડશે. જોકે મિચલ સ્ટાર્ક, આન્દ્રે રસેલે પણ નવા જ પ્લાન સાથે મેદાન પર ઊતરવું પડશે.
આ પણ વાંચો: IPL-2024 : આજે કોલકાતા (KKR) વિરુદ્ધ હૈદરાબાદ (SRH): કોની સામે કયા હરીફ ખેલાડીની ટક્કર સૌથી રોમાંચક બની શકે?
યાદ રહે, કોલકાતાએ 50 લાખ રૂપિયામાં ખરીદેલા ભાવનગર જિલ્લાના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને આ વખતે હજી રમાડ્યો જ નથી.
જોકે હૈદરાબાદના બિગ-હિટર્સને કાબૂમાં રાખવા શ્રેયસ ઐયરની ટીમ પાસે વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ જેવા સ્પિન-સ્ટાર્સ પણ છે. અફઘાનિસ્તાનના 16 વર્ષના સ્પિનર અલ્લા મોહમ્મદ ગઝનફરને હજી કોલકાતાએ રમાડ્યો જ નથી. સામી બાજુએ, હૈદરાબાદ પાસે અભિષેક શર્મા અને શાહબાઝ અહમદના રૂપમાં બે પાર્ટ-ટાઇમ સ્પિનર છે જેમને કારણે જ બે દિવસ પહેલાં રાજસ્થાને પરાજય જોવો પડ્યો હતો. બન્નેએ મળીને કુલ પાંચ વિકેટ લીધી હતી.
કોલકાતાની ટીમ 20 પૉઇન્ટ સાથે મોખરે રહ્યા બાદ ક્વૉલિફાયર-વનમાં હૈદરાબાદને આઠ વિકેટે પરાજિત કરીને ફાઇનલમાં પહોંચી છે.
હૈદરાબાદની ટીમ 17 પૉઇન્ટ સાથે બીજા નંબરે રહ્યા બાદ કોલકાતા સામેના આઠ વિકેટે મળેલા પરાજય બાદ રાજસ્થાનને 36 રનથી હરાવીને ફાઇનલમાં પહોંચી છે.
હૈદરાબાદના ખેલાડીઓએ આરામ કર્યો, કોલકાતાના પ્લેયર્સે પસીનો પાડ્યો
ચેન્નઈમાં શનિવારે હૈદરાબાદના ખેલાડીઓએ અસહ્ય ગરમી અને ભેજવાળા હવામાનમાં પ્રૅક્ટિસ કે નેટ સેશન રાખીને રવિવારની ફાઇનલ પહેલાં પોતાને થકવી નાખવાને બદલે સંપૂર્ણ આરામ કર્યો હતો. તેઓ શુક્રવારે રાજસ્થાન સામેની રસાકસીવાળી મૅચમાં રમીને ખૂબ થાકી ગયા હતા. બીજી તરફ, કોલકાતાના ખેલાડીઓએ શનિવારે સવારથી ખૂબ પ્રૅક્ટિસ તો કરી જ હતી, સાંજે બે-ત્રણ કલાકનું નેટ સેશન પણ રાખ્યું હતું.