હાઇ કોર્ટના જજના સ્વાંગમાં ડિસ્ટ્રિક્ટ જજ સાથે રૂ. 50 હજારની છેતરપિંડી
મુંબઈ: સોલાપુર જિલ્લાના જજ સાથે અજાણ્યા શખસે રૂ. 50 હજારની છેતરપિંડી આચરી હતી, જેણે વ્હૉટ્સઍપ ડિસ્પ્લે પિક્ચર (ડીપી) પર મુંબઈ હાઇ કોર્ટના જજનો ફોટો રાખ્યો હતો અને પૈસાની માગણી કરી હતી.
હાઇ કોર્ટના રજિસ્ટ્રારે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે મુંબઈ પોલીસે શુક્રવારે ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટની સંબંધિત કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદ અનુસાર ડિસ્ટ્રિક્ટ જજને શુક્રવારે મોબાઇલ નંબર પરથી વ્હૉટ્સઍપ મેસેજ આવ્યો હતો, જેમાં ડીપી તરીકે હાઇ કોર્ટના જજનો ફોટો હતો.
ડિસ્ટ્રિક્ટ જજ હાઇ કોર્ટના જજને જાણતા હતા અને મેસેજ મોકલનારે રૂ. 50 હજાર માગ્યા હતા, જે દિવસને અંતે પરત કરી દેશે, એવું જણાવ્યું હતું.
ડિસ્ટ્રિક્ટ જજે કંઇ પણ ચકાસ્યા વિના રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. જોકે પૈસાની માગણી કરતો વધુ એક મેસેજ આવ્યા બાદ તેમને શંકા ગઇ હતી.
ડિસ્ટ્રિક્ટ જજે હાઇ કોર્ટ ખાતે રજિસ્ટ્રાર ઓફિસનો સંપર્ક સાધ્યો હતો ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે જે જજના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેમણે ક્યારેય પૈસા માગ્યા નહોતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)