સ્પોર્ટસ

Badminton : પી.વી. સિંધુ PV Sindhu) ફાઇનલમાં, ટાઇટલ માટે હવે માત્ર ચીની હરીફને હરાવવાની બાકી

ક્વાલા લમ્પુર: બૅડ્મિન્ટનમાં બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી ભારતની એક સમયની વર્લ્ડ ચૅમ્પિયન પી. વી. સિંધુ મલેશિયા માસ્ટર્સ (Malaysia Masters)ના પ્રતિષ્ઠિત ટાઇટલથી હવે એક જ ડગલું દૂર છે. સિંધુએ શનિવારે સેમિ ફાઇનલમાં થાઇલૅન્ડની બુસેનન ઑન્ગબામરુન્ગફાનને 13-21, 21-16, 21-12થી હરાવી હતી. હવે ફાઇનલમાં સિંધુનો મુકાબલો ચીનની વર્લ્ડ નંબર-સેવન વૉન્ગ ઝી યી સાથે થશે. સિંધુએ શુક્રવારે ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની જ ટૉપ-સીડેડ હાન યુઇને પરાસ્ત કરી હોવાથી હવે હાનથી ઉતરતી રૅન્કની વૉન્ગ સામે સિંધુ જીતી શકે એમ છે.

સિંધુ કુલ 4,20,000 ડૉલર (અંદાજે સાડાત્રણ કરોડ રૂપિયા)ના ઇનામવાળી મલેશિયા માસ્ટર્સમાં પાંચમી ક્રમાંકિત છે, જ્યારે ચીનની વૉન્ગ સેક્ધડ-સીડેડ છે. એ રીતે સિંધુ માટે જીતવું મુશ્કેલ છે, પરંતુ સિંધુ બે વર્ષમાં એક પણ ટાઇટલ ન જીતી હોવાથી આ વખતે તેને ચૅમ્પિયન બનતા રોકવી વૉન્ગ માટે આકરી કસોટી બની રહેશે.

સિંધુએ બુસેનનને શનિવારે 18મી વખત હરાવી હતી. સિંધુ તેની સામે અગાઉ ફક્ત એક જ વાર હારી હતી.
સિંધુનો ફાઇનલની હરીફ વૉન્ગ સામે સારો રેકૉર્ડ છે. ત્રણમાંથી બે મૅચમાં સિંધુ વિજયી થઈ હોવાથી તેની સામે 2-1નો રેશિયો ધરાવે છે. છેલ્લે સિંધુનો તેની સામે ગયા વર્ષે આર્કટિક ઓપનમાં પરાજય થયો હતો.

સિંધુએ કૅરોલિન મારિન, તાઇ ત્ઝુ યિન્ગ, ચેન યુ ફેઇ અને અકેન યામાગુચીને હરાવ્યાને ઘણો સમય થઈ ગયો છે. હવે સિંધુએ મોટી હરીફોને હરાવવાનું શરૂ કરવું જ પડશે, કારણકે આગામી જુલાઈ-ઑગસ્ટની પૅરિસ ઑલિમ્પિક્સ બહુ દૂર નથી. સિંધુ પાછલી બે ઑલિમ્પિક્સમાં સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

સિંધુ જો મલેશિયા માસ્ટર્સનું ટાઇટલ જીતશે તો ઑલિમ્પિક્સ પહેલાં તેનો આત્મવિશ્ર્વાસ ઘણો વધી જશે. તેણે ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની જ આ ટૂર્નામેન્ટની ટૉપ-સીડેડ હાન યુઇને 21-13, 14-21, 21-12થી હરાવીને અપસેટ સરજ્યો હતો, કારણકે બૅડ્મિન્ટનની વર્લ્ડ રૅન્કમાં વધુમાં વધુ બીજા નંબર સુધી પહોંચનાર સિંધુ હાલમાં 14મા નંબરે છે, જ્યારે હાન છઠ્ઠા ક્રમે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button