Chhattisgarh માં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 લોકો માર્યા ગયાની આશંકા
રાયપુર: છત્તીસગઢના (Chhattisgarh)બેમેટારા જિલ્લામાં ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ (Blast)થયો છે. આ ઘટનામાં 10 થી 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને કાટમાળમાં દટાયેલા હોઈ શકે છે. ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના જિલ્લાના બેરલા બ્લોકના બોરસીની છે. જેમાં મળતી માહિતી મુજબ જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે આસપાસ લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી.આ ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને રાયપુરની મેકહારા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ સિવાય ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.
બચાવ કાર્ય ચાલુ
ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં વિસ્તારમાં ભયનો માહોલ છે. જિલ્લા વહીવટીતંત્રની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સાથે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. બ્લાસ્ટ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે સેંકડો ફૂટ ઉપરના ઈલેક્ટ્રીક વાયર તેનાથી પ્રભાવિત થયા હતા.
ઘટનાસ્થળે પહોંચ્યા કલેક્ટર
આ બાબતે માહિતી આપતાં બેમેટારા કલેક્ટર રણબીર શર્માએ જણાવ્યું કે, SDRFની ટીમ આવતાની સાથે જ કાટમાળ હટાવવાનું કામ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવશે. કલેકટરે જણાવ્યું હતું કે આ ઘટના કયા કારણોસર બની છે તે કહેવું મુશ્કેલ છે. કારણ કે આ ફટાકડા ફેકટરી હતી. જેમાં કેમિકલ પણ હતું. તેમણે એમ પણ કહ્યું કે હું ફેક્ટરીના સંચાલકો સાથે વાત કરી રહ્યો છું. માહિતી મળ્યા બાદ કામદારોની વર્તમાન સંખ્યા અપડેટ કરવામાં આવશે.જો કે બે દિવસ પૂર્વે મુંબઈના ડોંબીવલીની કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટમાં 10 જેટલા મુસાફરોએ જીવ ગુમાવ્યાની ઘટના હજુ તાજી જ છે.