Ebrahim Raisi ના નિધન બાદ સામ સામે આવ્યા ઈરાનના લોકો, લંડનના થયું ઘર્ષણ
લંડન : ઈરાનના (Iran)પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના (Ebrahim Raisi)અવસાન બાદ લંડનના(London) વેમ્બલીમાં આયોજિત શોક સભામાં ઈરાની મૂળના લોકો એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. આ ઘટનાની વિગત મુજબ રાષ્ટ્રપતિના નિધન પર શહેરના દિવાન અલ-કફીલ કોમ્યુનિટી સેન્ટરમાં ઈરાની મૂળના કેટલાક લોકો દ્વારા શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતથી લંડનમાં રહેતા ઈરાન સરકારના વિરોધીઓ નારાજ થયા અને તેઓએ કોમ્યુનિટી સેન્ટરની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. જેમાં ઈરાન સરકારના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
મહિલાને ધક્કો મારતો વિડીયો સામે આવ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સરકારનું સમર્થન કરી રહેલા લોકો ઈરાન સરકારનો વિરોધ કરી રહેલી મહિલાને ધક્કો મારી રહ્યાં છે. વિરોધીઓના હાથમાં બેનરો અને ઇસ્લામિક ક્રાંતિ પહેલાના સિંહ અને સૂર્યની નિશાનીવાળા ઈરાની ધ્વજ હતા. આ લોકો ઈબ્રાહિમ રઇસીના મૃત્યુની ઉજવણી કરતા જોવા મળે છે.
શું છે સમગ્ર મામલો?
શુક્રવારે કોમ્યુનિટી સેન્ટરમાં ઈબ્રાહિમ રઈસીની યાદમાં ઈરાની મૂળના લોકો દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પછી ઈરાનની સરમુખત્યારશાહી સરકારના કેટલાક વિરોધીઓએ ઈબ્રાહિમ રઈસીના મૃત્યુની ઉજવણી કરવા માટે બહાર ઉભા હતા. જ્યારે ઈરાન સરકારના સમર્થકો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
The attack and torture of women who stand against the Iranian regime are no longer limited to Iran's borders; now it is also happening in London. pic.twitter.com/Sj2DOQ1wnd
— Ihab Hassan (@IhabHassane) May 24, 2024
કાળા કપડા પહેરેલા ઘણા લોકો દેખાવકારોને માર મારી રહ્યા છે
વીડિયોમાં સાંભળી શકાય છે કે અથડામણ શરૂ થયા બાદ એક ઈરાન વિરોધી મહિલા ફારસી ભાષામાં ‘મદદ’ માટે બૂમો પાડી રહી છે, આ મહિલા પણ ‘નીકા શકરામી’ના નામની બૂમો પાડતી જોવા મળે છે. 2022 માં મહસા ઝીના અમીનીના મૃત્યુ બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન ઈરાની સુરક્ષા દળોની કાર્યવાહીમાં 16 વર્ષીય નિકી શકરામીનું મોત થયું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે કાળા કપડા પહેરેલા ઘણા લોકો દેખાવકારોને માર મારી રહ્યા છે.