વેપાર

વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૭૯૮નો ઘટાડો, ચાંદી ₹ ૨૯૩ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અનિશ્ર્ચિતતા વચ્ચે વૈશ્ર્વિક સ્તરે સોનાચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ હોવાના નિર્દેશો છતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી આજે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯૪થી ૭૯૮નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવા છતાં સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૯૩નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીમાં નિરુત્સાહ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૯૩ના ઘટાડા સાથે રૂ. ૮૯,૭૬૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વિશ્ર્વ બજારના મિશ્ર અહેવાલ ઉપરાંત સ્થાનિકમાં રૂપિયામાં મજબૂત વલણ રહેવાની સાથે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૯૪ ઘટીને રૂ. ૭૧,૭૪૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૯૮ ઘટીને રૂ. ૭૨,૦૨૮ના મથાળે રહ્યા હતા.

ગત બુધવારે જાહેર થયેલી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં નીતિઘડવૈયાઓ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા જણાતાં વૈશ્ર્વિક સોનાની તેજીને બ્રેક લાગી હતી અને ભાવમાં ઘટાડો શરૂ થયો છે. ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત નવમી મે પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ઘટ્યા મથાળેથી ૦.૫૪ ટકા વધીને ઔંસદીઠ ૨૩૪૦.૯૫ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૧ ટકા વધીને ૨૩૪૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે તાજેતરમાં સોનાના ભાવમાં ઔંસદીઠ ૨૪૪૯.૮૯ ડૉલરની ઊંચી સપાટીએથી અત્યાર સુધીમાં પાંચ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૩૦.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે ફેડરલ રિઝર્વનાં આક્રમક નાણાનીતિના વલણના અણસાર સાથે ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું ટેસ્ટીલિવનાં ગ્લોબલ માઈક્રો હેડ લ્યા સ્પિવિકે જણાવતાં ઉમેર્યું હતું કે સામાન્યપણે વધતા ફુગાવા સામેની સલામતી માટે સોનામાં હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ ઊંચા વ્યાજદર સોનાની માગને અવરોધી રહ્યા છે.

હવે ચીનની પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની સોનાની ખરીદી જળવાઈ રહે તો સોનામાં મોટો ઘટાડો અટકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. જોકે, હવે બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની શરૂઆત આગામી સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરશે અને વર્ષ ૨૦૨૪માં એક કરતાં વધુ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી અટકળો મૂકી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button