અમદાવાદમાં આજે હીટ સ્ટ્રોકથી 2 લોકોનાં મોત, રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 16 લોકો મોતને ભેટ્યા
અમદાવાદ: રાજ્યમાં અંગ દઝડતી ગરમીમાં લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે, તેમાં પણ અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હીટવેવના કારણે હીટસ્ટ્રોકના કેસમાં વધારો થઈ રહ્યો છે, આજે અમદાવાદમાં હિટ સ્ટ્રોકથી (heatstroke) બે લોકોના મોત થયા છે. બંનેને 108 મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (civil hospotal) ખસેડવામાં આવ્યા હતા. 35 અને 55 વર્ષીય દર્દીઓના એક જ દિવસમાં સારવાર દરમિયાન મોત થયા છે. જે પૈકી એક દર્દીને 104 ડીગ્રી અને બીજા દર્દીને 105 ડીગ્રી સાથે દાખલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં આજે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ હીટસ્ટ્રોકના કેસ લાવવામાં આવ્યા હતા. તેમાંથી 41 કેસમાં હીટ સ્ટ્રોક હોવાનું સામે આવ્યું હતું. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે. આ મોતની રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પણ પુષ્ટી કરવામાં આવી છે.
રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. ગરમીને કારણે થતી બીમારીઓના કેસમાં વધારો થયો છે, લૂ લાગવી, માથુ દુખવું, બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક સહિતના લક્ષણો ધરાવતા 41 કેસ માત્ર બે દિવસમાં જ સામે આવ્યા છે. હાલ જે 41 દર્દીઓ દાખલ છે તેમાંથી 10 દર્દીની હાલત ગંભીર જોવા મળી રહી છે.
અમદાવાદમાં આજે ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચી જતાં અચાનક 57 લોકો બેભાન થઈને નીચે પ઼ડી ગયા હતા. જો કે આ તમામને સમયસર સારવાર માટે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અબોલ પશુ પંખીઓને અસર થવા પામી છે.
અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આજે સત્તાવાર રીતે જણાવ્યા અનુસાર , આજે 57 લોકો, તા.23મીના રોજ 47, તા.22મી મેના રોજ 35 , અને 21મી મેના રોજ 36 લોકો બેભાન અને ચક્કર આવવા સાથે પડી ગયા હતા. તેઓને હિટ સ્ટ્રોકની સારવાર કરાઈ છે.
તા.16મી મેના રોજ હિટ વેવની શરૂઆત થઈ હતી, ત્યારથી તા.23મી મે સુધીમાં અમદાવાદમાં 276 લોકો બિમાર પડયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આવતીકાલે અમદાવાદ માટે રેડ એલર્ટ એટલે કે ગરમીનો પારો 46 ડિગ્રીને ક્રોસ કરે તેવી સંભાવના છે. જયારે તા.26 અને 27મી મે દરમ્યાન હિટ વેવનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જેના પગલે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી જઈ શકે છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ જ પરિસ્થિતી જોવા મળી રહી છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં 16 લોકોએ ગરમીને કારણે મોતને ભેટ્યા છે. જેમાં સૌથી વધારે સુરતમાં 9 લોકોને ગરમી ભરખી ગઈ છે. ગરમીમાં લૂ લાગવાને કારણે સૌથી વધુ મોતને ભેટ્યા છે. સુરતમાં સૌથી વધુ 9 લોકોના મોતની સાથે વડોદરામાં 4, મોરબીમાં એક, જામનગરમાં એક અને રાજકોટમાં એક વ્યક્તિનું મોત થયું છે. એકલા વડોદરામાં ગરમીથી અત્યાર સુધી 23 લોકો મોતને ભેટ્યા છે. ગરમીને કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશન, હીટસ્ટ્રોક સહિતના કેસમાં વધારો થયો છે.