વીક એન્ડ

બુદ્ધિનો બળદિયો ચાલશે સ્માર્ટ નહીં!

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

“ભગવાન, તારું જો અસ્તિત્વ હોય તો મારા છોકરાને બુદ્ધિનો બળદિયો બનાવજે- સ્માર્ટ ન બનાવતો

ચુનિયાએ પ્રાર્થના ચાલુ કરી અને ઘરવાળાની ચોટલી ગીતો થઈ ગઈ : ‘તમે તો કેવા બાપ છો એકના એક છોકરાને બુદ્ધિનો બળદિયો બનાવવો છે? માણસનાં લગ્ન થાય ત્યારથી એક સ્માર્ટ સંતાન ની ખેવના હોય. તમારા મોઢામાં આ શબ્દો શોભતા નથી અને તમે જે માગો છો તે તમે સાબિત થાવ છો. ’

ચુનિયાએ તરત જ કહ્યું કે “હું જે માગું છું તે વાજબી છે અને જે નથી ઇચ્છતો તે થઈને જ આ માગું છું. ૧૨ પાનાના છાપામાં તું વાંચતી નથી કે સ્માર્ટ મીટર જોઈતું નથી. છોકરો સ્માર્ટ હોય તો બધું એડવાન્સ ભરવું પડે. ભણે પરણે નોકરીએ ચડે કે ધંધો કરે બધે એડવાન્સ રૂપિયાનો ઢગલો કરો પછી તે આગળ વધે.
કોઈ સિદ્ધહસ્ત સંતના ચરણોમાં રીઢો રાજકારણી પડે તેમ ભાભીએ શરણાગતિ સ્વીકારી લીધી.

આજકાલ લગભગ જગ્યાએ સ્માર્ટ મીટરનો વિરોધ ચાલુ થઈ ગયો છે. લોકોને ‘સ્માર્ટ’ શબ્દ ખુંચવા લાગ્યો છે. જૂનું તે ‘સોનુ’ શબ્દ ગુંજવા લાગ્યો છે. એમાં તો કેટલાય પરિણીત પુરુષોના નવા સંબંધોમાં બ્રેકઅપ પણ થવા લાગ્યું છે. આમ પણ સ્માર્ટ ગર્લફ્રેન્ડ પ્રિ-પેડ જેવી જ હોય. બધું એડવાન્સમાં અપાવો પછી તમારી સાથે મિત્રતા કરે. તેના કરતાં ઘરવાળી સારી તમામ સુખ સગવડ સાચવે પછી ખર્ચ કરવાનો.

હમણાં અમારા એક મિત્ર એના દીકરા માટે છોકરી જોવા ગયા.બધું જ ફાઈનલ થઈ ગયું પછી કોઈ એવી વાત નીકળી અને દીકરીનાં મા- બાપે કહ્યું કે ‘ચિંતા કરોમાં અમારી દીકરી બહુ સ્માર્ટ છે’. તરત જ મારો મિત્ર આખા કુટુંબ સાથે ઊભો થઈ ગયો અને કહી દીધું કે ‘બધી ખોટ સ્વીકાર્ય પણ સ્માર્ટ નહીં ચાલે’.

વર્ષોથી વાપરતા સ્માર્ટફોન તરફ પણ લોકો શંકાની નજરે જોવા લાગ્યા છે. વિચારતા થઈ ગયા છે કે આ પણ જે તે સમયે સ્માર્ટ ખરીદી ન હતી. દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે એવી પરિસ્થિતિ થઈ છે. સરકાર કોથળાની સામે કોથળો આપે છે.પરંતુ લોકોને એવું લાગે છે કે તેમાં પાનશેરી મૂકેલી છે. ટકો રંગાઈ જતા વાર નહીં લાગે.

અમારી સોસાયટીમાં એક પેજ પ્રમુખ રહે છે. વારંવાર સરકારની સારી બાજુઓ સુવર્ણ અલંકારો સાથે અમારી સામે રજૂ કરે છે ગમે તે હોય, છેલ્લા ૧૫ દિવસથી અમારી બેઠકે આવતા નથી. અમારા વિસ્તારના નેતાના ઘરે સ્માર્ટ મીટર મૂકવા ગયા તો ચોકીદાર પાસે બહારથી તાળું મરાવી અને ‘સાહેબ’ બહારગામ ગયા છે. મીટર બોક્સની ચાવી પણ ગુમ થઈ ગઈ છે અને અમારા સાહેબની સાત પેઢીમાં કોઈએ તાળું તોડ્યું નથી કે તોડાવ્યું નથી એટલે હાલ સાહેબ ન આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર ફિટ કરવાનું નથી… તેવું કહેવરાવી દીધું છે.

લોકો કોરોનાથી જેટલું ન હતા ડરતા તેટલું સ્માર્ટ મીટરથી ડરવા લાગ્યા છે. હવે તો ઉઘરાણી કરવા જાય ત્યાં ધમકી પણ આપે છે કે જો મારા પૈસા પાછા નથી આપ્યા તો કાલ સાંજે તારે ત્યાં સ્માર્ટ મીટર ફિટ કરાવી દઈશું.અને ખરેખર આ ધમકી એટલી અસરકારક સાબિત થાય છે કે બપોર પડતા ઉઘરાણી પાકી જાય છે.

લોકો શ્રાપ દેવામાં પણ હવે સ્માર્ટ મીટરનો ઉપયોગ કરે છે બાજવામાં બાવડેબાજને ન પહોંચી શકે તો મનમાં ને મનમાં આતરડી બાળી અને કહે છે કે ‘આવા ને તો સ્માર્ટ મીટર જ પહોંચે. ’

પહેલા તો સ્માર્ટ શબ્દ સાંભળતાં ગલગલિયાં થવાં માંડતા. નવી વહુ કેવી છે તરત જ કહે: બહુ સ્માર્ટ છે. એટલે હિતેચ્છુઓ રાજી થતાં અને હિતશત્રુઓના પેટમાં તેલ રેડાતું. સ્માર્ટ વહુ આમ જુઓ તો સાસુ માટે હાનિકારક સાબિત થાય. સાસુના દરેક પેંતરા રામાયણ સિરિયલમાં જેમ બંને બાજુથી બાણ છૂટતા અને વચ્ચે અવકાશમાં તણખા જરી શત્રુના બાણને વેરવિખેર કરી નાખતા તેમ સ્માર્ટ વહુ છે તે સાસુના દરેક વાક્ બાણને અસરકારક બને તે પહેલા જ ભાંગી તોડી અને ભૂકો કરી નાખે. આ જ ‘સ્માર્ટ’ શબ્દ અત્યારે એટલો તિરસ્કૃત થઈ ગયો છે કે દરેક સાસુ ઈચ્છે છે કે વહુના બે આંટા ઓછા હશે તો ચાલશે પણ સ્માર્ટ તો નથી જ જોઈતી. જોકે સામે વહુઓ પણ એવું જ ઈચ્છે છે કે સ્માર્ટ સાસુઓ નકામી આપણું ચાલવા ના દે. વરના ગળામાં ગાળિયો પરોવવાની તૈયારી કરો ત્યાં સ્માર્ટ સાસુ એવો કોઈ પેંતરો અજમાવે કે દીકરો મંદબુદ્ધિ થઈ અને માનાં ચરણોમાં સમર્પિત થઈ જાય. અડધા આંટાની સાસુ હેન્ડલ કરી શકાય, પરંતુ સ્માર્ટ ચીપ ધરાવતી સાસુ રણમેદાન છોડાવે.
દીકરાઓ તો સ્માર્ટ રહ્યા જ નથી, કારણ કે એને આ ઘરના રણસંગ્રામમાં કોણ ક્યારે શું કરશે તે નક્કી જ નથી કરી શકતો.

સ્માર્ટના નામે ક્યારે ઓવર સ્માર્ટ બટકી જાય તે નક્કી થતું નથી. અને આ વાત સ્માર્ટ લોકોને પણ સમજાતી નથી.અરે, રીઢા રાજકારણીઓને પણ અમુક વાર સમજાણી નથી કે આપણે આટલા સ્માર્ટ હોવા છતાં પણ આપણે જેને મંદ બુદ્ધિ ગણતા હતા તે નેતા કઈ રીતે ઓવરટેક કરી ગયો.

‘સ્માર્ટ’નો અર્થ શું ? એ પણ જાણી લો
S – સમજવા
M – માટે
A – અઘરું
R – રહે
T – તેવું
આવો અર્થ થાય છે સ્માર્ટનો !

માણસના મગજમાં પણ મીટર ફિટ થયેલું છે. ઘણાએ ડાયરેક્ટ લંગરિયા નાખ્યા છે એટલે કે કોઈ બીજાની બુદ્ધિ પ્રમાણે ચાલે પોતાનું મીટર હોય જ નહીં. ઘણાના મીટરમાં ચેડા થયેલા હોય. એટલે કે ક્યારેક ફરે ક્યારેક ન ફરે, ક્યારેક બુદ્ધિ ચાલે, ક્યારેક ના ચાલે. ઘણાના મીટર બંધ જ હોય છે. એટલે કે તમને લાગે કે બુદ્ધિ છે પણ ચાલતી ન હોય. ઘણાએ તો સોલાર પેનલ લગાડેલી હોય અને મીટર પણ ટનાટન હોય એટલે કે બુદ્ધિ એટલી બધી ચાલતી હોય કે બીજાને ભાડે પણ આપે.

સ્માર્ટ મીટરનું ગતકડું સમજાવતા એક એક દાઝેલા સંસારી મિત્રએ કહ્યું કે આ તો કેવી વસ્તુ છે કે માંડ તમારો સંસાર સરસ રીતે ચાલતો હોય ત્યાં પિયરને ફાયદો કરાવવા વહુ ખોટી વાતે ઉપાડો લે અને સરસ રીતે ચાલતા સંસારને ડખોળી નાખે એવો ઘાટ છે. ઘરના વિરોધ કરે તો તરત જ સ્માર્ટ વહુ પિયરિયાને શું ફાયદો છે તે ભૂલવાડી તેની વાતથી તમને શું ફાયદો છે તે જણાવવા માંડે. અત્યારની વાતે તો એવું જ લાગે છે કે વહુનું ચાલશે અને પિયરિયાઓ મહાલશે.

વિચારવાયુ
નીતિમત્તા,પ્રમાણિકતા માટે પણ સ્માર્ટ મીટર હોવું જોઈએ. લોકોની સેવા કરવા માગતા નેતાઓ પહેલા આ બંને ગુણનું ફૂલ રિ-ચાર્જ કરાવે પછી જ તેની કારકિર્દીનું મીટર ચાલુ થવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button