ડોમ્બિવલીની કેમિકલ કંપનીના માલિકની ધરપકડ
રાસાયણિક પ્રક્રિયાને કારણે વિસ્ફોટ થયાની શક્યતા: તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડોમ્બિવલીની કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટના કેસમાં પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધી ઘાટકોપરમાં રહેતા કંપનીના માલિકની ધરપકડ કરી હતી, જ્યારે તેની માતાને પૂછપરછ માટે તાબામાં લીધી હતી. રાસાયણિક પ્રક્રિયાને કારણે કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની શક્યતા પ્રાથમિક તપાસમાં જણાઈ રહી છે. આ ઘટનામાં મરણાંક વધી રહ્યો હોવાથી મામલાને ગંભીરતાથી લઈ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચની સ્પેશિયલ સ્ક્વોડે શુક્રવારે ઘાટકોપરના આર સિટી મૉલ સામે કલ્પતરુ ઓરા ઈમારતમાં રહેતા મલય પ્રદીપ મહેતા (38)ને થાણે પરિસરમાંથી તાબામાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ પછી મોડી સાંજે તેની ધરપકડ કરવામાં આવી હતી. મલયની માતા માલતી મહેતા પણ કંપની સાથે કથિત રીતે સંકળાયેલી હોવાનું દસ્તાવેજો પરથી જણાયું હતું. સિનિયર સિટીઝન માલતીબહેન નાશિકમાં હોવાનું જાણવા મળ્યું હતું. નાશિક પહોંચેલી પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી માલતીબહેનને પૂછપરછ માટે તાબામાં લીધાં હતાં.
ડોમ્બિવલી એમઆઈડીસી સ્થિત અમુદાન કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડમાં ગુરુવારની બપોરે અચાનક ધડાકો થયા પછી આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટને કારણે આજુબાજુમાં આવેલી કંપનીના કર્મચારીઓને પણ ઇજા થઈ હતી. આ ઘટનામાં 50થી વધુ કર્મચારી જખમી થયા હતા, જ્યારે મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી.
આ પ્રકરણે માનપાડા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 304 (સદોષ મનુષ્યવધ), 34, 324, 326, 285, 286 અને 427 તેમ જ એક્સપ્લોઝિવ ઍક્ટ અને એક્સપ્લોઝિવ સબસ્ટેન્સીસ ઍક્ટની સંબંધિત કલમો હેઠળ કંપનીના માલિકો, ડિરેક્ટર્સ અને અન્યો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે પછીથી કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કંપનીમાં વિવિધ પ્રકારનાં રસાયણો રાખવામાં આવ્યાં હતાં. આ રસાયણો બનાવતી વખતે અને ઉપયોગ કરતી વખતે તેમ જ કાચા માલાને સંગ્રહવા માટે યોગ્ય તકેદારી રાખવામાં આવી નહોતી. પરિણામે રાસાયણિક પ્રક્રિયાને કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જોકે વિસ્ફોટનું ખરું કારણ જાણવા માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. નિષ્ણાતોના તપાસ અહેવાલ પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે.