20 વર્ષ જૂના માનહાનિના કેસમાં મેધા પાટકર દોષિત, દિલ્હીના LG વીકે સક્સેનાએ કર્યો હતો કેસ
નવી દિલ્હી: સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરની મુશ્કેલી વધી છે, દિલ્હીની સાકેત કોર્ટે શુક્રવારે (24 મે)ના રોજ તેમને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. KVICના તત્કાલીન ચેરમેન વીકે સક્સેના (હાલ દિલ્હી LG) દ્વારા તેમની સામે એક અરજી દાખલ કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, સાકેત કોર્ટના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ રાઘવ શર્માએ પાટકરને અપરાધિક માનહાનિના દોષીત ઠેરવ્યા હતા. કાયદા અનુસાર, તેમને બે વર્ષની જેલ અથવા દંડ અથવા બંને સજા થઈ શકે છે. પાટકર અને દિલ્હી LG બંને વર્ષ 2000થી કાનૂની લડાઈ લડી રહ્યા છે. ત્યારે મેધા પાટકરે તેમના અને નર્મદા બચાવો આંદોલન (NBA) વિરુદ્ધ જાહેરાતો પ્રકાશિત કરવા બદલ વીકે સક્સેના સામે કેસ દાખલ કર્યો હતો.
મેધા પાટકરને દોષિત ઠરાવતી વખતે, સાકેત કોર્ટે કહ્યું હતું કે, “ફરિયાદી પર કાયર, દેશભક્તિહીન અને હવાલા વ્યવહારમાં સામેલ હોવાનો આરોપ લગાવતા આરોપીઓના નિવેદનો માત્ર બદનક્ષીભર્યા નહોંતા પરંતુ નકારાત્મક ધારણાઓને ઉશ્કેરવા માટે પણ કરવામાં આવ્યા હતા.”
Delhi's Saket court convicts Narmada Bachao Andolan activist Medha Patkar in defamation case filed then KVIC Chairman V K Saxena (now Delhi LG).
— ANI (@ANI) May 24, 2024
સમગ્ર કેસ શું છે?
વીકે સક્સેના તે સમયે અમદાવાદ સ્થિત એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર સિવિલ લિબર્ટીઝના વડા હતા. સક્સેનાએ ટીવી ચેનલ પર તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા અને બદનક્ષીભર્યા પ્રેસ નિવેદનો આપવા બદલ મેધા પાટકર વિરુદ્ધ બે કેસ પણ દાખલ કર્યા હતા. વીકે સક્સેનાએ અપમાનજનક નિવેદનો કરવા બદલ તેમની સામે બે કેસ દાખલ કર્યા હતા. બદનક્ષીનો કેસ જેમાં પાટકરને દોષી ઠેરવવામાં આવ્યા છે તે 2003નો છે.