બંગાળની ખાડીમાં સર્જાયેલ ચક્રવાત રવિવારે રાત્રે લેન્ડફોલ કરશેઃ IMDની આગાહી
કોલકાતા/ભુવનેશ્વરઃ એક બાજુ સમગ્ર ઉત્તર ભારત ભીષણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે તો બીજી બાજુ બંગાળની ખાડી ઉપર લો પ્રેશર એરિયા બની રહ્યો છે. જે ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ શકે છે અને ૨૬ મેની મધ્યરાત્રિની આસપાસ પશ્ચિમ બંગાળના સાગર ટાપુ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે લેન્ડફોલ કરશે. પરિણામે રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના કેનિંગથી લગભગ ૮૧૦ કિમી દક્ષિણમાં મધ્ય બંગાળની ખાડી પર આવેલી સિસ્ટમ ૨૫ મેની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ઉત્તર દિશામાં આગળ વધતાં સિસ્ટમ ૨૫ મેની સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે. ૨૬ મેની મધ્યરાત્રિની આસપાસ તીવ્ર ચક્રવાતી તોફાન સાગર ટાપુ અને ખેપુપારા વચ્ચે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વેધર સિસ્ટમ ૨૬ અને ૨૭ મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. હવામાન કચેરીએ ૨૬ અને ૨૭ મેના રોજ કોલકાતા, દક્ષિણ અને ઉત્તર ૨૪ પરગણા, પૂર્વા મેદિનીપુર અને હાવડા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી. તેથી હવામાન વિભાગે તમામ માછીમારોને ૨૪ મેથી ૨૭ મે સુધી બંગાળની ખાડીમાં ન જવા સૂચના આપી છે.
આઇએમડીએ જણાવ્યું હતું કે તેના પ્રભાવ હેઠળ ૨૫ મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ૨૬ મેના રોજ બાલાસોરમાં અલગ-અલગ સ્થળો માટે ભારેથી અતિ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભદ્રક અને કેન્દ્રપાડામાં અલગ-અલગ સ્થળોએ પણ ભારે વરસાદ થઇ શકે છે.