ચેન્નઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 17મી સીઝનમાં હવે બે જ મુકાબલા બાકી છે અને આખી ટૂર્નામેન્ટમાં જે અનેક ધમાકેદાર પર્ફોર્મન્સ જોવા મળ્યા એમાંના અમુક દેખાવનું આ બાકીના બે જંગમાં રીરન જોવા મળશે તો ચાર ચાંદ લાગી જશે. આ સંભવ છે, કારણકે બાકી બચેલી ત્રણ ટીમમાંના જે ખેલાડીઓ પોતાને એક સીઝનના મળતા કરોડો રૂપિયાનો બદલો આપવા સારા પર્ફોર્મન્સથી આ બાકીની તકને યાદગાર બનાવવાનું પસંદ કરશે અને બીજા જે પ્લેયર્સ લાખો ને કરોડો રૂપિયાના આસામી હોવા છતાં અપેક્ષા જેટલું સારું નથી રમી શક્યા તેઓ પણ આબરૂ સાચવવા સારું રમશે તો નવાઈ નહીં લાગે. ટૂંકમાં, જે ટીમ ચૅમ્પિયન બનશે એને બીસીસીઆઇ તરફથી દલ્લો તો મળવાનો જ છે. રનર-અપ ટીમને પણ સારી એવી રકમ (Prize Money) મળશે.
કરોડો રૂપિયાની કમાણીની વાત નીકળી છે તો સૌથી પહેલાં બૅન્ગલોરની ટીમના ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલના કિસ્સા પર એક નજર કરી લઈએ. બેન્ગલૂરુની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે, પણ ગ્લેન મૅક્સવેલનો કિસ્સો ગજબનો છે. તેને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)નું ફ્રૅન્ચાઇઝી આ સીઝન રમવાના 14 લાખ ડૉલર (અંદાજે 11 કરોડ રૂપિયા) આપશે, પરંતુ મૅક્સવેલે ખૂબ જ નિરાશાજનક પર્ફોર્મ કર્યું છે. તેણે 10 મૅચમાં 43 બૉલનો સામનો કરીને માંડ બાવન રન બનાવ્યા છે અને 129 રનના ખર્ચે ફક્ત છ વિકેટ લીધી છે.
ટાટા ગ્રૂપ આઇપીએલનું ટાઇટલ સ્પૉન્સર છે. પાંચ વર્ષ (2024થી 2028)ની ટાઇટલ સ્પૉન્સરશિપ માટે આ ગ્રૂપે બીસીસીઆઇને 2,500 કરોડ રૂપિયા આપ્યા છે જે આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં નવો વિક્રમ છે.
રવિવારની ફાઇનલ પછી કોને કેટલું ઇનામ મળશે?
(1) આઇપીએલની 17મી સીઝન જીતનારી ટીમને 20 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ મળશે.
(2) રનર-અપ ટીમને 13 કરોડ રૂપિયા આપવામાં આવશે.
(3) ત્રીજા સ્થાને આવનાર ટીમને 7 કરોડ રૂપિયા મળશે.
(4) ચોથા નંબરની ટીમને 6.5 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.
(5) સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બૅટરને ઑરેન્જ કૅપ સાથે 15 લાખ રૂપિયાનું ઇનામ અપાશે.
(6) સીઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કૅપ સાથે 15 લાખ રૂપિયા મળશે.
(7) ઇમર્જિંગ પ્લેયર ઑફ આઇપીએલ-2024ને 20 લાખ રૂપિયાનું આકર્ષક ઇનામ મળશે.
(8) સીઝનના મોસ્ટ વૅલ્યૂએબલ પ્લેયરને 12 લાખ રૂપિયા આપવામાં આવશે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે 2008ની પ્રથમ સીઝનમાં વિજેતા ટીમ રાજસ્થાન રૉયલ્સને 4.80 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ મળ્યું હતું, જ્યારે રનર-અપ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને 2.40 કરોડ રૂપિયા અપાયા હતા. 2009માં પણ એટલી જ ઇનામીરકમ હતી.