IPL 2024સ્પોર્ટસ

IPL-24 : આજે જો આવું થાય તો રાજસ્થાન (RR) પહોંચી જશે ફાઇનલમાં: જોકે એક રીતે ઇતિહાસ પણ હૈદરાબાદ (SRH)ની તરફેણમાં છે

ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનમાં 72 મૅચ રમાઈ ચૂકી છે અને હવે ચૅમ્પિયન ટીમ નક્કી થવાને આડે માત્ર બે મુકાબલા બાકી છે. જે કોઈ વિજેતા બનશે, આઇપીએલને નવું ચૅમ્પિયન મળવાનું જ નથી. 10માંથી હવે રેસમાં બાકી રહી ગયેલી ત્રણેય ટીમ એક કે એકથી વધુ વખત ટાઇટલ જીતી ચૂકી છે. આજના મુકાબલાની વાત કરીએ તો ચેન્નઈમાં ચેપૉકના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ (RR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ક્વૉલિફાયર-ટૂ (સાંજે 7.30 વાગ્યાથી)માં જોરદાર જંગ થશે. આ મેદાનનો ઇતિહાસ એક રીતે રાજસ્થાનની તરફેણમાં કહી શકાય. જોકે આઇપીએલના ઇતિહાસ પર બારીકાઈથી નજર કરીએ તો હૈદરાબાદને પણ ફાઇનલમાં એન્ટ્રી કરવાની તક મળી શકે.

ટૂંકમાં, રાજસ્થાન અને હૈદરાબાદ બન્ને ટીમને ત્રીજી વાર ફાઇનલમાં જવાની તક છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ચોથી વખત ફાઇનલમાં પહોંચી ગઈ છે અને એના ખેલાડીઓ રવિવારના હરીફોની રાહ જોઈ રહ્યા છે.

રાજસ્થાને 2008ની સૌપ્રથમ આઇપીએલમાં શેન વૉર્નના સુકાનમાં ટ્રોફી જીતી લીધી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે 2016માં ફાઇનલમાં બેન્ગલૂરુને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ડેક્કન ચાર્જર્સ ટીમ પણ હૈદરાબાદ-સ્થિત હતી અને એ ટીમે 2009માં વિજેતાપદ મેળવ્યું હતું.

જોકે સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો ચેન્નઈના ચેપૉકના સ્ટેડિયમમાં હૈદરાબાદની ટીમના આંકડા ડરામણા છે. હૈદરાબાદની ટીમ 10માંથી ફક્ત એક મૅચ જીતી છે, નવ મૅચમાં પરાસ્ત થઈ છે. એ જોતાં આજે રાજસ્થાન સામે હૈદરાબાદ નહીં જીતે તો ઇતિહાસની દૃષ્ટિએ નવાઈ નહીં લાગે. બીજું, આઇપીએલના પ્લે-ઑફમાં પણ હૈદરાબાદનો પર્ફોર્મન્સ વખાણવા જેવો નથી. બારમાંથી સાત મૅચમાં હૈદરાબાદે હાર જોવી પડી છે. ટૂંકમાં, પ્લે-ઑફમાં હૈદરાબાદે જીત કરતાં હારનો વધુ સામનો કરવો પડ્યો છે.

આ વખતની આઇપીએલની લીગ મૅચમાં હૈદરાબાદે રાજસ્થાનને એક રનથી હરાવ્યું એટલે રાજસ્થાન એનો બદલો લેવા કોઈ કસર નહીં છોડે. જોકે એલિમિનેટરમાં બેન્ગલૂરુને હરાવીને પ્રથમ ટાઇટલ જીતવાનું એનું સપનું ચકનાચૂર કરીને ક્વૉલિફાયર-ટૂમાં પ્રવેશેલા રાજસ્થાન માટે નિરાશાજનક ઇતિહાસ રાહ જોઈ રહ્યો છે.

વાત એવી છે કે પ્લે-ઑફનું ફૉર્મેટ શરૂ કરવામાં આવ્યું ત્યાર બાદ અત્યાર સુધીમાં 13માં માત્ર ત્રણ જ સીઝનમાં એવું બન્યું છે કે એલિમિનેટરમાં જીતનારી ટીમ ક્વૉલિફાયર-ટૂનો મુકાબલો જીતી છે. રાજસ્થાને બુધવારે અમદાવાદમાં એલિમિનેટરમાં બેન્ગલૂરુને ચાર વિકેટે હરાવ્યું હતું. જોકે હવે ક્વૉલિફાયર-ટૂમાં પણ જીતવું રાજસ્થાન માટે ઇતિહાસનો રેકૉર્ડ જોતાં મુશ્કેલ કહી શકાય. એ રીતે, હૈદરાબાદને ક્વૉલિફાયર-ટૂ જીતવાની તક છે.

એક વાત નક્કી છે…હૈદરાબાદના બૅટર્સ (પ્રથમ બૅટિંગ આવતાં) અસલ મિજાજમાં ફટકાબાજી કરીને તોતિંગ સ્કોર નોંધાવશે તો રાજસ્થાન માટે જીતવું કઠિન બનશે. નહીં તો, રાજસ્થાનના સ્પિનર્સ સામે હૈદરાબાદનું આવી જ ગયું સમજો. હા, જૉસ બટલર હવે ટીમમાં નથી, પરંતુ યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, કૅપ્ટન સંજુ સૅમસન, ધ્રુવ જુરેલ, શિમરૉન હેટમાયર પણ રાજસ્થાનને બૅટિંગના જોરે જિતાડી શકે એમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ